Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

વાઘોડિયામાં નવી નગરપાલિકા બનશે. જેમાં રાજ્ય સરકારે મંજુરી આપી છે. તેમાં વડોદરા જિલ્લાની ત્રણ પંચાયત ભેગી કરી નવી નગરપાલિકા બનાવાશે. વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોનો ઔદ્યોગિક અને શૈક્ષણિક વિકાસ ધ્યાને લઈને મુખ્યમંત્રીનો શહેરી જનસુખાકારી વૃદ્ધિનો અભિગમ છે.

નવી નગરપાલિકા બનાવવાની મંજૂરી આપવાનો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના વાઘોડિયાને નવી નગરપાલિકા બનાવવાની મંજૂરી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નજીકના વિસ્તારમાં આવેલી વાઘોડિયા ઉપરાંત માડોધર અને ટીંબી ગ્રામ પંચાયતોને એકત્રિત કરી આ નવી વાઘોડિયા નગરપાલિકા બનાવવામાં આવશે. વાઘોડિયા, માડોધર અને ટીબી ગ્રામ પંચાયતો વડોદરા મહાનગરપાલિકાના વિકસિત ગણાતા વાઘોડિયા રોડથી નજીકની ગ્રામ પંચાયતો છે. એટલું જ નહીં, આ ગ્રામ પંચાયતોના વિસ્તારમાં મોટા ઉદ્યોગો, GIDC અને શૈક્ષણિક સંસ્થાઓ પણ આવેલી છે.

નગરપાલિકા બનાવવા કરેલી દરખાસ્તને અનુમોદન આપ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસની આ ગતિને ધ્યામાં લઈને શહેરી વિકાસ વિભાગ દ્વારા વાઘોડિયાને નગરપાલિકા બનાવવા કરેલી દરખાસ્તને અનુમોદન આપ્યું છે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, બંધારણની જોગવાઈઓ અનુસાર જે તે વિસ્તારની વસ્તી, વસ્તીની ઘનતા, સ્થાનિક વિસ્તારની આવક અને ભૌગોલિક પરિબળોને ધ્યાનમાં લઈ ગ્રામ પંચાયતો તથા આઉટગ્રોથ વિસ્તારોને નવી નગરપાલિકામાં ભેળવવાની રાજ્ય સરકારને સત્તા મળેલી છે.

આ સંદર્ભમાં રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે રિજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ-વડોદરા ઝોન, વડોદરા જિલ્લા કલેક્ટર અને વડોદરા મ્યુનિસિપલ કમિશનરના સકારાત્મક અભિપ્રાય સાથે મળેલી દરખાસ્ત મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઘોડિયાને નવી નગરપાલિકા બનાવવાની દરખાસ્ત મંજૂરી આપતા હવે આ વિસ્તારને શહેરી સુખાકારી સુવિધાના વ્યાપક લાભ મળશે અને ઈઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે.

આ પણ વાંચો: જાણો આ વખતે કેવી રહેશે પવનની ગતિ, પતંગ રસિકોને મોજ પડી જાય તેવી આગાહી