Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

નકલી માર્કશીટના આધારે એલએલબીમાં એડમિશન લેનારનો પ્રવેશ રદ કરવાનો વીર નર્મદ યુનિવર્સિટીના નિર્ણયને હાઈકોર્ટે યથાવત રાખ્યો

અરજદારે નકલી માર્કશીટ રજૂ કરી પ્રવેશ મેળવ્યો - હાઈકોર્ટ

બોગસ માર્કશીટના આધારે પ્રવેશ મેળવનાર એક લો સ્ટુન્ડન્ટસના પ્રવેશને રદ કરવાના વીર નર્મદ દક્ષિણ  ગુજરાત યુનિવર્સિટીના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટે યથાવત રાખ્યો છે. હાઈકોર્ટે અરજદાર વિદ્યાર્થીની ઝાટકણી કાઢીને રાહત આપવાની માગને ફગાવી દીધી છે. હાઈકોર્ટનુ અવલોકન છે કે, અરજદાર વિદ્યાર્થીએ પ્રવેશ માટે બોગસ દસ્તાવેજો રજૂ કરેલા છે. યુનિવર્સિટીએ કાયદાની કલમ-47 હેઠળ વિદ્યાર્થીને રક્ષણ આપતી જોગવાઈઓ હેઠળ તેની માર્કશીટ તપાસી અને તેને યોગ્ય ગણીને વિદ્યાર્થીની તરફેણમાં નિર્ણય લીધો હતો. જો કે, બાદમાં ખરાઈ સમયે માર્કશીટ નકલી માલુમ પડતા સમગ્ર હકીકત બહાર આવેલી કે વિદ્યાર્થીઓ નકલી માર્કશીટ રજૂ કરીને એલએલબીમાં પ્રવેશ મેળવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ આ માર્કશીટ સંદર્ભે ચકાસણી કરી ત્યારે શ્રીધર યુનિવર્સિટીએ જણાવેલુ કે આ વિદ્યાર્થીએ જે માર્કશીટ રજૂ કરી છે, તે નકલી છે. 

હાઈકોર્ટનુ એ પણ અવલોકન છે કે, શ્રીધર યુનિવર્સિટીએ સ્પષ્ટ પણે કહેલુ છે કે અરજદાર વિદ્યાર્થીએ રજૂ કરેલી માર્કશીટ નકલી છે. આ સંજોગોમાં અરજદારને સુનાવણીની તક આપવી એ માત્ર ઔપચારિકતા જ બની રહેશે.

અરજદારના વકીલની  રજૂઆત હતી કે, અરજદારે રાજસ્થાનની શ્રીધર યુનિવર્સિટીની બેચલર ઓફ આર્ટસની માર્કશીટ રજૂ કરીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એલએલબીમાં પ્રવેશ મેળવ્યો હતો. યુનિવર્સિટીએ તેને પ્રોવિઝનલ યોગ્યતા મંજૂર કરતી વખતે તેની માર્કશીટની ચકાસણી કરેલી જ છે, તેથી પાછળથી વેરીફિકેશનનો કોઇ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.

વીર નર્મદ યુનિવર્સિટીની રજૂઆત હતી કે, અરજદારે નકલી માર્કશીટ મેળવીને એલએલબીમાં પ્રવેશ મેળવ્યો છે. જેથી, તેનો પ્રવેશ રદ કરવામાં આવેલો છે. અરજદારે જાણી જોઈને આ છેતરપિંડી આચરેલી છે. અરજદારે એલએલબીનો અભ્યાસ પૂર્ણ કર્યો અને વકીલાત કરવા માટે સનદ મેળવવા માટે જ્યારે તેણે અરજી કરી , ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ( બીસીજી)ના વેરિફિકેશન દરમિયાન સમગ્ર બાબતનો ખુલાસો થયેલો છે. આ બાબતને લઈને વિદ્યાર્થી સામે એફઆઈઆર પણ નોંધાવવામાં આવેલી છે. જેથી, અરજદારની અરજીને ફગાવી દેવામાં આવે.