Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

વડોદરાની એક મિલ્કતનો અમદાવાદમાં નરોડાના નોટરી સમક્ષ કરાર કરી મોટી સ્ટેમ્પ ડયુટી ચોરી કરવાના કેસમાં સેશન્સ કોર્ટે એક આરોપીની જામીન અરજીમાં હુકમ કર્યો છે કે, આ સમગ્ર કેસમાં સ્ટેમ્પ ડયુટીની રિકવરી કરવાની થતી હોય તો તેની તપાસ કરી સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકનના નાયબ કલેકટરને રિકવરી કરવા તેમ જ આ અંગે કોઇ કાર્યવાહી કરી હોય અને ના કરી હોય તો તેનો 30 દિવસમાં રિપોર્ટ અદાલતમાં રજૂ કરવામાં આવે. કોર્ટે ઇન્કમટેક્સ વિભાગને પણ ૩૦ દિવસમાં જરૃરી રિપોર્ટ અદાલતમાં રજૂ કરવા હુકમ કર્યો છે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનુ પાલન ન કરનાર પીએસઆઈ સામે પગલા લેવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે.

કોર્ટનુ અવલોકન છે કે, આ કેસમાં કહેવાતા કરારના ચાર વર્ષ બાદ પોલીસે કાર્યવાહી કરી છે. પ્રથમ દર્શનીય રીતે જ આ કેસમાં ન્યાયિક પ્રક્રિયાનો દૂરપયોગ થયાનું જણાય છે. સંપૂર્ણપણે દિવાની તકરાર હોવાછતાં પોલીસે ગુનો દાખલ કરી માતબર રકમ રોકડમાં ચૂકવ્યાની તકરાર હોવા છતાં કાર્યવાહીમાં પોલીસે અરજદારની ધરપકડ કરી છે. આ  કેસમાં સાત વર્ષ સુધીની સજાના ગુનામાં સુપ્રીમકોર્ટના અર્નેશકુમારના કેસમાં જારી નિર્દેશો અને સિદ્ધાંતોનો  ભંગ થયો છે. આ એક સ્પષ્ટ  કેસ છે, જેમાં રૂ. 72 લાખની રકમ ફરિયાદીએ ટુકડે ટુકડે ચૂકવી છે. રૂ. 72 લાખનો વેચાણ કરાર વડોદરા જિલ્લાની મિલ્કતનો છે અને તેનો કરાર નરોડાના નોટરી રૂબરૂ કરાવ્યો છે. એટલું જ નહી, કહેવાતો કરાર માત્ર રૂ. 100ના નોમીનલ સ્ટેમ્પ પેપર પર કરાયો છે અને તે પણ નરોડાના નોટરી સમક્ષ થયો છે, જે યોગ્ય નથી અને કોર્ટ આ વસ્તુ નજરઅંદાજ કરીને બેસી રહે તે પણ યોગ્ય નથી. આથી સ્ટેમ્પ ડયુટી અધિકારી-ડેપ્યુટી કલેકટરને આ કામે આદેશ કરે છે કે,રૂ. 72 લાખ જેવી માતબર રકમના રોકડમાં વ્યવહારો થયાનો આ કેસ છે, જે કાયદા મુજબનો નથી અને અયોગ્ય ગણી શકાય તેવો વ્યવહાર છે, તેથી આ વ્યવહાર અંગે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરવી જરૂરી છે.