Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

તિસ્તા સેતલવાડ તાત્કાલિક ધોરણે આત્મસમર્પણ કરે - હાઈકોર્ટ

રમખાણ કેસમાં ખોટા દસ્તાવેજ અને પુરાવાઓ રજૂ કરવાનો મામલો

હાઈકોર્ટે તિસ્તાની જામીન અરજી ફગાવી

તિસ્તાએ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી લોકશાહી ઢબે ચુંટાયેલી સરકારને ઉથલાવવા અને તેમની છાપ ખરડવા પ્રયાસ કર્યો – હાઈકોર્ટ

તિસ્તાએ તોફાન પીડિતો અને સાક્ષીઓ પાસે સુપ્રીમ કોર્ટથી લઈ તમામ ફોરમ સમક્ષ ખોટા સોગંદનામા અને અરજીઓ કરાવડાવી

આજે કોઈ રાજકીય પક્ષે તેને આ કામ સોંપ્યું છે, ભવિષ્યમાં બહારની તાકાત પણ તેને આ સોંપી શકે છે, તેથી જામીન આપી ન શકાય - હાઈકોર્ટ

ગોધરા ટ્રેન હત્યાકાંડ બાદ રાજ્યમાં ફાટી નીકળેલા કોમી તોફાનને અનુલક્ષીને રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સામે બનાવટી દસ્તાવેજો અને પુરાવા ઉભા કરી તેમને ફસાવવાના કેસના આરોપનો સામનો કરી રહેલ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટે આદેશ કર્યો છે કે તિસ્તા સેતલવાડ ત્વરિતપણે સંબંધિત ઓથોરિટી સમક્ષ આત્મસમર્પણ કરે. તિસ્તાએ હાઈકોર્ટના આ ચુકાદા સામે 30 દિવસનો સ્ટે માગ્યો હતો. જો કે, હાઈકોર્ટે તેની આ માગને ફગાવી દીધી હતી.

હાઈકોર્ટનુ અવલોકન છે કે, તિસ્તાએ સુપ્રીમ કોર્ટથી લઈને તમામ ફોરમ સમક્ષ તોફાન પિડીતો અને સાક્ષીઓ પાસે ખોટા સોગંદનામા અને અરજીઓ કરાવડાવી છે. તેણીએ લોકો દ્વારા લોકશાહી ઢબે ચુંટાયેલી સરકારને અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ( હાલના વડાપ્રધાન)ની સરકારને ઉથલાવવા અને તેમને ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલવા માટે આ સમગ્ર ષડયંત્ર રચેલુ હતુ. જો તેણીને જામીન આપવામાં આવે તો દેશ અને સમાજ સમક્ષ એક ખોટો સંદેશ જશે.

આ કેસમાં તિસ્તા સેતલવાડની સામે તેના ભૂતપૂર્વ સાથીએ નિવેદનો આપેલા છે. જેમાં તેણે આક્ષેપ કરેલો છે કે તિસ્તાએ સુપ્રીમ કોર્ટથી લઈને તમામ ફોરમ સમક્ષ તોફાન પીડિતો અને સાક્ષીઓ પાસે ખોટા સોગંદનામા અને અરજીઓ કરાવડાવી છે. આના પાછળનો હેતુ રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન ( નરેન્દ્ર મોદી)ની છાપને ખરડવાનો પ્રયાસ હતો. 

આજે કોઈ રાજકીય પક્ષે તેણીને ચુંટાયેલી સરકારને અસ્થિર કરવાનુ લક્ષ્યાંક સોંપ્યુ છે, ભવિષ્યમાં એવુ બને કે દેશ બહારની કોઈ તાકાત તેણીને આ પ્રકારનુ કામ સોંપી શકે છે. આ બાબત દેશ માટે અને ચોક્કસ રાજ્ય માટે ખતરારૂપ બની શકે છે. જો તેણીને જામીન આપવામાં આવે તો દેશ, સમાજ અને લોકો સમક્ષ એક ખોટો સંદેશ જશે કે જો કોઈ વ્યક્તિ મુખ્યપ્રધાનને ખોટી રીતે સંડોવવા માટે પ્રયાસ કરે તો પણ તેને કોર્ટ દ્વારા જામીન મળી શકે છે. આ જ બાબતને લઈને સમાનતાના ધોરણે અન્ય લોકો પણ જામીન માગી શકે છે. આ પ્રકારનો સંદેશ જાય તે યોગ્ય નથી.  

હાલ તો પ્રાથમિક ધોરણે તો એવુ સ્પષ્ટ લાગી રહ્યું છે કે, પદ્મશ્રીથી સન્માનિત અને આયોજન પંચના સભ્ય રહી ચુકેલા અરજદાર તિસ્તાએ રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાનની સરકારને ઉથલાવવા, તેમની છબીને ખરડવા અને તેમને જેલમાં મોકલવા માટે કામ કર્યું હતુ.

આ પણ વાંચો : હાઈકોર્ટે રાજ્ય સરકારને ઝાટકી, કન્ટેમ્પ્ટની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટે કાયદો પ્રસ્થાપિત કરેલો છે, તેને સરકાર ભૂલી શકે અમે નહીં