Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રાજ્યમાં માવઠાને કારણે ખેડૂતોની હાલાકી વધી રહી છે. ત્યારે રાજકોટના માલિયાસણ ગામના ખેડૂતોની વાત કરીએ તો અહીંયા ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે ગામના એક એક ખેડૂતને 2 થી 3 લાખ રૂપિયાની નુકસાની થઈ છે. સરકારી અધિકારીઓ સર્વે કરવા માટે આવ્યા હતા પરંતુ આ સર્વેથી ખેડૂતો નાખુશ થયા છે, તેનું કારણ જાણી તમે ચોંકી ઉઠશો.

ગયા અઠવાડિયે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં માવઠું પડતાં બધા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોના મોં આગળ આવેલ કોળિયો છીનવાઈ ગયો છે. કારણ કે, ખેડૂતોને પાક ઉતારવાની તૈયારી હતી અને ત્યાં માવઠું પડતાં ખેડૂતોનો તમામ પાક નાશ પામ્યો. રાજકોટના માલિયાસણ ગામના ખેડૂતોની વાત કરીએ તો અહીંયા ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આ ગામના એક એક ખેડૂતને 2 થી 3 લાખ રૂપિયાની નુકસાની આવી છે.

કરા સાથે પડેલ ભારે વરસાદના કારણે ખેડૂતોના પાક પડી ગયા હતા અને પાકને નુકસાન થયું હતું. માલિયાસણ ગામના ખેડૂતોએ કપાસ અને તુવેર સહિત પાકોનું વાવેતર કર્યું હતું પણ હવે આ તમામ પાક નિષ્ફળ છે, જેથી ખેડૂતોને પડ્યા પર પાટા સમાન સ્થિતિ ઉભી થઈ ગઈ છે.

90 ટકા જેટલુ ખેડૂતોને નુકસાન થયું

માલિયાસણ ગામના ખેડૂતોએ જણાવ્યું કેમાવઠાના કારણે અમારે 90 ટકા જેટલું ભારે  નુકસાન થયું છે. અહી ટીમ સર્વે કરવા માટે પણ આવી હતી પણ આ સર્વેથી ખેડૂતો ખુશ નથી, જેનું કારણ એ કે, સરકાર ત્રણ વખત સર્વે કરીને ગઈ છે છતાં કોઈ જાતનું ખેડૂતોને વળતર મળ્યું નથી. વાવાઝોડું આવ્યું, અતિવૃષ્ટિ થઈ ગયા પછી વર્ષે રવિપાકમાં નુકસાની ગઈ તે મામલે સર્વે કર્યો પણ તંત્ર દ્વારા કોઈ સહાય આપવામાં આવી નથી.

સર્વ થાય છે પણ સામે વળતર મળતું નથી

ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે, અધિકારીઓ આવે છે અને ફોટા પાડી સર્વે કરીને જતા રહે છે, પરંતુ કોઈને હજી સુધી વળતર મળ્યું નથી. આ વર્ષે તો અમને 100 ટકા નુકસાની જ છે. આ વર્ષે અમે કપાસ, તુવેર, શાકાભાજી, ડુંગળી અને મકાઈ જેવા પાકનું વાવેતર કર્યું હતું, પણ અત્યારે મજૂરો ન મળતા હોવાથી ખેડૂતો પાકને કાપણી કરી ખેતરમાંથી બહાર ફેંકી રહ્યાં છે.

કારણ કે નુકસાની બાદ જે મજૂરી ચડાવીને અમે કરીએ છે, તેનો તો એક પણ રૂપિયો મળવાનો નથી. પાકના ખર્ચા વિશે વાત કરતા ખેડૂતે જણાવ્યું કે, એક એકર જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવે તો 1,500 રૂપિયાનું બિયારણ જોઈએ છે. બીજી બાજુ 500 થી 700 રૂપિયા એક કલાક ખેડવાના અને એક એકરમાં કપાસનું વાવેતર કરવા મજૂરોને 1,500 રૂપિયા ચૂકવીએ છે. ત્યારબાદ 20 કિલો DAP નાખો અને યુરિયા નાખો એટલે તેનો ખર્ચ 800 થી 900 રૂપિયા જેટલો થઈ જાય છે.

આ પણ વાંચો : રાજ્યમાં આગામી ત્રણ દિવસ માટે ફરી વરસાદની આગાહી