Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

કેનેડામાં ભણવા જતાં વિદ્યાર્થીઓએ 1 જાન્યુઆરી,2024થી આજીવિકા ખર્ચની નાણાંકીય જરૂરિયાત પેટે દસ હજાર કેનેડિયન ડોલરને બદલે બમણાં એટલે કે 20,635 ડોલર બતાવવા પડશે તેમ ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે જાહેર કર્યું હતું. કેનેડાની સરકારના આ પગલાંથી ભારતમાંથી કેનેડા ભણવા જતાં વિદ્યાર્થીઓએ  વધારે નાણાંની જોગવાઇ કરવી પડશે. કેનેડામાં 2022માં સૌથી વધારે 3,19,000 ભારતીય સ્ટુડન્ટ સ્ટડી પરમીટ હોલ્ડર્સ હતા. હાલ કેનેડા ભણવા જતાં વિદ્યાર્થીએ પ્રવાસ અને શિક્ષણ ખર્ચ ઉપરાંત દસ હજાર કેનેડિયન ડોલર તેમની પાસે હોવાનું દર્શાવવું પડે છે. દસ હજાર ડોલરની જરૂરિયાત છેલ્લા બે  દાયકાથી યથાવત હતી. હવે  સ્ટેટેસ્ટિકસ કેનેડા બેન્ચમાર્ક અનુસાર આજીવિકા ખર્ચ દર વર્ષે વધે તે રીતે આ રકમમાં વધારો ઘટાડો કરવામાં આવશે. મિલરે જણાવ્યું કે આજીવિકા ખર્ચની સામે નાણાંકીય જરૂરિયાત ઘણાં સમયથી વધારવામાં આવી ન હોવાથી કેનેડામાં આવતાં વિદ્યાર્થીઓને તેમની પાસેનું ભંડોળ અપૂરતું જણાય છે. 

મિલરે જે પ્રાંતો વિદ્યાર્થીઓને રહેઠાણ પુરૂ પાડવામાં સહાય ન કરતાં હોય તેમની વિઝાની સંખ્યા મર્યાદિત કરવાની ધમકી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કેટલાક પ્રાંતોમાં ડિપ્લોમાઓ આડેધડ આપવામાં આવે છે તે કાયદેસર સ્ટુડન્ટ એક્સપરિયન્સ નથી. વર્ષોથી ટીકાકારો કહેતાં આવ્યા છે કે કેટલીક કોલેજો વિદેશીઓને અપૂરતું શિક્ષણ આપે છે અને કેનેડામાં કામ કરવાના વિઝા મેળવવાની અને આખરે ઇમિગ્રેટ કરવાની તક પણ પુરી પાડે છે. મિલરે જણાવ્યું કે આ છેતરપિંડી અને  દુરૂપયોગ છે તે બંધ કરવાની જરૂર છે. અમે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને ભેદી એમ્પલોયર્સ અને અનૈતિક શૈક્ષણિક સંસ્થાઓ સામે રક્ષણ આપવા માટે આ પગલાં ભરી રહ્યા છીએ. આ અનૈતિક લોકોને કારણે વિદ્યાર્થીઓ માટે કેનેડામાં વસવું મુશ્કેલ બની રહે છે.

મિલરે અન્ય મહત્વની જાહેરાતો કરતાં જણાવ્યું કે વર્તમાન ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે હાલ અમલી દર અઠવાડિયે વીસ કલાકની ઓફ કેમ્પસ વર્ક લિમિટને 30 એપ્રિલ 2024 સુધી લંબાવવામાં આવી છે. વધુમાં સરકાર આ મર્યાદા વર્ગ ચાલુ હોય ત્યારે વધારીને 30 કલાક કરવા વિચારી રહી છે. નવેમ્બર 2022માં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે ઓફ કેમ્પસ કામના કલાકોની મર્યાદા હટાવી લેવામાં આવી હતી તે આ મહિને પુરી થવાની છે. સરકાર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટની વર્ક પરમીટ પુરી થઇ હોય કે પુરી થવાની હોય તેને 18 મહિના લંબાવી આપવાનું હવે બંધ કરશે.

આ પણ વાંચો: છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ મૂકનારા તાલિબાને પોતાની ભૂલનો અહેસાસ થયો, જાણો શું કહ્યું હવે