Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: કચ્છ-ભુજના કલેકટર તરીકેના કાર્યકાળ દરમિયાન વેલસ્પન કંપનીને સસ્તા ભાવે જમીન ફાળવવા સહિતના ભ્રષ્ટાચારના કેસમાં પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્માને ગુજરાત હાઇકોર્ટે શરતી જામીન પર મુકત કરવાનો આદેશ કર્યો છે. હાઈકોર્ટનુ અવલોકન છે કે, પ્રદીપ શર્મા 69 વર્ષના સિનિયર સીટીઝન છે, તેમની વિરૂધ્ધ ભ્રષ્ટાચારના જે આક્ષેપો છે તે ટ્રાયલના તબક્કે પ્રસ્થાપિત કે પુરવાર કરવાના હોય, હાલના તબક્કે નહી. આ કેસમાં તપાસ પૂરી થઇ ગઇ છે અને ચાર્જશીટ પણ ફાઇલ થઇ ગયુ છે, જે દર્શાવે છે કે, હવે વધુ તપાસની કોઇ જરૂરિયાત રહેતી નથી.

અરજદારના વકીલની રજૂઆત હતી કે, આ કેસ વર્ષ 2005નો છે અને તે અંગેની એફઆઇઆર 18 વર્ષના લાંબા સમય બાદ, નોંધાવવામાં આવેલી છે. આ કેસમાં અરજદાર છેલ્લા છ મહિનાથી જેલમાં છે. કેસની તપાસ પણ હવે પૂરી થઇ ગઇ છે અને તપાસનીશ એજન્સી દ્વારા સક્ષમ કોર્ટમાં ચાર્જશીટ પણ ફાઇલ કરી દેવાયું છે. અરજદાર વિરૂધ્ધના અન્ય ગુનામાં પણ જામીનના કિસ્સામાં અરજદાર દ્વારા કોઇ શરતોનો ભંગ કરાયો નથી. જે અરજદારની જેન્યુઇન વર્તણૂંક દર્શાવે છે અને તે ટ્રાયલ દરમ્યાન પણ ઉપલબ્ધ રહેશે. અરજદારે તેનો પાસપોર્ટ પણ જમા કરાવેલો છે અને તેથી કયાંય નાસી ભાગી જાય તેમ નથી. સૌથી નોંધનીય વાત એ છે કે, અરજદાર વર્ષ 2015થી નિવૃત્ત થઇ ગયા છે,  આજ દિન સુધી કોઇ ખાતાકીય કાર્યવાહી પણ થઇ નથી. જાહેર તિજોરીને નુકસાનના આક્ષેપ અંગે એવુ હોય તો અરજદાર રૂ. 1,04,060ની રકમ પણ જમા કરાવવા તૈયાર છે.

રાજય સરકારના વકીલે આ અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે અરજદાર વિરૂદ્ધ સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવા સહિતના ગંભીર આરોપ છે અને તેમણે જે તે વખતે કલેકટર તરીકેના કાર્યકાળ પોતાની સત્તાનો દૂરપયોગ કરી ગેરકાયદે રીતે વેલસ્પન કંપનીને સસ્તા ભાવે જમીન ફાળવણી કરી હતી. ગુનાની ગંભીરતા જોતાં તેમને જામીન ન આપો.