Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

આ મુદ્દે કોઈપણ પ્રકારે વ્યાવહારિક અભિગમ અપનાવાશે નહીં, ઔદ્યોગિક એકમોને કોઈ રાહત નહીં  હાઈકોર્ટ

સાબરમતી નદીમાં પ્રદુષણ ફેલાવનારાઓ સામે કડક હાથે પગલા લો – હાઈકોર્ટ

ઔદ્યોગિક એકમોએ નિયમમાં રાહત આપવા માગને હાઈકોર્ટે નકારી

સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાવવામાં આવતા પ્રદુષણના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકાર, એએમસી અને ઔદ્યોગિક એકમોની ઝાટકણી કાઢતા આદેશ કર્યો છે કે, નદીમાં પ્રદુષણ ફેલાતુ રોકવા માટે કડક પગલા લેવામાં આવે. જ્યાં સુધી ઉદ્યોગોને બંધ કરવાની વાત છે, તો તેમાં

કોઈપણ પ્રકારનો વ્યવહારિક અભિગમ અપનાવવામાં આવે નહીં

હાઈકોર્ટે એ પણ ટકોર કરેલી કે, કામદારોના કલ્યાણની વાત કરીશુ તો તેની સામે લાખો લોકોના કલ્યાણની વાત પણ જોવી પડશે. અસંખ્ય લોકો નદીનુ આ પાણી પીવે છે, તેઓ નદીના પાણીનો ઉપયોગ કરે છે. તેઓ નદીના આ પાણી પર આધારિત છે. તેમના આરોગ્ય અને જીવન વિશે પણ વિચારવુ જરૂરી છે. જેમના ઘરમાં પાણી સ્વચ્છ કરવાનો આરો છે, તેના વિશે વાત કરતા નથી. જેમને પીવાનુ ચોખ્ખુ પાણી મળે છે, તેઓ સલામત છે, પરંતુ જેઓ નદીના પાણીનો સીધો ઉપયોગ કરે છે, તેઓ સલામત નથી.

સુનાવણી દરમિયાન, ટેક્સટાઈલ ઉદ્યોગના એકમોના વકીલ દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે, જીપીસીબીને નિર્દેશ આપો કે, તે નિયમોમાં થોડી રાહત આપે. જેથી, ટેક્સટાઈલ ઉદ્યોગના બંધ થયલા એકમો ફરીથી ચાલુ કરી શકાય. જો કે, આ મુદ્દે હાઈકોર્ટે ટેક્સટાઈલ ઉદ્યોગોની ઝાટકણી કાઢતા કહેલુ કે, આ મુદ્દે વ્યવહારિક અભિગમ અપનાવીશું નહીં, વર્ષોથી આ ઉદ્યોગને નિયમમાં રાહત અપાયેલી છે. જેના ગંભીર પરિણામ સમાજ અને લોકોએ ભોગવવાનો વારો આવ્યો છે. હવે, તેમની સામે કડક અભિગમ દાખવવામાં આવશે. આ કાર્યવાહી અચાનક કરવામાં આવી નથી, પરંતુ હવે લોકોને સમજાયુ છે કે, આ કાર્યવાહી કરવી જરૂરી છે, નહીંતર નદીને ભારે નુકસાન થશે.

અરજદારના વકીલે એ પણ રજૂઆત કરી હતી કે, આ ઔદ્યોગિક એકમો પર અંદાજે બે લાખ મજૂરોના ઘર ચાલે છે, આ એકમોના બંધ રહેવાથી તેમની રોજગારીને મોટી અસર થઈ છે. 

કેસની વિગત જોઈએ તો, સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમો દ્વારા સીધા જ પ્રદુષિત પાણી છોડવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે થોડા વર્ષો પહેલા સુઓમોટો પીઆઈએલ દાખલ કરેલી. જેની સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે એએમસી, રાજ્ય સરકાર, જીપીસીબી, મેગા પાઈપલાઈન વગેરે સત્તાધીશોને અનેક વાર કડક આદેશો કરેલા કે સાબરમતીમાં નદીને પ્રદુષિત અને મૃતપ્રાય બનતા રોકો અને નદીમાં પ્રદુષિત પાણી ઠાલવનારા તમામ લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે. હાઈકોર્ટના અતિ કડક વલણ બાદ, તમામ સંબંધિત સત્તાધીશોએ આ મુદ્દે કાર્યવાહી કરવાનુ ચાલુ કરેલુ.

હાઈકોર્ટ દ્વારા ઔદ્યોગિક એકમોના પ્રદુષિત પાણીને ડ્રેનેજ લાઈનમાં ઠાલવવા પર રોક લગાવવાનો આદેશ કરેલો, આ પછી એએમસી નરોડા વિસ્તારમાં સ્થિત અનેક ઔદ્યોગિક એકમો પર પ્રદુષિત પાણી ટ્રીટ કર્યા વગર સીધા ડ્રેનેજ લાઈનમાં ઠાલવવા સામે રોક લગાવેલી છે. આ પ્રદુષિત પાણી સીધા ડ્રેનેજ લાઈનમાં ઠાલવવાથી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ( એસટીપી)ની કાર્યક્ષમતાને નુકસાન પહોંચાડે છે. એસટીપી દ્વારા પ્રદુષિત પાણીના ટ્રીટમેન્ટ બાદ તેને નદીમાં છોડવામાં આવે છે. જો કે, એસટીપીની કાર્યક્ષમતાને અસર થતા ટ્રીટમેન્ટ વગર જ આ પ્રદુષિત પાણી સીધા નદીમાં જ ઠલવાતા હતા.

આ પણ વાંચો : રેરા ટ્રિબ્યુનલના ચેરમેન તરીકે સરકારે ગૌહાટી હાઈકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ આર. એમ. છાયાની નિમણૂંક કરી