Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખામાં ફૂડ સેફ્ટી ઓફિસરોની ઘટ પડી રહી છે. હાલ શહેરની આશરે 22 લાખની વસ્તીમાં માત્ર 8 ફૂડ સેફ્ટી ઓફિસરો છે. નિયમ મુજબ દર 1 લાખની વસ્તીએ 1 ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર હોવો જોઈએ. કોર્પોરેશનમાં જે તે સમયે12 વહીવટી વોર્ડ હતા ત્યારે 1 વોર્ડ દીઠ એક ફૂડ ઇન્સ્પેક્ટર રાખવાનું નક્કી કરાયું હતું અને તેને ધ્યાનમાં રાખીને વર્ષ 2019 માં 4 ફૂડ સેફ્ટી ઓફિસરની ભરતી કરવાનું કામ હાથ પર લેવાયું હતું. વર્ષ 2019 માં 4 જગ્યા ભરવા ઓનલાઇન અરજીઓ મંગાવી હતી. જેમાં 2 જગ્યા જનરલ,1 એસઇબીસી મહિલા અને 1 ઇડબલ્યુએસ હતી. જે અરજીઓ મળી તેની પ્રાથમિક ચકાસણીના અંતે કામ ચલાવ ગ્રાહ્ય રાખવા પાત્ર તથા ગ્રાહ્ય ન રાખવાપાત્ર ઉમેદવારોની યાદી કોર્પોરેશનની વેબસાઈટ ઉપર મુકાઈ હતી. જે તે સમયે કોઈ ઉમેદવારો કોઈ કારણસર વાંધા અરજી રજૂ કરી શક્યા નથી, તેવા ઉમેદવારોને વધુ એક તક આપવા પુનઃ કામ ચલાવ ગ્રાહ્ય રાખવા પાત્ર અને ન રાખવા પાત્ર અરજીની યાદી કોર્પોરેશનની વેબસાઈટ પર મુકાઈ છે. જે તારીખ 31 જાન્યુઆરીની રાત્રીના 12 વાગ્યા સુધી જોઈ શકાશે. જે ઉમેદવારોની અરજી પ્રાથમિક ચકાસણીમાં ગ્રાહ્ય રાખવામાં આવી નથી તેવા ઉમેદવારોને પુનઃ રજૂઆત કરવા માટે વધુ એક તક અપાઈ છે. આવા ઉમેદવારોને જરૂરી પુરાવા સાથે કોર્પોરેશનમાં તારીખ 2 સુધીમાં લેખિત વાંધા અરજી મોકલી આપવા જણાવ્યું છે.

કોર્પોરેશનના વહીવટી વોર્ડની સંખ્યા 12 થી વધીને 19 થઈ છે. નાતાલ, ઉતરાયણ, હોળી- ધુળેટી, રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી પૂર્વે  નમુના લેવાનું પ્રમાણ વધી જાય છે. અપૂરતા ફુડ સેફટી ઓફિસર હોવાને કારણે દુકાનોમાં ચેકિંગની કામગીરી સઘન થઈ શકતી નથી. ખરેખર તો વર્ષમાં એકવાર તમામ દુકાનોમાં ચેકિંગ થવું જોઈએ. જોકે મહેકમ 15 ઓફિસરનું મંજૂર થયું છે. જેમાંથી 4 માટે તો જરૂરી પ્રક્રિયા થઈ ગઈ છે. જો આ 4 લેવાય તો 12 ફૂડ સેફટી ઓફિસર થાય, હવે વહીવટી વોર્ડ વધતાં હજી બીજું જરૂરી મહેકમ મંજૂર કરી દેવું જોઈએ.

આ પણ વાંચો: અમદાવાદીઓ ડબલ ડેકર બસનો આનંદ માણી શકશે, કયાથી મુસાફરી કરી શકાશે