Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ફોજદારી કાર્યવાહીનો ઉપયોગ અંગત બદલો લેવાના હથિયાર તરીકે કરી ન શકાય - હાઈકોર્ટ

મકાનમાલિક સામે ભાડુઆતે નોંધાવેલી ફરિયાદ હાઈકોર્ટે રદ કરી

મકાન પચાવી પાડવાના ઈરાદે ભાડુઆતે તેમની સામે ખોટી ફરિયાદ નોંધાવી - અરજદાર

અમદાવાદના ખોખરા વિસ્તારમાં મકાનમાલિક સામે ભાડુઆતે નોંધાવેલી FIRને હાઈકોર્ટે રદ કરી છે અને તેને આનુષંગિક કાર્યવાહીને પણ રદબાતલ કરી છે. હાઈકોર્ટનુ અવલોકન છે કે FIRમાં જનરલ આક્ષેપો કર્યા છે. કેસની હકીકતોને ધ્યાને લેતા આ ફરિયાદને ચાલુ રાખી ન શકાય. જો આ ફરિયાદ ચાલુ રાખવામાં આવે તો મકાનમાલિકને હેરાનગતિને સામનો કરવો પડે તેમ છે. કોઈપણ પ્રકારની ફોજદારી કાર્યવાહી અંગત બદલો લેવા માટે અથવા તો કોઈને હેરાન કરવા માટે અને બદઈરાદા સાથેના હેતુને પાર પાડવા માટેના હથિયાર તરીકે ઉપયોગ થવો ન જોઈએ. આ કેસમાં આ બાબત સ્પષ્ટપણે નજરે પડે છે. જેથી, મકાનમાલિક સામેની ભાડુઆતની ફરિયાદ અને તે પછીની તમામ કાર્યવાહી રદબાતલ કરવામાં આવે છે.   

કેસની વિગત જોઈએ તો, મકાનમાલિક ખોખરા વિસ્તારમાં મીરા એપાર્ટમેન્ટમાં બી-1 નંબરનુ મકાન ધરાવે છે. તેમણે મનીષા પાટીલ નામની વ્યક્તિને લિવ એન્ડ લાયસન્સ કરારથી નિયત શરતો સાથે 11-06-2020થી 09-06-21થી સુધી મકાન ભાડે આપેલુ. આ દરમિયાન, માર્ચ-2021થી ભાડુઆતે મકાનમાલિકને ભાડુ આપવાનુ બંધ કરેલુ અને તેણે મકાન માલિકને હેરાન કરવાનુ ચાલુ કરેલુ અને તેનો બદઈરાદો મકાન પચાવી પાડવાનો હતો. ભાડુઆતે મકાનનો કબજો સોંપવો ન પડે અને તેને ખાલી ન કરવુ પડે તેવા ઈરાદા સાથે મકાનમાલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવેલી. જેને રદ કરવાની માગ સાથે મકાન માલિકે હાઈકોર્ટમાં અરજી કરેલી. સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે આ કેસમાં તેમની સામે લગાવવામાં આવેલી IPCની કલમો લાગુ પડી ન શકે. આ રહેણાંક મિલકત ખાલી કરાવવાનો એક પ્રકારનો દિવાની પ્રકારનો મામલો છે. જેથી, એ વાત સ્પષ્ટપણે સાબિત થાય છે કે ભાડુઆતે મકાન માલિકને હેરાન કરવાના ઈરાદા સાથે આ ફરિયાદ નોંધાવેલી છે. તેમની સામે જે આક્ષેપ છે, તે તદ્દન ખોટા છે. ભાડુઆતે તેમના પર દબાણ ઉભુ કરવા માટે તેમના પત્નીનુ નામ પણ એફઆઈઆરમાં નોંધાવ્યુ છે. જો કે, તેમના પત્ની તો આ કરારમાં પક્ષકાર જ નથી. આ કરાર એ માત્ર મકાનમાલિક અને ભાડુઆત વચ્ચેનો છે. જેથી, આ ફરિયાદને રદ કરો.

આ પણ વાંચો : ગર્ભપાતની મંજૂરી અપાશે તો માતા અને ગર્ભમાં રહેલા શિશુને લઈને અનેક ગુંચવણો સર્જાશે