Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ટોપી – પોતાની મહત્વાકાંક્ષા, રાજકીય પક્ષના એજન્ડા પાર પાડવા તત્કાલીન સરકારને ઉથલાવવા અને તેની શાખ ખરડવા પ્રયાસ કર્યો - હાઈકોર્ટ

હેડિંગ – તિસ્તાએ તોફાન પિડીતોના નામે મોટુ ભંડોળ મેળવ્યુ, મદદના ખોટા વચનો આપ્યા – હાઈકોર્ટ

પેટા – એસઆઈટીના રિપોર્ટ સામેની વાંધા અરજી સુપ્રીમ કોર્ટે ફગાવ્યા બાદ, ક્રાઈમ બ્રાંચે તિસ્તાની ધરપકડ કરેલી

વર્ષ 2002માં ગોધરાના તોફાનો બાદ રાજ્યમાં થયેલા કોમી તોફાનના કેસમાં રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની શાખને ખરડવાના પ્રયાસના ભાગ રૂપે તેમની સામે ખોટા દસ્તાવેજ અને પુરાવા રજૂ કરવાના કેસમાં હાઈકોર્ટે તિસ્તાની જામીન અરજી ફગાવેલી છે. આ કેસમાં હાઈકોર્ટનુ અવલોકન છે કે, તિસ્તાએ પોતાના અંગત હેતુને સિદ્ધ કરવા અને રાજકીય લાભ મેળવવા માટે તેણીએ મોટુ  ભંડોળ મેળવેલુ છે. તેણીએ પોતાની જાતને સામાજિક કાર્યકર તરીકે રજૂ કરી છે. આ પછી, તેણી આયોજન પંચની સભ્ય પણ બનેલી. તેણીએ કોંગ્રેસના સ્વર્ગીય નેતા અહેમદ પટેલના અંગત રાજકીય એજન્ડા અને પોતાના અંગત લાભોને પૂર્ણ કરવાના માટે પિડીતો પાસે સુપ્રીમ કોર્ટથી લઈને તમામ ફોરમ સમક્ષ ખોટી અરજીઓ, સોગંદનામા અને દસ્તાવેજો રજૂ કરાવ્યા હતા. જેમાં, નિર્દોષ લોકોને કેસમાં ફસાવવાનુ કારસ્તાન રચ્યું હતુ.

તેણીએ કોમવાદના આધારે લોકોના માનસનુ ધ્રુવીકરણ કરવા માટે કામ કર્યું છે. તેણીએ લોકોને ઉશ્કેરીને સમાજમાં રહેલી શાંતિને ડહોળવા પ્રયાસ કર્યો છે. તેણીએ યુએનએચઆરસીને પણ પત્ર લખેલો, જે મુદ્દે સુપ્રીમ કોર્ટે તેણીની ઝાટકણી કાઢેલી. તિસ્તાએ ક્રમબદ્ધ રીતે સાક્ષીઓ પાસેથી વિવિધ અરજીઓમાં ખોટા સોગંદનામા કરાવેલા છે. જેની પાછળનો હેતુ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને ઉથલાવવા, તેમનુ રાજીનામુ લેવા અને તેમની શાખને બદનામ કરવાનો પ્રયાસ હતો. તેણીએ મોટા પાયે લોકોનુ કોમવાદી ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરેલો છે.

હાઈકોર્ટનુ માનવુ છે કે, તેણી એક પ્રભાવશાળી વ્યક્તિ છે. તેણીએ પોતાનો એજન્ડા સફળ બનાવવા માટે ભૂતકાળમાં સાક્ષીઓ અને તોફાનો પીડિતોને ધમકાવી કે ડરાવીને તત્કાલીન સરકાર સામે દુષ્પ્રચારનુ અભિયાન ચલાવેલુ.

પિડીતોના નામે મોટુ ભંડોળ મેળવ્યુ

હાઈકોર્ટે તેના આદેશમાં એ પણ નોંધ્યું છે કે, તેણીએ પિડીતોના નામે બહારથી મોટુ ભંડોળ મેળવેલુ. તેણીએ પિડીતને મકાન બાંધી આપવા, દુકાનો લઈ આપવા અને તેમને નાણાકીય મદદ કરવા માટેના ખોટા વચનો આપેલા. તેણીએ આ ભંડોળનુ ઉપયોગ પોતાના અંગત હેતુ માટે કર્યો છે. તેણીએ પોતાની મહત્વાકાંક્ષા પુર્ણ કરવા અને પોતાનો એજન્ડા સિદ્ધ કરવા સરકારને ઉથલાવવાનુ અને તેને બદનામ કરવાનુ કામ કર્યું છે.

શું છે સમગ્ર કેસ ?

ગોધરા કાંડ બાદ રાજ્યમાં થયેલા કોમી તોફાનના કેસમા એસઆઈટીએ રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપતો ક્લોઝર રિપોર્ટ કોર્ટમાં રજૂ કરેલો. જેની સામે ઝાકીયા જાફરીએ તિસ્તાની મદદથી નીચલી અદાલત, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વાંધા અરજીઓ કરેલી. જો કે, નીચલી અદાલતથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીની તમામ કોર્ટે આ અરજીને ફગાવી દીધેલી. ગત વર્ષે સુપ્રીમ કોર્ટે આ કેસને  સતત સળગતો રાખવા માટે જવાબદાર લોકો સામે પગલા લેવાની વાત કરેલી. આ ચુકાદા બાદ, ક્રાઈમ બ્રાંચે ગત વર્ષે મુંબઈથી તિસ્તાને તેના નિવાસ સ્થાનેથી અને ભૂતપૂર્વ ડીજીપી આરબી શ્રીકુમાર તથા જેલમાં સજા કાપતા ભૂતપૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ સામે એફઆઈઆર નોંધેલી. જેમાં ગત વર્ષે સુપ્રીમ કોર્ટે તિસ્તાને વચગાળાના જામીન આપેલા. આ કેસમાં થોડા દિવસ પહેલા નીચલી અદાલતે આરબી શ્રીકુમારની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધેલી. ભૂતકાળમાં હાઈકોર્ટે તેમને વચગાળાના જામીન આપેલા છે. જ્યારે સંજીવ ભટ્ટે જામીન અરજી કરેલી નથી.

આ પણ વાંચો : તિસ્તા સેતલવાડ તાત્કાલિક ધોરણે આત્મસમર્પણ કરે - હાઈકોર્ટ