Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રાજકોટની ભાગોળે નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતા વેપારી ત્રણેક દિવસ પહેલા ઘરેથી નીકળ્યા પછી લાપતા બની ગયા હતા જેની આજે માલીયાસણ નજીકથી મોઢે ઇજા થયેલી હાલતમાં લાશ મળી આવતા કુવાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળેલી માહિતી મુજબ નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતા અને ઘર નજીક પાનની કેબીન ચલાવતા ઘનશ્યામભાઇ છગનભાઇ મેર ગઇ તા.6ના ઘરેથી નીકળ્યા પછી લાપતા બન્યા હતા. પરિવારજનોએ શોધખોળ કરવા છતાં પણ કોઇ પત્તો નહીં લાગતા કુવાડવા પોલીસમાં ગુમ થયાની નોંધ કરાવતા તપાસ શરૂ કરાઇ હતી.

બીજી તરફ આજે માલીયાસણ ગામ નજીક નવા રીંગ રોડ પર ખાડામાં અજાણ્યો યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં દેખાતા રાહદારીએ 108ને જાણ કરી હતી.

તબીબે યુવાનને મૃતજાહેર કર્યો હતો. જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ જે.એમ. પરમાર સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાગળો કરી મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ સિવિલમાં ખસેડયો હતો. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ કરતાં તે ઘનશ્યામભાઇ મેર હોવાનું ખુલ્યું હતું.

પોલીસે જણાવ્યું કે મૃતકને મોઢાના ભાગે ઇજા દેખાઇ રહી છે. હાલ અકસ્માતમાં ઇજા થઇ હોવાનું અનુમાન છે. જો કે પીએમ રીપોર્ટ પછી મોતનું કારણ બહાર આવશે. વેપારીના મોતથી એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

આ પણ વાંચો: અમરેલી યાર્ડમાં 92000 કિલો કપાસની થઈ આવક, જાણો કેટલા ભાવ રહ્યાં