Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

આ પ્રશ્નના ઉકેલ માટે જાગૃત છીએ, સતત મોનિટરીંગ કરાઈ રહ્યું છે - સરકાર

મસ્જિદો પર અજાન માટે ઉપયોગમાં લેવાતા લાઉડ સ્પીકરનો મામલો

હાઈકોર્ટમાં સરકારનો જવાબ, કાયદો દરેકને સમાન રીતે લાગુ પડશે

રહેણાંક વિસ્તારમાં રાત્રિના 10 થી સવારના છ સુધી 45 ડેસિબલથી વધુ અવાજના સ્પીકર પ્રતિબંધિત, ભંગ કરનાર સામે પગલા લેવાશે

દિવસે સવારના છ થી રાતના 10 સુધી 55 ડેસિબલથી વધુ અવાજના સ્પીકર પર રોક

મસ્જિદો પર અજાન માટે અનિયંત્રિત રીતે ઉપયોગમાં લેવાતા લાઉડ સ્પીકરથી ફેલાતા ધ્વનિ પ્રદુષણથી લોકોને પડી રહેલી મુશ્કેલીના મુદ્દે થયેલી જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્ય સરકારે તેનો જવાબ રજૂ કર્યો છે. જેમાં, સરકારે રજૂઆત કરી છે કે કાયદો દરેક માટે સમાન રીતે લાગુ કરવામાં આવશે, લાઉડ સ્પીકરના ઉપયોગ સંદર્ભેના નિયમો ધાર્મિક સ્થાનોને પણ સમાન રીતે લાગુ પડશે. આ પ્રશ્નના ઉકેલને લઈને સરકાર જાગૃત છે અને તેને અનુલક્ષીને આગામી દિવસોમાં ચોક્કસ નીતિ લાવવામાં આવશે. આ પ્રશ્નના ઉકેલ માટે સતત મોનિટરીંગ કરાઈ રહ્યું છે, તેના પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને તેના પર અંકુશ રાખવા માટે મક્કમ છીએ. પૂર્વ મંજૂરી વગર લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને નિયમનનો ભંગ કરનાર સામે સરકાર કડક પગલા લેશે. 

સરકારે તેના જવાબમાં એ પણ કહ્યું છે કે, કાયદામાં જણાવેલી જોગવાઈઓ અને ધ્વનિ પ્રદુષણને રોકવા અંગેના નિયમો પ્રમાણે જ કોઈપણ કામ કે હેતુ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાની મંજૂરી મળશે, લોકોને હેરાનગતિ થાય કે જાહેર શાંતિનો ભંગ થાય તે રીતે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા સામે રોક લગાવાશે. રાજ્યના વિવિધ જિલ્લાના પોલીસ કમિશનર, એસપી અને એડીજીપી ( કાયદો અને વ્યવસ્થા)ને સુચનાઓ અપાઈ છે કે રહેણાંક, ઔદ્યોગિક સહિતના વિસ્તારમાં ધ્વનિપ્રદુષણને રોકવામાં આવે અને જો કાયદાનો ભંગ થાય તો જવાબદાર સામે પગલા લેવામાં આવે.

આ ઉપરાંત, રહેણાંક વિસ્તારમાં રાત્રે ( રાતના દસથી સવારના છ સુધી) 45 ડેસિબલ્સ અને દિવસે ( સવારના છ થી રાતના 10 સુધી ) 55 ડેસિબલ્સથી વધુ અવાજ વાળા લાઉડ સ્પીકરના ઉપયોગ કરી શકાશે નહીં. ધ્વનિ પ્રદુષણને અનુલક્ષીને વર્ષ 2019થી ડીવાયએસપી સ્તરના ઉચ્ચ અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે કામગીરી સોંપાયેલી છે. રાજ્યના વિવિધ જિલ્લોઓમાં નિમાયેલા અધિકારીઓની નામ અને મોબાઈલ નંબર સહિતની તમામ વિગતો જવાબમાં રજૂ કરાઈ છે. ધ્વનિ પ્રદુષણને રોકવા અને તે અંગેના કાયદાનો ભંગ કરનાર સામે પગલા લેવા માટે સરકારે એક અભિયાન હાથ ધરેલુ છે. સરકાર અને પોલીસ આ પ્રશ્નના ઉકેલ માટે કટિબદ્ધ છે. 

મહત્વનુ છે કે, મસ્જિદો પર અજાન માટે વપરાતા લાઉડ સ્પીકરના લીધે ફેલાતા ધ્વનિ પ્રદુષણને રોકવાની માગ સાથે હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે મસ્જિદ પર અજાન માટે આડેધડ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરાઈ રહ્યો છે. જેના લીધે અવાજનુ પ્રદુષણ થઈ રહ્યું છે. ખાસ કરીને વહેલી સવારે જ્યારે મોટા લાઉડ સ્પીકર પર અજાન થાય છે, ત્યારે અવાજના પ્રદુષણના લીધે સિનિયર સિટિઝન, બિમાર લોકો, પરીક્ષાર્થીઓ અને બાળકોને ભારે અગવડ પડે છે. સામાન્ય સંજોગોમાં લાઉડ સ્પીકરના ઉપયોગ કરવા માટે પોલીસ ઓથોરિટીની મંજૂરી લેવી જરૂરી છે. જો કે, તે લીધા વગર આ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરાય છે. લાઉડસ્પીકરના ઉપયોગ અને ધ્વનિ પ્રદુષણને રોકવા અંગે જે કાયદા અને નિયમો છે, તેનો અમલ કરાવો.

આ પણ વાંચો : ઓરેવા ગૃપના જયસુખ પટેલે હાઈકોર્ટમાં જામીન અરજી ફાઈલ કરી