Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- અનેક આદેશ છતાં પ્રશ્ન વણઉકેલ્યો, સરકાર અને તંત્ર નિરસતા કેમ દાખવે છે? - હાઈકોર્ટ

- રખડતા ઢોરના ત્રાસના મુદ્દે હાઈકોર્ટે સરકાર અને AMCની ઝાટકણી કાઢી, અન્ય રાજ્યમાં આ પ્રશ્ન મુદ્દે નીતિ બને છે, તો ગુજરાતમાં કેમ નહીં?

- અનેક આદેશ છતાં, આ પ્રશ્નના ઉકેલ માટે કોઈ માર્ગદર્શિકા, નીતિ કે વહીવટી સુચના હજુ સુધી કેમ બની નથી?

- ભૂતકાળમાં સરકારે આ પ્રશ્નને ઉકેલવા બાહેંધરી આપેલી, પરંતુ પાલન થયુ નથી - હાઈકોર્ટ

અમદાવાદ સહિત રાજ્યભરમાં બિસ્માર રસ્તા, રખડતા ઢોરના ત્રાસ, પાર્કિંગ અને ટ્રાફિકના મુદ્દે થયેલી PILમાં હાઈકોર્ટના આદેશનો અમલ ન થવાથી થયેલી કન્ટેમ્પ્ટની અરજીમાં હાઈકોર્ટની ખંડપીઠે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે સરકારને ઝાટકતા કહેલુ કે આ અરજી છેલ્લા ઘણા વર્ષથી ચાલે છે. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટ દ્વારા સમયાંતરે આ પ્રશ્નના ઉકેલ માટે રાજ્ય સરકારને અનેક નિર્દેશ અને આદેશ કરેલા છે. રાજ્યમાં 156 નગરપાલિકા અને આઠ મહાનગરપાલિકા આવેલી છે. જેમાં રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ, પાર્કિંગ અને ટ્રાફિકના પ્રશ્નને લઈ લોકોએ ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. દરરોજ સમાચાર પત્રોમાં વાંચીએ છીએ કે રખડતા ઢોરના ત્રાસ અને હુમલાના લીધે નિર્દોષ લોકો ઘાયલ થાય છે અથવા તો મૃત્યુને ભેટે છે. આ પ્રશ્નના ઉકેલ માટે અનેક નિર્દેશ અને આદેશ છતા મહાનગરપાલિકા કે સરકાર દ્વારા કોઈપણ પ્રકારની ઠોસ નીતિ, માર્ગદર્શિકા, વહીવટી સુચનાઓ પરિપત્ર કે ઠરાવના સ્વરૂપે બહાર પાડવામાં આવી જ નથી. સોગંદનામામાં માત્ર ઠોસ પગલા લેવાની વાત કરાય છે, પરંતુ આ પ્રશ્નના ઉકેલ માટે કોઈ માર્ગદર્શિકા હજુ સુધી બનાવાઈ નથી કે ઈસ્યુ પણ કરાઈ નથી. આ જ સ્થિતિ નગરપાલિકા વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. રખડતા ઢોરના ત્રાસ કે હુમલાના પ્રશ્નને નિવારવા માટે સરકાર, મહાનગરપાલિકા કે તંત્રને કોઈ રસ જ નથી. રખડતા ઢોરના ત્રાસ કે હુમલાના લીધે કોઈ વ્યક્તિ જ્યારે જીવ ગુમાવે છે, ત્યારે તેમના પરિવાર પર શું વિતતી હશે તે અંગે ક્યારેય વિચાર્યુ છે ખરા? આ પ્રકારની ઘટનાઓ વારંવાર શા માટે બને છે? સત્તાધીશોને ક્યારે સમજાશે કે નાગરિકોની સલામતી એ સૌથી પહેલા હોવી જોઈએ.  

હાઈકોર્ટે એએમસીને સવાલ કરેલો કે રખડતા ઢોરના હુમલા કે ત્રાસના પ્રશ્નને ઉકેલવા માટે કોઈ નીતિ બનાવી છે ખરી? ત્યારે એએમસીની રજૂઆત હતી કે તેમના દ્વારા નીતિ બનાવવામાં આવેલી, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીએ તેને રદ કરેલી. આ સમયે, હાઈકોર્ટે એએમસીને એ પણ સવાલ કરેલો કે રખડતા ઢોરના પ્રશ્નનો ઉકેલ ન લાવી શકતા જવાબદાર અધિકારીઓ સામે કોઈ પગલા લીધા છે ખરા? કે પછી એએમસી હજુ સુધી કોઈ નિર્દોષ લોકોના મોતની રાહ જોઈ રહ્યું છે? સ્ટેન્ડિંગ કમિટીએ એએમસી કમિશનરના પ્રસ્તાવને પરત કેમ મોકલ્યુ?

હાઈકોર્ટે સરકારને પણ સવાલ કરેલો કે રખડતા ઢોરના પ્રશ્નના ઉકેલ માટે અન્ય રાજ્યોમાં યોગ્ય નીતિ છે, તો ગુજરાતમાં કેમ નથી? શું સરકાર ગુજરાતના નાગરિકોને રખડતા ઢોરના હુમલાથી મૃત્યુ પામતા જોવા માગે છે?

હાઈકોર્ટે ભૂતકાળમાં નિર્દેશ આપેલા છે કે રખડતા ઢોરના ત્રાસ કે હુમલાના લીધે કોઈપણ નિર્દોષ વ્યક્તિ તેનો જીવ ગુમાવે નહીં તેની તંત્ર દ્વારા કાળજી રાખવામાં આવે. જો કે, તેમ છતાંય આ પ્રશ્ન યથાવત છે અને અનેક લોકો ઘાયલ થયા છે અથવા તો અનેક લોકોએ તેમનો જીવ ગુમાવેલો છે.

રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા, હાઈકોર્ટે એ પણ કહેલુ કે ભૂતકાળમાં મુખ્ય સરકારી વકીલે રાજ્ય સરકાર વતી હાઈકોર્ટને બાહેંધરી આપેલી કે આ પ્રશ્નના ઉકેલ માટે માર્ગદર્શિકા અથવા તો પરિપત્ર અથવા તો વહીવટી સુચનાઓ ઘડીને બહાર પાડવામાં આવશે અને તેનો અમલ કરાશે. આ બાહેંધરી છતા, સરકાર દ્વારા આ પ્રશ્નના ઉકેલ માટે કોઈ પણ પ્રકારની ઠોસ કામગીરી કરવામાં આવેલી નથી અને માત્ર બેઠકોમાં ચર્ચા જ કરવામાં આવી છે. સરકારની આ બાહેંધરી બાદ, સરકાર પાસે એટલી તો અપેક્ષા રાખીએ કે તેઓ રખડતા ઢોરના હુમલાના પ્રશ્નના ઉકેલ માટે યોગ્ય નીતિ સાથે આવે.  

હાઈકોર્ટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતની તમામ મહાનગરપાલિકાને આદેશ આપ્યો છે કે, રખડતા ઢોરના હુમલા અને ત્રાસના પ્રશ્નના ઉકેલ માટે યોગ્ય પગલા લે અને યોગ્ય નીતિ ઘડવામાં આવે અને તેને રજૂ કરવામાં આવે. આ કેસની વધુ સુનાવણી 19 જુલાઈએ હાથ ધરાશે.

દહેગામમાં રખડતા ઢોરના ત્રાસથી વિધવા મહિલાની દિકરીનુ મોત

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે ગાંધીનગર જિલ્લાના દહેગામમાં 81 વર્ષના વૃદ્ધ વિધવા મહિલાની 56 વર્ષની દિકરીનુ રખડતા ઢોરના હુમલાના લીધે મૃત્યુ થયેલુ છે. આ કેસમાં નગરપાલિકા ચીફ ઓફિસર પાસે વળતરની માગ કરાયેલી, પરંતુ તે મળ્યુ નથી. આ અંગે કોર્ટે સરકારને આદેશ કર્યો છે કે મૃતકના પરિવારજનોને વળતર ચુકવો. જે અંગે સરકારે તૈયારી પણ દર્શાવી છે.

રોંગસાઈડ પર બેફામ રીતે આવતા વાહનચાલકો સામે શું પગલા લેવાય છે? - હાઈકોર્ટ

ટ્રાફિકના વકરતા પ્રશ્નને લઈ હાઈકોર્ટે સરકારને સવાલ કરેલો કે જે લોકો રોંગ સાઈડ પર બેફામ રીતે વાહનો ચલાવે છે, તેમની સામે શું પગલા લેવામાં આવી રહ્યા છે? ફ્લાય ઓવર પર પણ લોકો રોંગસાઈડમાં વાહનો ચલાવે છે. આ તમામ બાબતોને ટ્રાફિક પોલીસ જુએ છે, પરંતુ તેને રોકતી નથી. રોંગસાઈડ પર આવતા વાહનોના લીધે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. હાઈકોર્ટના આ અણિયાળા સવાલ સામે સરકારનો જવાબ હતો કે આ પ્રશ્નના નિરાકરણ માટે સીસીટીવી અને ઈ-ચલણથી પગલા લેવાઈ રહ્યા છે.