Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ શહેરની જુદી જુદી 27 જેટલી શાળાઓને ટાર્ગેટ કરી આરટીઆઇ હેઠળ અરજીઓ કરી બદનામ કરવાની ધમકી આપી ખોટી રીતે એડમીશન માટે દબાણ કરી અને એડમીશન ના થાય તો લાખો રૂપિયાની તોડબાજી કરવાના  કેસમાં સંડોવાયેલા વાલીમંડળના કથિત પ્રમુખ આશિષ અરવિંદભાઇ કણજરીયાની જામીન અરજીને સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટનુ અવલોકન છે કે, શૈક્ષણિક સંસ્થાઓને બ્લેકમેલ કરી મોટી રકમનો તોડ કરવાનું ગુનાહિત કૃત્ય સમાજ વિરોધી છે અને તેનાથી સમાજના મોટા વર્ગને અસર થાય તેવું આ ગંભીર કૃત્ય છે.

કોર્ટે એ પણ નોંધ્યું છે કે, અરજદાર વિરૂદ્ધ જુદી જુદી સ્કૂલો અને શિક્ષણ સંસ્થાઓ પાસેથી  પૈસા પડાવવા અંગેની ચાર અલગ અલગ ફરિયાદો જુદા જુદા પોલીસમથકમાં નોંધાયેલી છે. અરજદારે વિવિધ સ્કૂલોને ટાર્ગેટ કરી તેમની વિરૂધ્ધ આરટીઆઇ વગેરેનો દૂરપયોગ કરી ભૂતકાળમાં મોટી રકમો મેળવી હોવા અંગેના ગુના તેની સામે નોંધાયા છે. અરજદાર આરટીઆઇ તથા અન્ય કાયદાનો દૂરપયોગ કરી રજિસ્ટર્ડ સંસ્થાને બ્લેકમેલ કરી નાણાં કઢાવનાર વ્યક્તિ છે અને તેને જામીન કરવાથી નિશંકપણે કેસનો ટ્રાયલ પ્રભાવિત થઇ શકે છે અને તે સાહેદો પર પણ દબાણ લાવી શકે. જો આરોપીને જામીન અપાય તો તે આ જ પ્રકારનો ગુનો ફરી આચરે તેવી પણ પૂરી શકયતા છે. આ સંજોગોમાં આરોપી વિરૂદ્ધના ગુનાની ગંભીરતા જોતાં આરોપીને જામીન પર મુકત કરી ન શકાય.

સુનાવણી દરમિયાન, અધિક સરકારી વકીલની રજૂઆત હતી કે, આરોપી જુદી જુદી સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓને ટાર્ગેટ કરી તેઓને એડમીશન માટે દબાણ કરતો હતો અને જો એડમીશન ના આપે તો આરટીઆઇ હેઠળ અરજીઓ કરી વિવિધ માહિતી મેળવી સ્કૂલો અને સંસ્થાઓની ઇમેજને બદનામ કરી દેવાની ધમકીઓ આપતો હતો અને આમ કરી એડમીશન નહી મળતાં થયેલા નુકસાન પેટે લાખો રૃપિયાનો તોડ કરતો હતો. આરોપીએ અત્યારસુધીમાં આવી ૨૭ જેટલી સ્કૂલો અને સંસ્થાઓ પાસેથી નાણાંની માંગણી કરી છે અને તોડબાજી કરી છે તે અંગેની તપાસ પણ ચાલુ છે. અરજદાર ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને જો તેને જામીન અપાય તો તે જેલમાંથી બહાર આવીને ફરીથી આ જ પ્રકારના ગંભીર ગુનાઓ આચરશે. જેના કારણે સમાજમાં અવળો સંદેશો જશે. વળી, આરોપી કેસના સાક્ષીઓ અને પુરાવાઓ સાથે પણ ચેડાં કરે તેવી પૂરી દહેશત છે.