Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી સ્કીમના રૂ. 80 લાખની કિંમતના ફલેટનો દસ્તાવેજ કરાવવામાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ સ્ટેમ્પ રજૂ કરવાના કેસમાં આરોપી સ્ટેમ્પ વેન્ડર હસમુખ લાલજીભાઇ પટેલની આગોતરા જામીન અરજી અત્રેની સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. જયારે આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપી બિલ્ડર સંજય પ્રવીણભાઇ ખેનીને કોર્ટે શરતી જામીન આપ્યા હતા.

એડિશનલ સેશન્સ જજ મનોજ બી. કોટકે પોતાના ચુકાદામાં મહત્ત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં નિકોલની સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂ. 3.92 લાખનો સ્ટેમ્પ રજૂ કરવામાં આવ્યો હતો, જેની સામે માત્ર  રૂ. 300 ક્રેડિટ થયા હતા. તપાસમાં સ્પષ્ટ થયુ છે કે, રૂ. 80 લાખના ફલેટના અવેજ અંગેના વેચાણ દસ્તાવેજ માટે રૂ. 3.92 લાખનો સ્ટેમ્પ રજૂ કરવાને બદલે માત્ર રૂ. 300 ભરી સ્ટેમ્પ જનરેટ કરાયો છે. આ અંગે ખુદ કચેરીના સબ રજિસ્ટ્રાર દ્વારા કૃષ્ણનગર પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. હજુ આ ગંભીર ગુનાની તપાસ ચાલુ છે. હાલના અરજદાર પોતે સ્ટેમ્પ વેન્ડર છે અને ઇ સ્ટેમ્પનું કામકાજ કરે છે. તેઓ ઇ-સ્ટેમ્પીંગનું અધિકૃત લાયસન્સ પણ ધરાવે છે. તેમ છતાં રૂ. 3.92 લાખનો સ્ટેમ્પ ખોટી રીતે બનાવી અથવા જનરેટ કરવામાં આવેલ છે. આમ, બોગસ ઇ-સ્ટેમ્પ બનાવવાનો ગંભીર આક્ષેપ અરજદાર વિરૂધ્ધ છે. સમગ્ર કેસની હકીકત ધ્યાને લેતાં ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો જણાય છે. આ પ્રકારે વધુ ખોટા સ્ટેમ્પ જનરેટ કરી દસ્તાવેજ કરવામાં આવ્યા હોવાની શકયતા પણ નકારી શકાય તેમ નથી. આ કેસ ખૂબ મોટી માત્રામાં સરકારી નાણાંની ઉચાપત ખોટા બનાવટી ઇ સ્મ્પીંગ રજૂ કરી કરવામાં આવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે, ત્યારે આવા ગંભીર ગુનામાં 14 વર્ષ સુધીની સજાની જોગવાઇ છે અને રાજય સરકારની તિજોરીને બોગસ સ્ટેમ્પ રજૂ કરીને નુકસાન કરવાનો આરોપ છે ત્યારે આરોપી હસમુખ લાલજીભાઇ પટેલની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવે છે. 

આ જ કેસમાં સંડોવાયેલા આરોપી બિલ્ડર સંજય પ્રવીણભાઇ ખેની તરફથ કોર્ટનું ધ્યાન દોરયું કે, પ્રસ્તુત કેસમાં અરજદારની કોઇ જવાબદારી કે ભૂમિકા આવતી નથી. કારણ કે, અરજદાર તો દસ્તાવેજ કરી આપનાર છે. અરજદાર પોતે એક બિલ્ડર છે અને વર્ષે એક કરોડ ઉપરાંતનો ટેક્સ ભરે છે. બોગસ ઇ સ્ટેમ્પ જનરેટ થયો તેમાં તેમનો કોઇ વાંક નથી. આ દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે અરજદાર બિલ્ડરના શરતી જામીન મંજૂર કર્યા હતા.