Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતના મૃતકોના પરિવારજનો આ દર્દનાક ઘટના ક્યારેય ભૂલી નહીં શકે - હાઈકોર્ટ

દિલ્હી-મુંબઈમાં ટ્રાફિકના નિયમોનુ કડકાઈથી પાલન થાય તો, ગુજરાતમાં કેમ નહીં? - હાઈકોર્ટ  

ટ્રાફિકના નિયમોના યોગ્ય રીતે પાલન ન થવા મુદ્દે અમદાવાદ મનપા કમિશનર અને પોલીસ કમિશનરને હાજર રાખવા હુકમ કેમ ન કરીએ ? - હાઈકોર્ટ

Gujarat: અમદાવાદ સહિત રાજ્યભરમાં બિસ્માર રસ્તા, રખડતા ઢોરના ત્રાસ, પાર્કિંગ અને ટ્રાફિકના મુદ્દે થયેલી પીઆઈએલમાં હાઈકોર્ટના આદેશનો અમલ ન થવાથી થયેલી કન્ટેમ્પ્ટની અરજીમાં સુનાવણી સમયે, હાઈકોર્ટની ખંડપીઠે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતુ કે, ટ્રાફિકના સમસ્યાના નિવારણ માટે સરકારે અત્યાર સુધી શું પગલા લીધા છે ? તમે જાણો છો કે ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત પાછળનુ કારણ શું છે ? આ પ્રકારના ગુનાઓ આચરનારોને કાયદાનો ડર રહ્યો જ નથી, સરકાર કાયદાનુ પાલન કરાવવા માટે ઉત્સુક જ નથી. તંત્રએ સીસીટીવી કેમેરાની વાત કરેલી, જો કે, આ અકસ્માતથી બહાર આવ્યું છે કે, તે સ્થળ પર સીસીટીવી કેમેરા જ નથી. દિલ્હી-મુંબઈમાં પોલીસ દ્વારા લોકો પાસે ટ્રાફિકના નિયમોનુ કડક રીતે પાલન કરાવાય છે અને અમદાવાદમાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ શાંતિથી રસ્તાઓ પર ઉભા હોય છે. આ બાબતને કોર્ટે અંગત રીતે જોઈ છે. ટ્રાફિક પોલીસ આંખો બંધ કરીને બસ બધુ જોયા જ કરે છે. સરકાર એ જણાવે કે કોર્ટ દ્વારા શા માટે જવાબદાર અધિકારીઓ સામે આરોપ ઘડવાની કાર્યવાહી કરવી ન જોઈએ. કાયદાનો ડર તો લોકોમાં હોવો જોઈએ, તંત્ર ઈ –ચલણની વાત કરે છે ,તો આ સિસ્ટમ તો ચાર રસ્તાઓ પર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ માટે છે, પરંતુ જે લોકો અન્ય રસ્તાઓ પર પણ નિયમોનો ભંગ કરે છે, તેમની સામે પગલ લેવા માટે કંઈ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે? બેંગાલુરૂ, નોઈડા, પુણે જેવા શહેરોમાં વાહનોને રોંગ સાઈડ પર જતા રોકવા માટે એક ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી છે, તો આ પ્રકારની વ્યવસ્થા ગુજરાતમાં કેમ જોવા મળતી નથી? ટ્રાફિક પોલીસે કડક વલણ અપનાવવુ પડશે, હવે સમય આવી ગયો છે કે કડકાઈ દાખવો, જો આ કડક વલણ દાખવશો નહીં તો ઈસ્કોન બ્રિજ પર થયેલા  અકસ્માત જેવા અકસ્માત થતા જ રહેશે. રાત્રિના  સમય ગાળામાં પોલીસનુ પેટ્રોલિંગ થવું જોઈએ, જે થતુ જ નથી. લોકો રોડ પર સ્ટંટ કરતા જોવા મળે છે, આ કેવા પ્રકારની સુચારુ ટ્રાફિક વ્યવસ્થા છે ? આપણે આપણા બાળકોન સલામતી માટે કડક વલણ દાખવીને આ કામ કરવાનુ છે. સુનાવણી દરમિયાન, એક સમયે તો હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને હાજર રહેવા માટે આદેશ કરેલો. જો કે સરકારી વકીલે કાયદાના કડક પાલનને લઈને કોર્ટને ખાતરી આપેલી, જેથી બંને કમિશનરને હાજર રહેવામાંથી રાહત આપેલી. હવે આ કેસની વધુ સુનાવણી નવ ઓગષ્ટે હાથ ધરાશે. હાઈકોર્ટે સરકારને  એ પણ ટકોર કરેલી કે, તેઓ પોતે જ કાર ચલાવે છે, એટલે તેઓ ટ્રાફિકના નિયમના અમલ અંગેની ખાતરી ખુદ જ જોશે.  

હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા એ પણ કહેલુ કે ઈસ્કોન બ્રિજ પર રહેલા લોકોના ટોળાને કાર ચાલકને જોયા નહીં અને તેમને કચડી નાખ્યા, ઈ-ચલણથી આ પ્રકારના અકસ્માતને ટાળી ન શકાય, આના માટે તો નક્કર પગલા અને આયોજનની જરૂર છે. પાર્કિગની જગ્યાનો ઉપયોગ અન્ય કામ માટે થઈ રહ્યો છે, ફૂટપાથ લોકો માટે બનાવાઈ છે અને તેના પર દબાણ કરવામા આવે છે, આ રીતે ફૂટપાથનો ઉપયોગ કરવાની મંજૂરી શા માટે આપવામાં આવે છે? ટ્રાફિક સરળતાથી ચાલતો રહે અને રાહદારીઓ રસ્તાઓ પર સલામત રીતે ચાલી શકે તે વ્યવસ્થાને જાળવવાની જવાબદારી તંત્રની છે, ફૂટપાથ પર થતા દબાણને અટકાવો અને પાર્ટીપ્લોટન, મોલ, સિનેમા પાસે પાર્કિંગની સુવિધા હોવી જોઈએ.

સુનાવણી દરમિયાન, સરકારની રજૂઆત હતી કે ઈસ્કોન બ્રિજ જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે કાર ચલાવનારની ઝડપ 140 કિલોમીટરની હતી. સામાન્ય રીતે આ બ્રિજ પર કાર ચલાવવાની ઝડપની લિમિટ સરેરાશ 40 થી 60 કિલોમીટરની છે. લોકોમાં એક નાગરિક તરીકે વર્તન કરવાની કોઈ ભાવના જ નથી. લોકોએ સમજવુ પડશે કે આ તેમનુ શહેર છે. ટ્રાફિકની સમસ્યાને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા એક માસ સુધી શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવશે. વાહન પાર્ક માટે પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. જો કે, લોકો તેનો ઉપયોગ જ કરતા નથી, પોલીસ દ્વારા ટ્રાફિકના સુચારુ સંચાલન માટે સવારે સાતથી રાતના નવ કલાક સુધી ફરજ નિભાવવામાં આવે છે. છેલ્લા પંદર વર્ષમાં અમદાવાદ ત્રણ ગણુ વધ્યું છે. સરકારની એ પણ રજૂઆત હતી કે ગુજરાત સ્ટેટ લિગલ સર્વિસિસ ઓથોરિટીએ આપેલા રિપોર્ટ મુજબ, સીજી રોડ, એસજી હાઈવે, જજીસ બંગલો રોડ અને નારણપુરાથી હાઈકોર્ટ તરફના રસ્તાઓ પર ટ્રાફિકના નિયમોનુ કડક રીતે પાલન કરાવાશે.