Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ચીફ જસ્ટિસના નિર્ણય બાદ ફરિયાદના નિર્દેશ હોવા છતા પોલીસ બેદરકારી દાખવે તે કેવી રીતે ચાલે ? - હાઈકોર્ટ

હાઈકોર્ટના નામે બોગસ હુકમ બનાવવાનો મામલો – જવાબદાર સામે પગલા ન લેતા હાઈકોર્ટે પોલીસને ઝાટકી

નિવૃત્ત આઈપીએસ અધિકારીના પુત્ર પર હાઈકોર્ટના બોગસ હુકમ તૈયાર કરવાનો આરોપ છે.

ગુજરાત હાઇકોર્ટના બોગસ હુકમો તૈયાર કરીને ન્યાયતંત્ર સાથે ચેડાં કરનાર નીરવ જેબલિયા (ભૂતપૂર્વ આઇપીએસ બી.એસ.જેબલીયાના પુત્ર) સામે રિટ અરજીની સુનાવણી સમયે, અમદાવાદ શહેરના એસીપી ઝોન-૧ અને સોલા પોલીસમથકના પીઆઇ હાઇકોર્ટ સમક્ષ રૂબરુ હાજર રહ્યા હતા. આ સમયે, હાઈકોર્ટે પોલીસની ઝાટકણી કાઢતા કહેલુ કે ન્યાયતંત્ર સાથે ચેડાં કરવાના ગુનાહિત કૃત્ય છતાં પોલીસે જવાબદાર સામે કોઇ જ કાર્યવાહી કે પગલાં કેમ લીધા નથી.  ન્યાયતંત્રની ગરિમા સર્વોપરિ છે અને તેની સાથે છેતરપિંડી કે તેની ગરિમા હણનારૃં કોઇપણ પ્રકારનું કૃત્ય ચલાવી લેવાશે નહીં.

હાઈકોર્ટે હાજર રહેલા રજીસ્ટ્રાર જનરલને સવાલ કરેલો કે હાઈકોર્ટના બોગસ હુકમના કેસમાં તમે શું પગલા ભર્યા છે ? આ સમયે, રજીસ્ટ્રાર જનરલે જવાબ આપેલો કે તેમના અધિકારીઓ ત્રણ વખત આ મુદ્દા પર સોલા પોલીસ સ્ટેશન ગયેલા, જો કે બે વાર પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર નથી, તેમ કહીને તેમને પરત મોકલેલા. આ પછીત્રીસ જુલાઈએ માત્ર અરજી જ લેવામાં આવી છે. આ સમયે, હાઈકોર્ટે પોલીસને ઝાટકતા કહેલુ કે પોલીસ અધિકારીઓની મનમાની તો જુઓ, તેઓ હાઈકોર્ટના અધિકારીઓને ધક્કા ખવડાવે છે તો સામાન્ય માણસના પ્રશ્નોના મુદ્દે તો પોલીસના વર્તન અંગે પુછવાનુ જ ક્યાં રહ્યું ? પોલીસ વારંવાર ધક્કા ખવડાવે ફરિયાદ ન લે, આ તો કેવી રીતે ચાલે ? કોન્ગિઝેબલ ઓફેન્સ હોય તો પોલીસે ફરિયાદ તો નોંધવી જ પડે.

હાઈકોર્ટે સરકારને એ પણ ટકોર કરી છે કે, આ સમગ્ર કેસમાં પોલીસની બેદરકારી નજર પડે છે. આ કેસમાં જવાબદાર પોલીસ અધિકારીઓને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પ્રક્રિયાનો સામનો કરવા દો, તેઓ સોગંદનામુ ફાઈલ કરે. આ પછી, હાઈકોર્ટ કાયદા મુજબ કાર્યવાહી કરશે. હાઈકોર્ટના કડક વલણને જોયા બાદ, પબ્લિક પ્રોસિક્યુટરે હાઈકોર્ટને વિનંતી કરેલી કે સાંજ સુધીનો સમય આપો. આ કેસમાં રજીસ્ટ્રાર જનરલની ફરિયાદ હશે કે હાલના અરજદારની ફરિયાદ તેની ચકાસણી કર્યા બાદ, જો તે નોંધવા જેવી હશે તો તમામ ફરિયાદને નોંધવામાં આવશે. 

આઇપીએસ નિવૃત્ત થયા તો પણ તેના પુત્રની મનમાની ચાલતી હોય તો, સમજો કે પોલીસ શુ કરે છે

સુનાવણી સમયે, પબ્લિક પ્રોસિક્યુટરે રજૂઆત કરેલી કે જે વ્યક્તિ સામે આરોપ છે તેના પિતા નિવૃત્ત આઈજી છે. આ સમયે, હાઈકોર્ટે ટકોર કરેલી કે આઈપીએસ અધિકારી નિવૃત્ત થયા બાદ પણ તેના પુત્રની આટલી મનમાની ચાલતી હોય તો સરકારે વિચારવુ પડે કે પોલીસ શું કરી રહી છે ?

વહીવટી બાજુએ ચીફ જસ્ટિસ ફરિયાદ નોંધવા સુચના આપે અને પોલીસ ન માને તે કેવી રીતે ચાલે ? - હાઈકોર્ટ

હાઈકોર્ટે પોલીસના બેજવાબદારી ભર્યા વલણની ઝાટકણી કાઢતા કહેલુ કે, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વહીવટી બાજુએ આ કેસમાં ફરિયાદ નોંધવા માટે નિર્દેશ આપે અને રજીસ્ટ્રાર જનરલની સુચનાથી હાઈકોર્ટના અધિકારી પોલીસ સ્ટેશને જાય અને પોલીસ આ બાબતને અવગણે, તે કેવી રીતે ચાલે?

આ પણ વાંચો : ગૌચર જમીન પર દબાણ હટાવવાની નીતિના અમલની માગ સાથે પીઆઈએલ