Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગુજરાતમાં આવેલું અમદાવાદ એટલે સ્માર્ટ સિટી! સ્માર્ટ સિટીની હરોળ જો હોય તો કદાચ આપણા નેતાઓના મતે અમદાવાદ પ્રથમ સ્થાને આવે, પરંતુ શું ક્યારે આ સ્માર્ટ સિટીમાં ફરવા માટેના રસ્તાની હાલત કેવી છે તેના પર ધ્યાન આપ્યું હશે ખરા? નહીં જ આપ્યું હોય કારણ કે અમદાવાદમાં આવેલા ઘણા રસ્તાઓને જોતા એ વાત તો સ્પષ્ટ છે કે પ્રધાનમંત્રી માર્ગ પરિવહન યોજના અંતર્ગત જે પણ રોડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી તે માત્ર કાગળ ઉપર જ શરૂ કરાઈ હતી. કારણ કે એ યોજનાને શરૂ થયેલ વર્ષો તો વીતી જ ગયા છે, છતાં પણ રોડ રસ્તા બીસ્માર હાલતમાં જ જોવા મળી રહ્યા છે. ક્યાંક રસ્તા પર ભુવા પડેલા છે તો ક્યાંક રસ્તો જ પૂરો બનાવવામાં આવ્યો નથી અને ઘણી જગ્યાએ તો ડામરના રસ્તાના માત્રને માત્ર 200 મીટરનો પટ્ટો બનાવી અને બીજો રોડ એમ જ છોડી દેવામાં આવે છે. આ પાછળનું કારણ શું હોઈ શકે? શું તંત્રને પ્રધાનમંત્રી માર્ગ પરિવહન યોજના અંતર્ગત આટલો જ રોડ બનાવવાની પરવાનગી મળી હશે કે પછી જે કોન્ટ્રાક્ટરો છે તે કોન્ટ્રાક્ટરોના ખિસ્સા થોડા મોટા થઈ ગયા, છે જેના કારણે ગમે તેટલું ખાય પણ તેમના ખિસ્સા ક્યારેય ભરાતા નથી. 

એ જ લાલચના પગલે કદાચ આ કોન્ટ્રાક્ટરો રોડ રસ્તા બનાવવા માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે ગ્રાન્ટના પૈસા પોતાના ખિસ્સામાં નાખી દે છે અને જ્યારે આ અંગે સ્થાનિક કોર્પોરેટરોની સવાલ કરવામાં આવે છે ત્યારે સ્થાનિક કોર્પોરેટરો ઉડતી વાતો કરી રહ્યા છે. કોઈ કહે છે આ રોડ અમારી હદમાં આવતો નથી જેથી અમે આ રોડ અંગે કોઈ જ પગલાં લઈ શકતા નથી. ત્યારે બીજા કોર્પોરેટર ફોન કરવા પર કોઈ જ જવાબ આપવા તૈયાર નથી. આ બાદ એક બાબત તો સ્પષ્ટ છે કે સ્થાનિક કોર્પોરેટરો બધું જ જાણતા હોવા છતાં આખ ખાડા કાન કરીને બેઠા છે એટલે કે કદાચ આ ગ્રાન્ટમાંથી થોડો ઘણો હિસ્સો એમને પણ જતો હશે અને એટલા માટે જ આ કોર્પોરેટરો કોઈ જ પગલાં લેતા નથી. 

વિચારવા જેવી બાબત એ છે કે જો અમદાવાદમાં જ આવા રોડ રસ્તા આવેલા છે તો તંત્ર ગામે-ગામ જઈ શું કામ કરશે? તંત્રને તો માત્ર મોટી મોટી વાતો કરવી છે પરંતુ ક્યારેય ગ્રાઉન્ડ પર ઉતરી અને સાચી માહિતી મેળવવામાં કે પાકું કામ કરવામાં રસ દાખવતા નથી. અમદાવાદમાં નિકોલમાં આવેલ ફોર્ચ્યુન સર્કલથી ગંગોત્રી ક્રોસ રોડ સુધીનો રોડ આજની તારીખે પણ ખરાબ હાલતમાં છે. આ રોડ લગભગ ચાર વર્ષ પહેલાં પ્રધાનમંત્રી માર્ગ પરિવહન યોજના અંતર્ગત પાસ કરવામાં આવ્યો હતો, પરંતુ રોડનું સમારકામ કે પાકા રોડ બનાવવાની કામગીરી આજે પણ નથી કરાઈ રહી. આ રોડ પર એટલા મોટા ખાડા છે કે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ પર ઘણા કોચિંગ ક્લાસ અને સ્કૂલ આવેલી છે ત્યારે નાના બાળકો પણ આ જ રસ્તેથી અવરજવર કરી રહ્યા છે, ત્યારે જો આવનારા સમયમાં કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તેનો જવાબદાર કોણ હશે? કારણ કે તંત્ર ઉપરથી તો એવું જ લાગી રહ્યું છે કે તેઓ ચોક્કસથી કોઈ મોટા બનાવની રાહ જોઈને બેઠા છે.  

આ રોડ પર ચોમાસાના સમયે હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે. એક તો રોડ ઉપર ખાડા અને એમાં પણ જ્યારે ચોમાસાનું પાણી ભરાય છે ત્યારે લોકો આ રોડ પરથી અવરજવર કરવા માટે ડરતા હોય છે, કારણ કે તે તમામ લોકોનું કહેવું છે કે આ રોડ પર ચોમાસાના સમયે કમર ડૂબ પાણી ભરાઈ જાય છે અને એમાં વ્હીકલ લઇને જવું અથવા તો ચાલતા જવું પણ ખૂબ જ મુશ્કેલ છે કારણ કે આખા રોડ પર ક્યાંય સીધી સપાટી નથી. બધી જગ્યાએ ખાડા ખૈયા અને ઉબડ-ખાબડ રસ્તો છે, જેના કારણે વાહન ચાલકો અહીંથી અવરજવર કરવા પર ડરતા હોય છે લોકોનું કહેવું છે કે અહીંના કોર્પોરેટરોને અનેક વાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ જ કોર્પોરેટર આ રોડ પરથી અવરજવર ન કરતા હોવાના કારણે તેમના ધ્યાનમાં આ રોડ આવતો નથી જેથી કોઈ જ કામકાજ આ રોડનું હાથ ધરાયું નથી. હવે જોવાનું એ રહેશે કે એન.જી.એન ન્યુઝની ટીમ દ્વારા રૂબરૂ જઈ કોર્પોરેટરો પાસે આ વાતનો શું નિવેડો લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે?