Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

શીલજમાં પૂર્વ મંત્રીનો બંગલો રિનોવેશનના નામે પચાવી પાડી રૂ. 35 લાખની ઉચાપતના કેસ સહિત ત્રણ અલગ-અલગ ગુનામાં મહાઠગ કિરણ ઉર્ફે બંસી જગદીશભાઇ પટેલ દ્વારા કરાયેલી ત્રણ જુદી જુદી જામીન અરજીઓને સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપીએ પોતે પીએમ ઓફિસના અધિકારી તરીકે બજાવે છે તેવી ઓળખ આપી ગુનાહિત કૃત્ય આચર્યુ છે ત્યારે ગુનાની ગંભીરતા ઘણી વધી જાય છે. આરોપી ગુનાહિત પ્રવૃત્તિ કરવાની ટેવવાળો છે અને તેથી ગુનાની ગંભીરતા જોતાં આરોપી કિરણ પટેલને જામીન આપી ન શકાય.

સુનાવણી દરમિયાન, મુખ્ય સરકારી વકીલની રજૂઆત હતી કે, આરોપી કિરણ પટેલે ફેબ્રુઆરી-2022થી ઓગસ્ટ-2022 દરમ્યાન પૂર્વ મંત્રી જગદીશભાઇ ચાવડાના શીલજમાં આવેલ નીલકંઠ બંગલો ઉંચી કિમંતે વેચાણ કરી આપવાનું વચન આપેલુ, આ પછી, અવારનવાર બેઠકો કરી પોતાની ઓળખ આરોપી કિરણ પટેલે પીએમ  ઓફિસમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હોવાની આપીને તેમનો વિશ્વાસ જીતેલો અને બંગલાનું રીનોવેશન કરાવવાથી અને ફેરફારો  કરાવાથી વધુ કિંમત મેળવી શકાશે તેમ કહીને ફરિયાદી પાસેથી રૂ. 35 લાખ પડાવેલા. આ જ પ્રકારે આરોપી કિરણ પટેલે થલતેજ વિસ્તારમાં ગાલા એટર્નીયા ટાવર ખાતે રહેતાં હાર્દિક કિશોરભાઇ ચંદારાણા સાથે પણ મોટી રકમની છેતરપીડીં આચરી હતી. જેમાં, 29-1-2023ના રોજ જી-20 સમીટના બેનર હેઠળ હયાત હોટલમાં ઇવેન્ટ રાખી રૂ. 1,91,514નો ખર્ચ ફરિયાદી પાસે કરાવ્યો હતો.  આ પછી કાશ્મીર ખાતેની મેડિકલ કોન્ફરન્સી ઇવેન્ટના આયોજન માટે ફરિયાદી પાસે શ્રીનગરની એરટિકિટ તથા લલિત હોટલમાં રૂમ બુક કરાવી રૂ.1,60,000 મળી કુલ રૂ. 3,51,514નો ખર્ચ કરાવી પરત કર્યા નથી. આ જ પ્રકારના ત્રીજા ગુનામાં, આરોપી મહાઠગ કિરણ પટેલે  બોપલમાં શાશ્વત એપાર્ટમેન્ટ ખાતે રહેતાં ઉપેન્દ્રસિંહ દિપસિંહ ચાવડાને પણ છેતરપીંડીનો ભોગ બનાવ્યા હતા. જેમાં, કિરણ પટેલે ફરિયાદીને નારોલ ખાતેની પોતાની વડીલોપાર્જિત મિલ્કત રૂ.80 લાખમાં વેચવાનું કહી નારોલની સીમમાં જુદા જુદા સર્વે નંબરની જગ્યા બતાવીને ફરિયાદી પાસેથી રૂ.80 લાખ લઇ લીધા બાદ પણ આરોપી કિરણ પટેલે આજદિન સુધી જમીનના દસ્તાવેજ કે ટાઇટલ કલીયરની પ્રક્રિયા પૂર્ણ કરી આપી નથી. આરોપીએ પીએમઓ કાર્યાલયના ઉચ્ચ અધિકારી તરીકેની ખોટી ઓળખાણ આપી લોકોની સાથે વિશ્વાસઘાત કરી લાખો રૂપિયાની ઠગાઇનો ભોગ બનાવ્યા છે. આવા ગંભીર અને સંવેદનશીલ ગુનાઓમાં જો આરોપીને જામીન અપાય તો કેસના સાક્ષીઓ અને પુરાવા સાથે ચેડાં થાય તેમ છે.