Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- હાઈકોર્ટનો આદેશ, જૂનાગઢ ડીએસપી અને એ ડિવિઝનના પીઆઈ 10 ઓગષ્ટે હાજર રહે

- પોલીસ કર્મી જ પોલીસના અત્ચાચારનો ભોગ બન્યાનો આરોપ

અમદાવાદ

પોલીસ તંત્રમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં પિતા પર કથિત પોલીસ અત્યાચાર અને રહસ્યમય સંજોગોમાં મોતના કેસમાં આજદિન સુધી જૂનાગઢ પોલીસે કોઇ જ કાર્યવાહી ન કરતા, ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરતા, આ કેસમાં જૂનાગઢ ડીએસપી અને જૂનાગઢ એ ડિવીઝન પોલીસમથકના પીઆઇને 10 ઓગષ્ટે સવારે 11 વાગ્યે હાઇકોર્ટ સમક્ષ રૂબરૂ હાજર થવા ફરમાન કર્યુ છે.

અરજદાર રીતેશકુમાર બ્રીજેશભાઇ લાવડીયાએ કરેલી અરજીમાં તેમના વકીલે રજૂઆત કરી હતી કે, અરજદારના પિતા સ્ટેટ રિર્ઝવ પોલીસ ફોર્સમાં નોકરી કરતા હતા અને જૂનાગઢ પોલીસ વિભાગમાં ડેપ્યુટેશન પર ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. થોડા સમય પહેલાં તેમના પિતાને પોલીસ ટ્રેનીંગ સેન્ટરમાં બોલાવવામાં આવેલા અને ત્યાં તેમની સાથે શું થાય છે તેના રહસ્ય વચ્ચે અરજદારના પિતાનો અરજદાર ફોન આવે છે કે, આ લોકોએ તેમના પર બહુ ગંભીર આરોપ મૂકયા છે, જે તે જીરવી શકે તેમ નથી. તેમને બહુ મારવામાં આવેલા. તું તારી માતાનું ધ્યાન રાખજે અને ફોન કટ થઇ ગયો હતો. આ પછી જૂનાગઢની એક વાડીમાંથી લટકતી હાલતમાં રહસ્યમય સંજોગોમાં તેમનો એક મૃતદેહ મળી આવેલો. અરજદારની એ પણ રજૂઆત હતી કે, તેમના પિતાના શરીર પર માર માર્યાના બહુ જ બધા નિશાન હતા અને શરીરના અંગો પર એટલા બધા સોળ પડેલા હતા કે, તે અનેક ગંભીર શંકા જન્માવે છે. પોલીસ દ્વારા તેમની પર અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવતાં તેમનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નીપજયું છે કે અન્ય કોઇ કારણ છે તે સમગ્ર વાત બહુ ઉંડી તપાસ માંગી લે તેવી છે. આ અંગે અરજદાર દ્વારા સ્થાનિક પોલીસ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી ફરિયાદ આપેલી. પરંતુ અત્યાર સુધી ઉચ્ચ પોલીસ સત્તાવાળાઓ કે સ્થાનિક પોલીસ દ્વારા આ સમગ્ર પ્રકરણમાં કોઇ જ કાર્યવાહી  કરાઈ નથી. પોલીસે આ કેસમાં કોઇ એફઆઇઆર પણ દાખલ કરી નથી કે કાયદાનુસાર કાર્યવાહી પણ કરી નથી. જેથી, અરજદારને હાઇકોર્ટમાં રિટ અરજી કરવી પડી છે. અરજદારની માગ છે કે, આ સમગ્ર કેસમાં જે જવાબદાર છે, તેમની વિરૃદ્ધ કાયદાનુસાર કાર્યવાહી કરીને ન્યાયિક તપાસ કરાવો.