Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે એટલુ જ નહીં, ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે તે વચ્ચે કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે આગામી સોમ અને મંગળવારે ફરી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેને લઇને ડિઝાસ્ટર મામલતદાર દ્વારા સંબંધિત તંત્રને સાબદુ કરવામાં આવ્યું છે તથા ખેતપેદાશો કે અનાજનો જથ્થો સાચવીને રાખવા માટે પણ તાકિદ કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી તા.8 અને 9 જાન્યુઆરીએ કમોસમી વરસાદ થવાની આગાહી છે. જેને ધ્યાને લઈને ગાંધીનગરના ડિઝાસ્ટર મામલતદાર આર. એન. પરમાર દ્વારા સાવચેતી રાખવા માટે તાકીદ કરવામાં આવી છે.  તેમણે જણાવ્યું કે ગાંધીનગર જિલ્લામાં ખુલ્લામાં રહેલા ખેત પેદાશો તેમજ અનાજના જથ્થાને પરિવહન દરમિયાન કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ વરસાદના કારણે નુકશાની ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા તેમજ તે અંગે તકેદારીના પગલાં લેવા માટે સંબધિત વિભાગના અધિકારીઓને સૂચના અપાઈ છે. તે ઉપરાંત સ્થાનિકકક્ષાએ પણ તમામને સતર્ક રહેવા માટે આગોતરી જાણ કરવામાં આવી છે. આ સાથે માવઠાની આ પરિસ્થિતિમાં કોઇ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલરરૂમમાં જાણ કરવા પણ સુચના આપવામાં આવી છે. એપીએમસી અને ખેતરોમાં ખુલ્લામાં અનાજ મુકવામાં આવે છે ત્યારે એપીએમસીના સંચાલકો તથા ખેડૂતોને અનાજ પલળે નહીં તેવી જગ્યાએ તથા ઢાંકીને રાખવા માટે સુચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં માવઠાને લઈને ખેડૂતોમાં ચિંતા વધી, ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી