Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ઓસ્ટ્રેલિયાની 31 વર્ષીય મહિલા ક્રિકેટર મેગ લેનિંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત થવાની જાહેરાત કરી છે. મેગ લેનિંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 13 વર્ષ સુધી તેમની ભૂમિકા ભજવી છે. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જે કઈ મેળવ્યું, તેના પર તે ગર્વ કરી રહી છે. તે પોતાને ભાગ્યશાળી માની રહી છે. 

મેગ લેનિંગના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયન ટીમે 5 વર્લ્ડ કપ જીત્યા હતા. જેમાં ચાર T-20 વર્લ્ડ કપ અને એક ODI વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાએ પણ તેમના નેતૃત્વમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહત્વની વાત એ છે કે, પુરુષ હોય કે મહિલા ક્રિકેટ, આજ સુધી કોઈ કેપ્ટને આટલા ICC ટાઈટલ જીત્યા નથી.

આ રેકોર્ડ મામલે મેગ લેનિંગે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ અને ભારતના મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધા હતા. રિકી પોન્ટિંગના નેતૃત્વ હેઠળ, ઓસ્ટ્રેલિયાએ 4 ટાઇટલ જીત્યા છે, જ્યારે એમએસ ધોનીએ તેના નામે 3 ટાઇટલ (એક ODI વર્લ્ડ કપ, એક T-20 વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી) જીત્યા છે.

લેનિંગે 2010માં ટી-20 મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. તેણે 132 T20, 103 ODI અને છ ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન લેનિંગે 78 ODI, 100 T20 અને ચાર ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશિપ કરી હતી. તેમની કપ્તાની હેઠળ, લેનિંગે ઓસ્ટ્રેલિયાને 69 વનડે, 76 T20 અને 4 ટેસ્ટ મેચ જીતી હતી.

મેગ લેનિંગે માત્ર 31 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. લેનિંગ માત્ર કેપ્ટનશીપ જ નહીં પરંતુ બેટિંગમાં પણ દિગ્ગજ ખેલાડી છે. મેગ લેનિંગના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 સદી છે, જે એક રેકોર્ડ છે. તેણે 15 ODI સદી અને 2 T20 સદી ફટકારી છે.

મેગ લેનિંગની કારકિર્દી પર નજર કરીએ તો તેણે 103 વનડેમાં 53.13ની એવરેજથી 4602 રન બનાવ્યા છે. જ્યારે તેણે 132 T-20 મેચોમાં 3405 રન બનાવ્યા હતા, આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 36.22 હતી. કેપ્ટનશીપ ઉપરાંત તે એક ખેલાડી તરીકે વર્લ્ડ કપ પણ જીતી ચુકી છે. આ સિવાય તેણે ICCના તમામ મોટા એવોર્ડ જીત્યા છે.