Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

પોલીસ અને તંત્રની ઢીલી નીતિના લીધે કેસમાં કોઈ પરિણામ આવ્યુ નથી - અરજદાર

નિત્યાનંદ આશ્રમમાં લાપતા બંને યુવતીના પિતાએ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી કરી

અરજદાર પિતાએ બંને દિકરીઓને પરત મેળવવાની માગ સાથે ચાર વર્ષ પહેલા હેબિયસ કોર્પસની અરજી કરેલી છે, જે હાઈકોર્ટમાં પડતર

નિત્યાનંદ આશ્રમમાંથી ( અમદાવાદ હતો તે આશ્રમ) લાપતા થયેલા બે યુવતીઓના પિતાએ તેમને પરત લાવવાની માગ સાથે કરેલી હેબિયસ કોર્પસની અરજી હાઈકોર્ટમાં છેલ્લા ચાર વર્ષથી ચાલી રહી છે. જો કે, દિકરીઓને કબજો ન મળતા આખરે અરજદાર પિતા આ કેસને CBI કે CID ક્રાઈમને સોંપવાની માગ સાથે નવી અરજી હાઈકોર્ટમાં ફાઈલ કરી છે. આ અરજી પરની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

અરજીમાં અરજદાર પિતાની રજૂઆત છે કે, અમદાવાદમાંથી વિવાદાસ્પદ કથિત સ્વામી નિત્યાનંદના આશ્રમમાંથી વર્ષ 2019માં તેમની બંને દિકરીઓ લોપમુદ્રા(ઉ.વ.૨૧) અને નંદિતા લાપતા થયેલી છે. નિત્યાનંદે તેની બંને દિકરીઓને બળજબરીપૂર્વક ગોંધી રાખી છે. આ કેસમાં ચાર વર્ષ પહેલા હેબિયસ કોર્પસની અરજી કરેલી. જો કે, પોલીસ અને તંત્રની ઢીલી તપાસના લીધે હજુ સુધી કોઈ પરિણામ આવ્યુ નથી. જેથી, તેની બંને દિકરીઓને પરત લાવવા માટે અને તેમનો કબજો તેને મળે તે હેતુથી આ કેસની તપાસ CBI અથવા તો સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવે.

મહત્વનુ છે કે, હેબિયસ કોર્પસની સુનાવણી દરમિયાન એ હકીકત બહાર આવી હતી કે આ બંને યુવતીઓ જમૈકામાં છે. આ કેસમાં વિદેશ મંત્રાલયે જમૈકાની સરકારને નોટિસ પણ પાઠવેલી. આ કેસમાં જમૈકાની પોલીસ દ્વારા ગુજરાત પોલીસને પત્ર પણ લખવામાં આવ્યો હતો. આ અરજીની સુનાવણી સમયે હાઈકોર્ટે  કેન્દ્ર સરકારને સુચન કર્યું છે કે, વિદેશમાં રહેલી આ યુવતીઓના પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરો. આ અંગે શું પગલા લેવામાં આવી રહ્યા છે, તે જણાવો. હાઈકોર્ટે તપાસ કરનાર એજન્સીઓ મુદ્દે પણ સરકારને સવાલ કરેલા. કોર્ટે એ પણ ટકોર કરેલી કેસમાં કોઈ પ્રગતિ થઈ નથી તો બીજી વાર બ્લુ કોર્નર નોટિસ કેમ ઈસ્યુ કરાઈ નથી. આ ઉપરાંત, હાઈકોર્ટે યુવતીના વકીલને સવાલ કરેલો કે આ બંને યુવતીઓ જ્યાં પણ છે, ત્યાંની ભારતીય એમ્બસીમાં અધિકારીઓની હાજરીમાં વિડીયો કોન્ફરન્સ થકી હાઈકોર્ટ સમક્ષ રજૂ કરી શકશો ખરા ? આ મુદ્દે તમારૂ શું કહેવુ છે ? આ સમયે, યુવતીના વકીલે સ્પષ્ટપણે કહેલુ કે હાલના સંજોગોમાં આ બંને યુવતીઓ વિડીયો કોન્ફરન્સિંગથી હાઈકોર્ટ સમક્ષ હાજર થશે નહીં. યુવતીના વકીલની રજૂઆત હતી કે તેમણે એક અરજી કરેલી છે કે આ કેસ ગુજરાત હાઈકોર્ટના જ્યુરિડિક્શનમાં આવતો નથી. આ અરજી પર પહેલા નિર્ણય લેવામાં આવે. યુવતીઓના વકીલની એ પણ રજૂઆત હતી કે બંને યુવતીઓ જમૈકામાં છે અને તેણી સત્તાવાર રીતે ગઈ છે. યુવતીના પિતાના જે પણ આક્ષેપો છે, તે ખોટા છે. યુવતીઓએ તેના સોગંદનામામાં સ્પષ્ટપણે કહ્યું છે કે, તેના પિતાથી તેમને ખતરો છે.