Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

કોર્ટે આરોપી રીંકુ અને અજયને નિર્દોષ છોડ્યા

માર્ચ-2015માં જ્વેલર્સ પર ગોળીબારનો મામલો

સેશન્સ કોર્ટે ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીને 21 વર્ષ અને 3 માસની સજા ફટકારી 

આરોપીઓ સામે કેસ પુરવાર થાય છે - સરકાર

શહેરના આંબાવાડી વિસ્તારમાં માર્ચ-૨૦૧૫માં જાણીતા જવેલર્સ પર ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કરી રૃ.૫૦ લાખની ખંડણી માંગવાના ચકચારભર્યા કેસમાં કુખ્યાત ગેંગસ્ટર વિશાલ ગોસ્વામી(વિજય ઉર્ફે અરવિદં જૈન ઉર્ફે આકાશ શર્મા ઉર્ફે વિશાલ ઉર્ફે પ્રશાંત ગોસ્વામી)ને એડિશનલ સેશન્સ જજે જુદી જુદી કલમો હેઠળ કુલ ૨૧ વર્ષ અને ત્રણ મહિનાની આકરી સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો છે. ગુજરાતનો આ બીજો એવો કેસ છે કે જેમાં કોર્ટે અલગ અલગ કલમો હેઠળ આરોપીને સજા ફટકારી હોય અને તે તમામ સજા અલગ-અલગ ભોગવવા હુકમ કર્યો હોય. આ કેસમાં કોર્ટે રીંકુ ઉર્ફે રાજ ગોસ્વામી અને અજય ઉર્ફે આશુતોષ ગોસ્વામીને શંકાનો લાભ આપી છોડી મૂકયા હતા.

કેસની વિગત જોઈએ તો, શહેરના સી.જી.રોડ વિસ્તારમાં સી.એમ.ઝવેરી નામથી જવેલર્સનો શો-રૃમ ચલાવતાં ફરિયાદી મહેશભાઇ જગજીવનભાઇ રાણપરા પર આરોપી વિશાલ ગોસ્વામીના સાગરિતો અને આ કેસના આરોપીઓ દ્વારા અવારનવાર  ફોન કરી તેમની પાસેથી ખંડણી પેટે રૂ. .૫૦ લાખની માંગણી કરવામાં આવતી હતી. જો કે, મહેશભાઇએ આ માંગણી નકારી કાઢી હતી, જેને પગલે ગત તા.૧૧-૩-૨૦૧૫ના રોજ રાત્રે ૯-૧૫ વાગ્યાના સુમારે મહેશભાઇ પોતાના ઘરની આગળ સોસાયટીના રોડ પર ગાડી પાર્ક કરી ગાડીમાં મૂકેલ સુટકેસ લેવા જતા હતા ત્યારે આરોપી વિજય તથા ભાગેડુ આરોપી સૂરજ મણિનગર વિસ્તારમાંથી ચોરી કરેલ પલ્સર મોટરસાયકલ લઇ ત્યાં આવ્યા હતા અને તેમની પાસેની પરવાનગી વગરની પિસ્તોલ અને તમંચા પૈકી પિસ્તોલમાંથી ચાર રાઉન્ડ ફાયરીંગ મહેશભાઇ પર કર્યું હતું અને તેમની હત્યાનો પ્રયાસ કરી ત્યાંથી નાસી ગયા હતા. ત્યારબાદ આરોપી રીન્કુએ વિશાલ ગોસ્વામીના કહેવાથી ફરિયાદી મહેશભાઇને ફરીથી ફોન કર્યા હતા અને રૂ. ૫૦ લાખની ખંડણી માંગી ધમકી આપી હતી.

આ ગુનામાં રામખત્યાર ઉર્ફે પંપોલો ઉર્ફે રામનિવાસ ગોસ્વામી, સતનામ સરદારજી, વિશ્વંભર ગોસ્વામી પાસેથી ગુનામાં વપરાયેલ પિસ્તોલ અને તમંચો જપ્ત કરાયા હતા. સરકારી વકીલની રજૂઆત હતી કે, આ કેસમાં ફરિયાદી અને સાહેદોએ આરોપીઓને ઓળખી બતાવ્યા છે. આરોપીઓ ગુજરાત બહારના રહેવાસી છે અને તેઓની વિરૃધ્ધ અલગ અલગ જગ્યાએ જુદા જુદા પોલીસમથકોમાં લૂંટ, ધાડ, ખંડણી માંગવા સહિતના ૨૫થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. એફએસએલ રિપોર્ટમાં પણ ફાયરીંગની વાતને સમર્થન પ્રાપ્ત થાય છે અને ફરિયાદપક્ષનો કેસ નિશંકપણે પુરવાર થાય છે. આરોપીઓ અમદાવાદ સહિતના મોટા શહેરોમાં સોના-ચાંદીના વેપારીઓને ધમકી આપી ખંડણી માંગતા અને વસૂલતા હતા.આવા ગંભીર ગુનામાં આવા રીઢા આરોપીઓ પરત્વે કોર્ટે સહેજપણ દયા દાખવવી જોઇએ નહી અને તેઓને સખતમાં સખત સજા ફટકારવી જોઇએ.

આ પણ વાંચો : કેસ પડતર હોવાના લીધે, વ્યક્તિ ખોટી રીતે લાંબો સમય સુધી જેલમાં રહે તે યોગ્ય નથી - હાઈકોર્ટ