Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદનાં ઇતિહાસનો સૌથી મોટો ઇસ્કોન બ્રીજનાં અકસ્માતનો કિસ્સો જેણે સમગ્ર ગુજરાતની જનતાને બોધપાઠ આપ્યો છે. જેમાં નબીરા તથ્ય પટેલે મોડી રાતે ઇસ્કોન બ્રિજ પર 140 કરતા વધુ સ્પીડે કાર ચલાવી 9 લોકોને કચડી નાખ્યા હતા. જે બાદ સફાળે જાગેલી પોલીસે કોર્ટની ટકોર બાદ તથા ઉચ્ચ અધિકારીઓના આદેશ મુજબ રોજ રાતે અને સતત એક માસ સુધી ઓવર સ્પીડ, ડ્રીંક એન્ડ ડ્રાઇવ તેમજ રેસ અને સ્ટંટ કરતાં નબીરાઓને પકડવા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે. જેમાં સિંધુભવન એસજી હાઇવે એસપી રીંગ રોડ અને રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં સતત ત્રણ દિવસ ચાલેલી ડ્રાઇવમાં કુલ 192 યુવાનો પકડાયા હતા. જેમાં 16 દારૂ પીને વાહન ચલાવવા, 57 ઓવર સ્પીડમાં વાહન ચલાવવા,અને 119 સ્ટંટ અને રેસ કરતા નબીરાઓનો સમાવેશ થાય છે.

આ મામલે NGN ન્યુઝ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વાત કરવા પહોંચ્યું હતું. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે આ તમામ યુવાનો પર કલમ 279 મુજબ કાર્યવાહી કરી તેમના વાહનો ડીટેઇન કરવામાં આવ્યા છે. તેમજ આ ત્રણ દિવસમાં તમામ યુવાનો પર કેસ કરી તેમની ધરપકડ કરવામાં આવી છે.

ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ તથા ઓવર સ્પીડ કેસ કરવા માટે બીથ એનેલાઈઝર અને એરગનનો ઉપયોગ કરવામાં આવે છે. તથ્યકાંડ થયા પછી ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગને આ તમામ ટેકનોલોજીનો સખત રીતે ઉપયોગ કરવા જણાવ્યું છે. જ્યારે દારૂ પીને કાર બાઈક ચલાવતા નબીરાઓ સામે દારૂનો અલગથી ગુનો દાખલ કરવામાં આવે છે.

જો અમદાવાદની વાત કરીએ તો એસજી હાઇવે, સિંધુભવન રોડ, IIM રોડ, એસપી રીંગ રોડ, અને રિવરફ્રન્ટ હોટ ફેવરિટ માનવામાં આવે છે. જ્યાં નબીરાઓનું સૌથી વધુ ઉપદ્રવ જોવા મળે છે. જ્યાંથી પકડાયેલા તમામ નબીરાઓને RTOમાં દંડ કર્યા બાદ જ પોલીસ દ્વારા છોડવામાં આવે છે. જે મામલે આજે NGN ન્યુઝે SG હાઇવે પર ટ્રાફિક કંટ્રોલ કરતા તમામ પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને જાતે જઈને નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ મીઠાખળી છ રસ્તા પાસે આવેલ ટ્રાફિક શાખાનાં PI એમ આર સિંધવનો પણ આ મામલે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો.


તથ્ય કાંડ થયા બાદ AMC પણ એક્ટિવ જોવા મળી રહી છે. શહેરના તમામ વિસ્તારોમાં ગતિ મર્યાદાનાં પોસ્ટર પણ AMC દ્વારા લગાડવામાં આવ્યા છે. જે મામલે NGN ન્યુઝ AMCના ચેરમેન હિતેશ બારોટ સાથે વાત કરવા પહોંચ્યું હતું. પોલીસની સમગ્ર એક માસની ડ્રાઇવ બાબતે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સહયોગ બાબતે તેમણે અમોને જણાવ્યું હતું કે કે આ મામલે લોકોએ પણ સરકાર મહાનગરપાલિકા તથા પોલીસને મદદ કરવી જોઈએ. અને પોલીસ પણ આ ડ્રાઇવ માત્ર એક માસ માટે નહીં પરંતુ કાયમ કરશે. તેમજ આવા નબીરાઓ ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે જેથી આવનારા સમયમાં આવા કોઈ કેસ ન બને તેમજ આ મામલે માતા-પિતાઓએ પણ પોતાના બાળકને વાહન આપતા પહેલા એક વખત વિચારવું જોઈએ અને તેને તમામ આવી પ્રવૃત્તિઓથી માહિતગાર કરવું એ આપણી ફરજ છે. આ તથ્યકાંડ અકસ્માત આપણા સૌ લોકો માટે બોધપાઠ બન્યો છે.

આ પણ વાંચો : મણીપૂર હિસાને લઇને સમગ્ર આદિવાસી સમુદાયમાં આક્રોશ, આવેદન પાઠવાયું