Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ (Ahmedabad)ના પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુરમાં આવેલ વસ્ત્રાપુર લેક શહેરની શાન ગણાય છે. ત્યારે હવે આ લેક હાલ ગંદકીથી ઉભરાઈ ગયું હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે. આ લેકની આવી હાલત પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Amdavad Municipal Corporation) જવાબદાર છે. શહેરના લેકના બ્યુટિફિકેશન (Beautification) માટે તંત્ર દ્વારા કરોડો રુપિયા ખર્ચ કર્યા છે પરતું હાલ તમામ લેકની હાલત આવી જ જોવા મળી રહી છે. વસ્ત્રાપુર લેક (Vastrapur Lake)ની એક એન્ટ્રી પાસે નીચે તરફ જતા પગથિયાની જમીન બેસી ગઈ છે. આ સાથે ગાર્ડનમાં લગાવવામાં આવેલી રેલિંગ પણ પડી ગયેલી હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે ગાર્ડનમાં ઉંદરોએ દરેક જગ્યા પર દર કરી ગાર્ડનની હાલત ખરાબ કરી રહ્યા હોય તે નકારી શકાય તેમ નથી.

શહેરના વસ્ત્રાપુર લેકની હાલત સૌથી ખરાબ જોવા મળી રહી છે. તળાવના પાણી હાલ સુકાઈ ગયા છે અને તળાવમાં લીલ પણ જામી ગયેલી હાલતમાં જોવા મળી રહી છે જેના કારણે ભારે દુર્ગંધ મારી રહી છે જેથી પ્રવાસી અને ગાર્ડનમાં સવારે વોક કરવા આવતા લોકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. હાલ લેકની હાલત ખરાબ હોવાને કારણે ગેટ પર જ સાવધાનનું બોર્ડ લગાવી દેવામાં આવતા લોકોમાં ભય પણ જોવા મળી રહ્યો છે. લેકની દીવાલો તૂટી ગયા બાદ સમારકામ કરવામાં તંત્ર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી છે. લગભગ એક મહિનાથી આ ભાગની જમીન બેસી ગઈ છે પરતું તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવી રહ્યું નથી. જો કે, લેકનું કામ કરવાને બદલે ત્યા સાવધાનીના બોર્ડ મારી દેવામાં આવ્યા છે. 

લેકમાં ઉંદરો (Rat)ના કારણે જમીન પણ બેસી ગયાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જમીન પરના બ્લોક માટી સહિત લેકમાં ધસી જવા છતાં તેનું સમારકામ કરવામાં આવ્યું નથી. વર્ષ 2019માં પૂર્વ સીએમ વિજય રૂપાણી (Vijay Rupani)એ કરેલી જાહેરાત મુજબ વસ્ત્રાપુરમાં નર્મદાનું પાણી લાવી કાંકરિયા (Kankaria Lake)ની જેમ બોટિંગ (Boating) શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. બે વર્ષ વીત્યા બાદ લેકમાં ગંદા પાણીનો ભરાવો અને લેકમાં પાર્ક બોટ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે. તંત્ર હાલ ઘોર નિંદ્રામાં હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો યથાવત છે. 

સ્થાનિક કોર્પોરેટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ સાથે NGN ન્યુઝે (New Gujarati News) વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરતું કોઈએ પણ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી. આ ગાર્ડન વહેલી તકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિનોવેશન કરવામાં આવે તેવી હાલ લોકોની માંગ છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં આવેલા તમામ લેક પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરોડો રુપિયા ખર્ય કર્યા હતા. પરતું આ તમામ લેકની હાલત દિવસે દિવસે ખરાબ થઈ રહી હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે. કારણ કે તમામ લેકમાં હાલ લીલ જામી ગઈ છે અને ઠેર ઠેર કચરો પણ જોવા મળી રહ્યો છે જેના કારણે ભારે દુર્ગધ મારતી હોય છે જેથી લોકો હાલ લેકમાં બેસી સમય પસાર કરવાનું પણ ટાળી રહ્યા છે. નાના બાળકોને પરિવારજનો લેકમાં લઈ જવામાં હાલ ગભરાય છે કારણ કે લેકમાં મચ્છર અને ભારે દુર્ગંધ આવતી હોય છે જેના કારણે બાળક બીમાર ન પડે તેનો ડર રહે છે. પરતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ કોઈ પણ લેકને સ્વચ્છ રાખવામાં કોઈ રસ ન હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે. તાજેતરમાં જ કોર્પોરેશન દ્વારા તમામ લેકને રિપેર કરવા માટે ભારે દોડધામ પણ કરી હતી પરતું તે થોડાક દિવસો માટે હોય તે સાફ દેખાયું હતું. થોડા દિવસો પછી તમામ અધિકારીઓ શાંત બેસી ગયા હતા જેના કારણે હાલ તમામ લેક બદ્દતર હાલતમાં જોવા મળી રહ્યા છે.