Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

વિસાવદર વિધાનસભા બેઠકના વિજેતા ઉમેદવારની જીતની પડકારતી ઈલેક્શન પિટીશનનો મામલો

હાઈકોર્ટે ભૂપેન્દ્ર ભાયાણી અને રાજ્ય ચુંટણી પંચને નોટિસ પાઠવી

ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણી દરમ્યાન વિસાવદર બેઠક પરથી આપના ઉમેદવાર ભૂપેન્દ્ર ભાયાણીની જીતને પડકારતી ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયા તથા અન્યોએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરેલી જુદી જુદી ઇલેકશન પિટિશનની સુનાવણી બાદ, હાઈકોર્ટે આપના ઉમેદવાર ભૂપેન્દ્ર ભાયાણી, કેન્દ્રીય ચૂંટણી પંચ, રાજય ચૂંટણી પંચ, વિસાવદર રિટર્નીંગ ઓફિસર વિરૃદ્ધ સમન્સ જારી કર્યું છે. આ કેસની વધુ સુનાવણી ઓગસ્ટ મહિનાના ત્રીજા સપ્તાહમાં હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે, વર્ષ ૨૦૨૨ની ગુજરાતની વિધાનસભા ચૂંટણી વખતે આપના ઉમેદવાર ભૂપેન્દ્ર ભાયાણીએ ચૂંટણી ફોર્મ ભર્યુ તેમાં ઘણી ખોટી હકીકતો અને ગંભીર ચૂક હતી, જેને લઇને અરજદારોએ સ્થાનિક ચૂંટણી અધિકારીનું ધ્યાન દોરીને ફરિયાદ પણ કરી હતી. ચૂંટણી ફોર્મમાં ઘણી વિસંગતતાઓની સાથે સાથે આપના ઉમેદવાર ભૂપેન્દ્ર ભાયાણી દ્વારા હકીકત દોષ પણ દાખવવામાં આવ્યો હતો. જેમાં તેમની મિલ્કત સંબંધી વિગતોમાં ખામી, પુત્રના પાન કાર્ડની વિગતો ખોટી લખી હતી. આ ઉપરાંત, બેંક એકાઉન્ટ, વાહનની વિગતોમાં ઉણપ હતી. સરકારી હોદ્દામાં હોય અને તેમાં ગેરરીતિના કારણે હકાલપટ્ટી કરાઇ હોય તો તેની વિગતો પણ ફોર્મમાં લખવી ફરજિયાત હોવા છતાં બતાવી નથી, ભૂપેન્દ્ર ભાયાણી ભૂતકાળમાં સરપંચના હોદ્દા પર રહી ચૂકયા હતા અને ગેરરીતિના કારણોસર તેમને સસ્પેન્ડ પણ કરાયા હતા તે સહિતની વિગતો પણ તેમણે ચૂંટણી ફોર્મમાં ઉજાગર કરી ન હતી. આમ, લોક પ્રતિનિધિત્વ ધારા(રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એકટ-૧૯૫૧)ની જોગવાઇઓનો ભંગ કરીને આપના ઉમેદવાર ચૂંટણી જીત્યા હોઇ તે કાયદાકીય જોગવાઇઓ અને લોકશાહીના પ્રસ્થાપિત મૂલ્યોની વિરૃધ્ધની વાત ગણાય. આ સંજોગોમાં હાઇકોર્ટે આપના ઉમેદવાર ચૂંટણી ફોર્મમાં સાચી હકીકતો છુપાવી, ખોટા નિવેદનો અને ગેરરજૂઆત કરીને ખોટી રીતે વિજયી બન્યા હોઇ હાઇકોર્ટે તેમની જીતને ગેરકાયદે અને રદબાતલ ઠરાવવી જોઇએ. અરજદારે માગ કરી છે કે, વિસાવદર બેઠક પર પુનઃ ચૂંટણી યોજો.

આ મેટર ત્રણ જજો સમક્ષ નોટ બી ફોર મી થયેલી

વિસાવદર વિધાનસભા બેઠકના પરિણામને પડકારતી ઉપરોકત ઇલેકશન પિટિશનના કેસની સુનાવણી અગાઉ હાઇકોર્ટના જસ્ટિસ સમીર જે.દવે, જસ્ટિસ નિરલ આર.મહેતા અને જસ્ટિસ વૈભવી ડી.નાણાવટીની કોર્ટમાં નોટ બી ફોર મી થઇ હતી. આખરે જસ્ટિસ હસમુખ ડી.સુથારની કોર્ટમાં આ કેસની સુનાવણી નીકળતાં તેમણે આપના ઉમેદવાર સહિતના પક્ષકારોને સમન્સ જારી કર્યું હતું. 

આ પણ વાંચો : ગોધરા સિટી કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અને સભ્ય સામે જાતીય સતામણીના કેસનો મામલો