Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધે નેપાળની ચિંતા વધારી દીધી છે. નેપાળમાંથી રશિયા વતી લડવા માટે ગયેલા 100 જેટલા નેપાળી નાગરિકો હાલમાં ગાયબ છે અને તેમનો કોઈ પતો નહીં મળી રહયો હોવાની કબૂલાત નેપાળની સરકારે કરી છે. 

નેપાળના વિદેશમંત્રી નારાયણ પ્રસાદ સઉદે મંગળવારે કહ્યુ હતુ કે યુક્રેન સામેના જંગમાં રશિયાની સેના વતી લડી રહેલા 100 જેટલા નેપાળી સૈનિકો લાપતા અને ઘાયલ છે. હાલમાં 200 જેટલા નેપાળી સૈનિકો રશિયન સેનામાં હોવાનો અંદાજ છે. આ આંકડો કદાચ વધારે હોઈ શકે છે. રશિયાની સેનામાં કેટલાક નેપાળીઓ છે તેનો ચોક્કસ આંકડો અમારી પાસે નથી. 

તેમણે આગળ કહ્યુ હતુ કે રશિયામાં કામ કરવા માટે, અભ્યાસ માટે અથવા પ્રવાસ માટે ગયેલા 200 જેટલા નેપાળીઓ સેનામાં જોડાઈ ગયા હતા. આ સંખ્યા કદાચ વધારે હોઈ શકે છે. કારણ કે એવી ફરિયાદો અમને મળી છે કે 100 જેટલા નેપાળી નાગરિકો ઘાયલ થયા છે અને તેમનો પતો નથી મળી રહ્યો. 

નેપાળની સરકારે આ મુદ્દે રશિયન સરકાર સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે. રશિયાની સરકારનુ કહેવુ છે કે અમારી સેનામાં કેટલાક નેપાળી નાગરિકો સામેલ થયા હતા અને તેમાંથી સાત લોકો માર્યા ગયા છે. જ્યારે 100 જેટલા લાપતા થયા છે. 

નેપાળના વિદેશ મંત્રીએ આગળ કહ્યુ હતુ કે કેટલાક નેપાળીઓ યુક્રેનની સેનાના કેદમાં હોવાની આશંકા છે અને તેમને છોડાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. સરકાર ભારત સ્થિત યુક્રેનના દૂતાવાસ સાથે સંપર્કમાં છે. રેડક્રોસને અમે નેપાળના લોકોને છોડાવવા માટે અનુરોધ કર્યો છે. 

આ પણ વાંચો: હૂતી જૂથના 2000 ડોલરથી ઓછી કિંમતના ડ્રોન તોડી પાડવા અમેરિકા 20 લાખ ડોલરનુ મિસાઈલ વાપરી રહ્યુ છે