Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

સાણંદ પાસે આવેલા નળ સરોવર નજીક આવેલું એક ગામ જે ગામનું નામ છે ધરજી ગામ. આ ગામની હાલત કંઈક એવી છે કે પહેલી નજરે જોતા આપણને એવું લાગે કે આ લોકો આજે પણ આઝાદી પહેલાના ગામડાઓમાં વસી રહ્યા છે, કારણ કે આ ગામમાં આજે પણ લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ત્રણ ત્રણ દિવસ રાહ જોયા પછી આ ગામમાં ઘર દીઠ માત્રને માત્ર એક જ બેડું પાણી મળે છે અને એ પણ સાફ ડોહળુ.


આ ગામના લોકો તળાવમાં ખાડો ખોદી અને પીવાનું પાણી શોધે છે. ગામમાં મોટું તળાવ બનાવવામાં આવ્યું છે પણ તે તળાવમાં પાણીની એક બુંદ પણ નથી જેથી આ લોકો તળાવમાં પણ ઊંડો ખાડો ખોદે છે અને તે ખાડામાંથી ત્રણ દિવસે જ્યારે પાણી ભરાય છે ત્યારે તે પાણી ઘર દીઠ દરેક મહિલાઓ એક એક બેડું પાણી લઈ જાય છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ આ ગામના લોકો આવું ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે.


ગામની હાલતની કલ્પના માત્રથી જ આપણને મનમાં દ્રશ્ય જાગી જશે અને લાગશે કે સરકારની યોજના નીચે મોટી મોટી વાતો કરે છે તે વાતો માત્ર કાગળ પૂરતી જ રહી ગઈ છે. આ ગામમાં વર્ષોથી ન તો કોઈ ધારાસભ્ય કે ન તો કોઈ નેતા જોવા પણ આવ્યા છે અને જો કોઈ નેતા કે ધારાસભ્ય ગામમાં આવે છે તો ગામના છેડે બેસી અને મત માટે આ લોકોને ધમકી આપે છે. કહે છે કે જો તમે વોટ નહીં આપો તો તમારું ચૂંટણી કાર્ડ કેન્સલ કરી દેવામાં આવશે અને આ બધી બાબતોથી ડરી અને આ ગામના લોકો પોતાના નેતા પસંદ કરે છે. 


ત્યારે ગામના લોકોએ પસંદ કરેના નેતા તે કેમ આ ગામના લોકોની સમસ્યાને સમજતા નથી? શું તે નેતાની માત્રને માત્ર મતપૂરતી જ ગરજ હતી? જ્યારે અમારી ટીમ દ્વારા સાણંદ તાલુકાના ધારાસભ્ય કનુભાઈ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે કનુભાઈ પટેલ દ્વારા પહેલા તો અમને એમ કહેવામાં આવ્યું કે આ ગામની હાલત વિશે તેમને કોઈ જ જાણ નથી અને પછી તેમના દ્વારા કહેવામાં આવ્યું કે હું ગામની મુલાકાત રૂબરૂ લઈને આવ્યો છું. આવી કોઈ જ તકલીફ મને ત્યાં લાગી નથી ત્યારે સવાલ અહીં એ ઉભો થાય છે કે ગામમાં જો કોઈ તકલીફ જ નથી. શું અમારા કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો શું ખોટા છે? અમારા કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે આ ગામના લોકોની હાલત કેટલી કફોડી છે. આ ગામના લોકો ખેતીવાડી કે પછી કોઈ અન્ય નોકરી ધંધો નથી કરી શકતા, કારણ કે ગામના પુરુષો પાણી માટે રોજ નવા ખાડા ખોદે છે અને ગામની મહિલાઓ તે પાણી ભરવા માટે ત્રણ ત્રણ દિવસ લાઈનોમાં બેસે છે. એટલે આ ગામના લોકોની બીજી કોઈ દિનચર્યા છે જ નહીં. ગામના લોકોનું કહેવું છે કે ગામ જ્યારથી વસ્યું ત્યારથી જ આ સ્થિતિ છે. ચોમાસુ આવે ત્યારે તળાવમાં પાણી ભરાય છે અને એ પાણીથી તેઓ ગુજારો કરે છે પરંતુ એ પાણીનો પુરવઠો પણ ઉનાળો આવતા પૂરો થઈ જાય છે જેથી ગામના લોકોને ઉનાળામાં વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.