Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અરજદાર પોતે ગુનાહિત ઈતિહાસ ધરાવનાર અને તેના પુત્ર તથ્યએ આચરેલા ગુનાથી બચાવતો રહ્યો - સરકાર

ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલો – આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશની જામીન અરજી પર અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા કોર્ટે નવ ઓગષ્ટ સુધી ચુકાદો અનામત રાખ્યો

કેસના પુરાવા અને સાક્ષીઓ સાથે છેડછાડ કરી શકે - સરકાર

સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનાર અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા હિટ એન્ડ રન કેસમાં આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પરનો ચુકાદો નવ ઓગષ્ટ સુધી અનામત રાખ્યો છે.

સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે આ જામીન અરજીનો આકરો વિરોધ કરીને તેને ફગાવી દેવાની માગ કરી છે. સરકારની રજૂઆત હતી કે, અરજદાર પ્રજ્ઞેશ પટેલે તેના આરોપી પુત્રના ગુનાઓને દબાવીને દર વખતે તેને ખોટુ પ્રોત્સાહન પુરૂ પાડ્યુ છે. જેના લીધે, તથ્યને આ પ્રકારના ગુનાઓ આચરવાની આદત પડેલી. જેના લીધે, ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો અને તેમાં નવ નિર્દોષ લોકોના મોત થયા છે. તથ્યના આ ગુના માટે તેનો પિતા પણ એટલો જ જવાબદાર ઠરે છે.

સરકારની એ પણ રજૂઆત હતી કે, આરોપી પ્રજ્ઞોશ પટેલ પોતે પણ ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.  તેની વિરૃદ્ધ દસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે ત્યારે આવા ગંભીર ગુનાના આરોપીને કોઇપણ સંજોગોમાં જામીન આપી શકાય નહી. અરજદાર પ્રજ્ઞોશ પટેલ અકસ્માતના દિવસે તેના આરોપી પુત્ર તથ્ય પટેલને બચાવવા પહોંચી ગયેલો. ત્યાં રોષે ભરાયેલા લોકોને તેણે ધમકી અને બિભત્સ ગાળો આપીને તેના પુત્રને લઇ ત્યાંથી જતો રહેલો. આરોપીએ ખરેખર પોલીસની શરણાગતિ સ્વીકારવાની કે પોલીસ સમક્ષ હાજર થવાની નૈતિક ફરજ પણ દાખવી નથી. અરજદાર આરોપી પોતે એક પિતા તરીકેની પણ ફરજ ચૂકયો છે, કારણ કે તથ્ય પટેલ જયારે જયારે અકસ્માત કરતો હતો, ત્યારે તેના ગુનાહિત કૃત્ય પર ઢાંકપિછોડો કરી સમાધાન કરી તેને છાવરતો હતા. જેના લીધે, આદતથી વશ બનેલા તથ્ય પટેલે ઈસ્કોન બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જીને નવ નિર્દોષ લોકોને કચડીને મોતને ઘાટ ઉતાર્યા છે.

આ પહેલા પણ તથ્યએ જ્યારે પણ અકસ્માત સર્જ્યા હતા, ત્યારે અરજદારે પૈસાના જોરે સમાધાન કરાવેલુ છે. અરજદાર આરોપી પ્રજ્ઞેશ પટેલનો ભૂતકાળ પણ ગંભીર ગુનાઓથી ખરડાયેલો છે.  તેની વિરૃદ્ધમાં પણ સામૂહિક દુષ્કર્મ સહિતના દસ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.  જેમાં ધાકધમકી, ગાળો આપવી સહિતની કલમો સામાન્ય છે. આમ, આરોપી ગુનાહિત પ્રવૃત્તિ કરવાની ટેવવાળો અને પૈસાના જોરે તોડફોડની માનસિકતા ધરાવતો ગુનેગાર છે. જો આવા આરોપીને જામીન મળશે તો કેસને બહુ ગંભીર નુકસાન થશે. ખાસ કરીને આરોપી પૈસાના જોરે અને વગદાર હોવાથી કેસના પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડાં કરે તેવી પૂરી શકયતા છે. જો આવા ગંભીર ગુનામાં આરોપીને જામીન અપાશે તો સમાજમાં પણ અવળો સંદેશો જશે. જેથી, અરજદારની જામીન અરજી ફગાવો.

આરોપી પ્રજ્ઞેશ પટેલ સામે વર્ષ ૨૦૧૭થી ૨૦૨૩ સુધી દસ ગંભીર ગુનાઓ

(૧) વેજલપુર પો.સ્ટે.- ધમકી, ગેરકાયદેસર પ્રવેશ

(૨) સોલા - હત્યાનો પ્રયાસ, ખંડણી, ધમકી

(૩) સોલા - ઠગાઇ, વિશ્વાસઘાત, ધમકી

(૪) સોલા - પ્રોહિબિશન એક્ટની કલમ ૬૬(૧)(બી)

(૫) સરખેજ - ઠગાઇ, વિશ્વાસઘાત

(૬) સરખેજ - ઠગાઇ, બોગસ દસ્તાવેજ બનાવવા

(૭) ક્રાઇમ બ્રાન્ચ - ખંડણી, ધમકી

(૮) મહિલા પશ્ચિમ - દુષ્કર્મ, ધમકી, ઠગાઇ

(૯) મહેસાણા - ધમકી

(૧૦) રાણીપ -  કેદી અધિનિયમ-૪૨,૪૩,૪૫(૧૨)

(૧૧) એન ડિવિઝન ટ્રાફિક- ધમકી, ગાળો આપવી

આ પણ વાંચો : નકલી વીલ બનાવીને સગા ભાઈ-ભાભી દ્વારા મિલકત વેચાણનો કેસ: હાઈકોર્ટે કેસની તપાસ સ્ટેટ સીઆઈડી ક્રાઈમને સોંપી