Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અરજદારને જામીન મળે તો કેસની તપાસને અસર થઈ શકે – કોર્ટ

ભૂતકાળમાં મેટ્રો કોર્ટે આ કેસમાં પોલીસના સમરી રિપોર્ટને ફગાવેલ અને અરજદાર ડીવાયએસપી સામે બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યુ કરેલુ

Gujarat: કરાઇમાં ફરજ બજાવતાં ડીવાયએસપી એન.પી.પટેલના ત્રાસથી સોલામાં પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાતના કેસમાં ડીવાયએસપીએ કરેલી આગોતરા જામીન અરજી સિટી-સિવિલ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. સેશન્સ કોર્ટનુ અવલોકન છે કે, મૃતક પીએસઆઇએ પોતાના મૃત્યુ માટે અરજદાર ઉચ્ચ પોલીસ અધિકારીને જવાબદાર ઠરાવેલા છે. આ બાબતને ધ્યાને લેતાં પ્રથમ દ્રષ્ટિએ મરણ જનારના મૃત્યુના કારણમાં હાલના આરોપી અરજદાર સંકળાયેલ નથી તેમ માની શકાય તેમ નથી. ચોક્કસ રેકર્ડ પરથી માની શકાય છે કે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હાલના અરજદાર મરણજનારના મૃત્યુ માટે સંકળાયેલા કે જવાબદાર છે. અરજદાર ડીવાયએસપી છે અને ગુનાની તપાસ પણ તેમના સમકક્ષ અધિકારીએ કરી છે. પોલીસે રિપોર્ટમાં કહ્યું છે કે, ગુનો બનતો નથી. આ બાબત નિર્દેશ આપે છે કે, તપાસ કઇ દિશામાં થઇ છે. મેટ્રો કોર્ટે આ  સમરી રિપોર્ટ નામંજૂર કર્યો છે અને આરોપી સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાનો કેસ માન્યો છે. આરોપી પોતે ખાસ પદ અને હોદ્દો ધરાવતા વ્યકિત હોઇ તેમની સમાજમાં સ્વતંત્ર હાજરી ખાસ કિસ્સામાં કેસને પ્રભાવિત કરી શકે છે, તેથી ન્યાયના હિતમાં આરોપી ડીવાયએસપીની આગોતરા જામીન અરજી ફગાવાય છે.

કેસની વિગત જોઈએ તો, શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આર.સી.ટેકનીકલ રોડ પર રાજયોગ રોહાઉસમાં રહેતા પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડે 30-12-2018ના રોજ પોતાના ઘરમાં ગળાના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. દેવેન્દ્રસિંહની સુસાઈડ નોટમાં લખેલુ કે, કરાઇ ટ્રેનીંગ સેન્ટરના ડીવાયએસપી એન.પી.પટેલે તેને ભયંકર ત્રાસ આપેલો છે. જેથી, તેણે આ પગલુ ભર્યુ છે. બીજી તરફ, મૃતક પીએસઆઇની પત્નીએ ખુલાસો કર્યો હતો કે, ડીવાયએસપી એન.પી.પટેલ મારા પતિને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવા માટે ભારે દબાણ કરતા હતા અને ત્રાસ આપતાં હતા. તેમના પતિએ આ માગને ન સ્વીકારતા ડીવાયએસપીએ તેમને અસહ્ય માનસિક ત્રાસ આપેલો. જેના લીધે, તેમણે આત્મહત્યા કરી લીધી હતી. પરિવારની ઉગ્ર રજૂઆત બાદ, આ કેસમાં 03-01-2019ના રોજ ડીવાયએસપી એન.પી.પટેલ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણ અને સૃષ્ટિ વિરૃધ્ધના કૃત્યનો ગંભીર ગુનો દાખલ કરતી એફઆઇઆર નોંધાઇ હતી. આ કેસમાં ક્રાઈમ બ્રાંચે તેની તપાસના અંતે સમરી રિપોર્ટ મેટ્રો કોર્ટમાં રજૂ કરેલો. જો કે, મેટ્રો કોર્ટે આ રિપોર્ટને ફગાવી દીધો હતો અને ડીવાયએસપી સામે બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરેલો. જેથી, પોતાની ધરપકડને ટાળવા માટે ડીવાયએસપી પટેલે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.