Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

એએમસીએ લીઝ પર આપેલી જમીનને ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ બિલ્ડરને વેચાઈ - અરજદાર

કેટલીક જમીન દાતાઓએ દાનમાં આપી, જે હેતુને લઈ અપાઈ હતી તે માટે પરત લો

દાણીલીમડા-બહેરામપુરા વિસ્તારમાં આવેલી જગન્નાથ મંદિર ટ્રસ્ટની કરોડોની કિંમતની જમીન બિલ્ડરને વેચાયેલી છે. હવે આ જમીન પરત મેળવવાની માગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરાયેલી છે, જેના પરની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. અરજદારની માગ છે કે ટ્રસ્ટને મળેલી કેટલીક જમીન ભક્તો અને દાતાઓએ દાનમાં આપેલી છે. આ જમીન જે હેતુ માટે આપવામાં આવી હતી તે જ હેતુ માટે પરત લેવામાં આવે. આ કેસના મુદ્દે લોકાયુક્તમાં ફરિયાદ પણ કરાયેલી છે. જો કે તેમાં કોઈ કાર્યવાહી થઈ નથી.

અરજીમાં અરજદારની રજૂઆત છે કે જમાલપુર સ્થિત વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના બે ટ્રસ્ટ છે. જેના નામ મહંત નરસિંહદાસજી ટ્રસ્ટ અને જગન્નાથ મંદિર ટ્રસ્ટ છે. દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારમાં આ ટ્રસ્ટની અલગ અલગ 12 જેટલા સર્વે નંબર સાથે અંદાજે 2,97,000 ચોરસ મીટર જેટલી જમીન છે. જેની બજાર કિંમત 20થી 25 હજાર કરોડ આસપાસ હોવાનુ અનુમાન છે. આ જમીનનો એક ચોરસમીટરનો ભાવ રૂ. 90 હજારથી એક લાખ જેટલો છે. ભૂતકાળમાં ટ્રસ્ટ દ્વારા આ જમીનનો કેટલોક ભાગ બિલ્ડર ઉસ્માન ગની ઘાંચીને વેચાયેલો છે. આ બિલ્ડર સામાન્ય રીતે એચ.એસ. હોટલવાળાના નામથી જાણીતા છે. જો કે, તેણે જગન્નાથ કન્સલ્ટન્સીના નામથી જમીન ખરીદી હતી.

આ જમીનની હકીકત એ છે કે એએમસીએ (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) વર્ષો પહેલા જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને ગૌ સેવા ટ્રસ્ટને ગૌસંવર્ધન અને ગૌશાળા માટે આ જમીન લીઝ પર આપેલી. નિયમ મુજબ ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી વગર ત્રણ વર્ષ સુધી આ જમીન કોઈને આપી ન શકાય. ટ્રસ્ટે આ બિલ્ડર અને અન્ય લોકોને બે વર્ષ અને 11 મહિનાના કરારથી જમીન લીઝ પર આપેલી. આ જમીન ગેરકાયદેસર રીતે બાંધકામ થતા તેની સામે ચેરિટી કમિશનરમાં અરજી કરાયેલી. જેમાં, ચેરિટી કમિશનરે જાન્યુઆરી-2020માં બાંધકામ સામે સ્ટે આપતો હુકમ કરેલો અને જમીનના વેચાણ અને સંબંધિત કરારને રદ ઠેરવેલા.