Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

નીચલી અદાલત સમક્ષની સુનાવણીમાં રજૂઆતની મંજૂરી આપી હોવા છતા, અરજદારે ફરી અરજી કરી - હાઈકોર્ટ

ભરણપોષણ ન ચુકવવાનો મામલો - ફેમિલી કોર્ટના હુકમ સામે પતિએ કરેલી રિવિઝન અરજીને હાઈકોર્ટે ફગાવી

ભૂતકાળમાં જેલ વોરંટ સામે આપેલા સ્ટેને હટાવાય છે - હાઈકોર્ટ

પત્નીને  ભરણપોષણની રકમ ચૂકવવાની ના પાડનાર પતિ તુષાર જોગીને જેલમાં મોકલવાના અમદાવાદ ફેમિલી કોર્ટના હુકમને પતિ દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવેલો. જે અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટનુ અવલોકન છે કે અરજદારને ભરણપોષણ મુદ્દે જે કોઇ રજૂઆત કે વાંધો હોય તે મુદ્દે સીઆરપીસીની કલમ-૧૨૭ હેઠળની નીચલી અદાલત સમક્ષની પ્રોસીડીંગ્સમાં રજૂ કરવા અગાઉ મંજૂરી અપાઇ હતી. જે મુજબ અરજદારે સક્ષમ કોર્ટ સમક્ષ ધ્યાન પર દોરી દીધુ છે છતાં એ જ માગ સાથે હાઇકોર્ટમાં રાહત માગવા આવેલા છે, તેથી અરજદારની રિવીઝન અરજીમાં દખલ કરવાનુ ન્યાયોચિત જણાતુ નથી.  આ ઉપરાંત, હાઇકોર્ટે ભૂતકાળમાં જેલ વોરંટ સામે આપેલા સ્ટેની રાહત પણ પરત ખેંચી લીધી હતી.

કેસની સુનાવણી દરમિયાનઅરજદાર પતિએ કેસ અંગેની કેટલીક હકીકતો છુપાવતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરેલી છે. અરજદાર પતિની રિવીઝન અરજીનો વિરોધ કરતાં પત્નીના વકીલ જગદીશ વાણિયાની રજૂઆત હતી કે, આ કેસમાં 06-05-2023ના રોજ અમદાવાદ ફેમિલી કોર્ટે પત્નીને ભરણપોષણની રકમ પેટે લેવાની બાકી નીકળતી રૃ.૬,૮૭,૦૦૦ રકમ પતિ દ્વારા ચુકવવામાં ન આવતા (રકમ નહી ભરતાં) કુલ ૨૦૬૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો. આ સાથે એ પણ હુકમ કરેલો કે, પતિ જેટલી રકમ ભરશે તેટલી રકમ બાબતે તેટલો સમયગાળો સજામાં મજરે મળશે.  ફેમિલી કોર્ટે પતિને  જેલમાં મોકલવા અંગેનું જેલ વોરંટ પણ જારી કરાયું હતું. અરજદાર પતિએ પહેલા પણ રિવિઝન અરજી કરેલી અને એ સમયે તમામ બાબતો ચોકસાઈ થઈ ચુકી હતી. તો પણ સાચી હકીકતો છુપાવીને અરજદાર પતિએ રિવિઝન અરજી કરેલી છે અને કોર્ટનો સમય બગાડ્યો છે. જેથી આ અરજીને ફગાવી દો. આ ઉપરાંત, ભૂતકાળમાં હાઈકોર્ટે જેલ વોરંટની સામે સ્ટે આપ્યો હતો, તેને પણ ઉઠાવી લો.

સાચી હકીકતો કેમ છુપાવો છો ? - હાઇકોર્ટ

અરજદાર પતિની રજૂઆત હતી કે, તેમણે રૂ. 8.41 લાખ જેટલી રકમ તો ચૂકવી દીધી છે. જેની સામે  પત્નીના વકીલની રજૂઆત હતી કે  આ સમગ્ર કેસમાં હાઇકોર્ટે જ તેના અગાઉના આદેશ મારફતે સીઆરપીસીની કલમ-૧૨૭ હેઠળ ટ્રાયલ કોર્ટ સમક્ષ રજૂઆત કરવા કહેલુ.  જો કે, તેમ છતાં અરજદારે ફરીથી હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજદાર પતિએ પોતાનું જે સરનામું આપ્યુ છે તે પણ ખોટું છે. પતિ દ્વારા  આ બધી હકીકતો છુપાવી તેઓ અદાલતને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો છે. આ સમયે, હાઈકોર્ટે અરજદાર પતિના વકીલને સવાલ કરેલો કે, સાચી હકીકતો શા માટે છુપાવો છો ?

આ પણ વાંચો : નીચલી અદાલતના સજાના હુકમ સામે સ્ટેની માગ કરતી રાહુલ ગાંધીની રિવિઝન અરજી હાઈકોર્ટે ફગાવી