Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- એએમસી અને પોલીસે આ કેસમાં યોગ્ય તપાસ કરી જ નથી: કોર્ટ

- રખડતા ઢોર રસ્તા પર અડચણરૂપ હોવા છતાં નહીંવત કાર્યવાહી

­અમદાવાદ: રખડતા ઢોરોના ત્રાસના એક કેસમાં સેશન્સ કોર્ટે એક આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડયો છે. જો કે, આરોપી વિરૂદ્ધ મજબૂત પુરાવા કે ફરિયાદ પક્ષનો કેસ સફળતાપૂર્વક પુરવાર નહી કરી શકનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ સત્તાવાળાઓની સેશન્સ કોર્ટે આકરી ઝાટકણી કાઢતા કહ્યું છે કે, આ કેસમાં એએમસી અને પોલીસ દ્વારા જોઇએ તેવી નક્કર અને અસરકારક કાર્યવાહી થઇ જ નથી. કોર્ટે એ પણ હુકમ કર્યો છે કે, આ કેસમાં જવાબદારો સામે કાર્યવાહી કરવાના હેતુથી હુકમની નકલ જિલ્લા કલેકટરને મોકલી આપો.

કોર્ટે એ પણ નોંધ્યું છે કે, ઈન્દિરાબ્રીજ સર્કલથી જીવનદીપ હોસ્પિટલ સામેના જાહેર રસ્તા ઉપર રખડતા ઢોરના ત્રાસના આ કેસમાં તપાસનીશ અધિકારીએ માત્ર સાહેદોના નિવેદનો લીધા છે પરંતુ તે નિવેદનો જોવામાં આવે અને તપાસના કાગળો જોવામાં આવે તો જે ઢોરો રખડતા હતા, તેને એએમસીના ઢોર ત્રાસ અંકુશ ખાતાના ડબ્બામાં પૂરવા માટેની કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આ કેસમાં ફરિયાદી અને સાહેદોએ રખડતા ઢોર જોયા હોવા છતા, તેને પકડવાની કોઈ કામગીરી થઈ જ નથી. આ ઢોરો જાહેર માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ અને માનવ જીંદગી માટે જોખમાય તે રીતે હોવાછતાં તે અંગે કોઈ કાર્યવાહી કરાઈ જ નથી. તપાસ અધિકારીએ ફરિયાદી અને સાહેદોના નિવેદનો મૂકી ચાર્જશીટ કરી સંતોષ માન્યો છે. આ કેસમાં તપાસનીશ અધિકારીએ આ કામે ગુનાવાળી જગ્યાનું પંચનામું જ કર્યું નથી. આજુબાજુ સીસીટીવી કેમેરા ઉપલબ્ધ હોવાછતાં તેવા કોઇ સીસીટીવી ફુટેજ મેળવીને પુરાવા તરીકે રજૂ કર્યા નથી.