Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

આ પ્રકારના ગુનાને હળવાશથી લઈ ન શકાય - કોર્ટ

સમાજમાં દરરોજ આ પ્રકારના ગુના બને છે, તેથી આવા કેસમાં નરમાશ દાખવી ન શકાય - સરકાર

અમદાવાદ: દાણીલીમડા લક્ષ્મીકુંજ સોસાયટી પાસેથી મહિલાના ગળામાંથી સોનાનો ચેઈન લૂંટનાર મોહમદવાકીફ ઉર્ફે બાબુ ઉર્ફે ચોર મોહમદ જાબીર શાને એડીશનલ સેશન્સ જજે ગુનેગાર ઠરાવીને દસ વર્ષ સખ્ત કેદની સજા અને રૂ.25 હજાર દંડ ફટકાર્યો છે. કોર્ટનુ અવલોકન છે કે, દોષિતે જાહેરમાં ફરિયાદીની સોનાની ચેન ખેંચીને ચોરી કર્યાનુ પુરવાર થયુ છે. હાલ સમાજમાં સ્ત્રીઓ સોનાના દાગીના પહેરીને ઘરની બહાર નીકળતા ભય અનુભવે છે. આવા ગુનાઓને હળવાશથી લઈ શકાય નહીં. સમાજમાં આવા પ્રકારના ગુનાઓનું ચલણ વધ્યુ છે અને દરરોજ આ પ્રકારના ગુનાઓ બની રહ્યા છે. આરોપી પ્રત્યે કોઈ રહેમ ન રાખતા કાયદામાં ઠરાવવામાં આવેલી પુરેપૂરી સજા તથા દંડ કરવામાં આવશે તો ન્યાયનો હેતુ બર આવશે.

કેસની વિગત જોઈએ તો,  દાણીલીમડા વિસ્તારમાં આવેલી લક્ષ્મીકુંજ સોસાયટીમાં રહેતા જશોદાબેન ગણપતભાઈ પરમાર 20-8-2019ના રોજ સવારે દૂધ લઈને ઘરે પરત જતા હતા ત્યારે આરોપી ગળામાંથી સોનાનો દોરો ખેંચીને નાસી ગયો હતો. આ કેસમાં ફરિયાદ બાદ, દાણીલીમડા પોલીસે મોહમદ વાકીફ ઉર્ફે બાબુ ઉર્ફે ચોર મોહમદજાબીર શા ની ધરપકડ કરીને પુરાવા એકઠા કરીને કોર્ટમાં ચાર્જશીટ મુકયુ હતુ. સુનાવણી દરમિયાન, સરકારી વકીલે 12 સાક્ષીઓ અને દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને રજૂઆત કરેલી કે, આરોપી રીઢો ગુનેગાર છે. સમાજમાં દરરોજ આ પ્રકારના ગુના વધી ગયા છે ત્યારે સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીને કડકમાં કડક સજા ફટકારવી જોઈએ.