Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રેડ સીમાં માલવાહક જહાજોને નિશાન બનાવવા માટે ઈરાન સમર્થિત હૂતી જૂથ દ્વારા ડ્રોન અને મિસાઈલ લોન્ચ કરાઈ રહ્યા છે.

બીજી તરફ અમેરિકન નૌસેનાના યુધ્ધ જહાજો દ્વારા ડબહૂતી જૂથના ડ્રોન અને મિસાઈલ તોડી પાડવામાં આવી રહ્યા છે. અમેરિકા રેડ સીમાં જહાજો માટેની શિપિંગ લેન પર ઉભા થયેલા ખતરાથી ચિંતત છે અને તેના માટે બીજી ચિંતાનુ કારણ હૂતી હુમલાઓના કારણે પડી રહેલો આર્થિક બોજ પણ છે.

અમેરિકન જહાજોએ છેલ્લા બે મહિનામાં 38 ડ્રોન અને સંખ્યાબંધ મિસાઈલો તોડી પાડયા છે. અમેરિકન જહાજ યુએસએસ કાર્નીએ શનિવારે એક જ દિવસમાં 13 ડ્રોનનો ખાતમો બોલાવ્યો હતો. સંરક્ષણ વિભાગના અધિકારીઓનુ કહેવુ છે કે અમેરિકન જહાજોને હૂતીઓના સસ્તા ડ્રોનને તોડી પાડવા માટે મોંઘીદાટ મિસાઈલો વાપરવાનો વારો આવી રહ્યો છે.

અમેરિકાનુ યુધ્ધ જહાજ 20 લાખ ડોલરનુ મિસાઈલ લોન્ચ કરે છે અને હૂતી દ્વારા જે ડ્રોન વાપરવામા આવે છે તેની કિમત 2000 ડોલર નથી.

સંરક્ષણ  મંત્રાલયના એક અધિકારીએ એક મીડિયાને નામ નહીં આપવાની શરતે કહ્યુ હતુ કે હૂતી જૂથને કાબૂમાં રાખવા માટે જે ખર્ચ થઈ રહ્યો છે તે અમારા પક્ષમાં નથી. આ એક એવો મુદ્દો છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે અને સંરક્ષણ વિભાગે ઓછા ખર્ચાળ વિકલ્પો પર વિચાર કરવાની જરુર છે.

અમેરિકાના પૂર્વ સંરક્ષણ અધિકારી મિક મુલરોયના કહેવા પ્રમાણે ભલે અમેરિકા હૂતી જૂથના મિસાઈલો અને ડ્રોનને તોડી પાડવામાં સફળ રહ્યુ હોય તેની પાછળનો ખર્ચ એક સમસ્યા બની શકે છે. અમેરિકાએ  હૂતીઓના ડ્રોન તોડી પાડવા માટે સસ્તી સિસ્ટમ પર વિચારવાની જરુર છે.

જોકે સુરક્ષા કારણોસર અમેરિકા દ્વારા કયા મિસાઈલો ઉપયોગ થઈ રહ્યો છે તે તો જાહેર નથી કરાયુ પણ સંરક્ષણ વિભાગના કેટલાક પૂર્વ અધિકારીઓ અને નિષ્ણાતોના મતે અમેરિકન યુધ્ધ જહાજો સ્ટાન્ડર્ડ મિસાઈલ-2નો ઉપયોગ કરતા હોવાની શક્યતા છે. જે મધ્યમ અંતરની એર ડિફેન્સ મિસાઈલ છે અને તેની રેન્જ 130 કિમિ સુધીની છે. દરેક મિસાઈલની કિંમત 20 લાખ ડોલર જેટલી થવા જાય છે.

સૌથી ઓછા અંતર પર માર કરવા માટે સી સ્પેરો મિસાઈલ પણ ડેવપલ કરવામાં આવી છે. જો કે તેની પણ નંગ દીઠ કિંમત 18 લાખ ડોલર છે. જો કે તેની રેન્જ ઓછી હોવાથી ડ્રોનની જહાજ સાથેની ટક્કર થવાની શક્યતા રહેતી હોય છે એટલે અમેરિકા દ્વારા સ્ટાન્ડર્ડ મિસાઈલ-2નો જ ઉપયોગ થતો હોવાની સંભાવના વધી જાય છે.

આ પણ વાંચો: ચીનમાં 72 વર્ષ પછી -40 ડિગ્રી તાપમાન, હિમલહેર 300 કલાક સુધી ચાલી