Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- હાઈકોર્ટે એએમસીની ઝાટકણી કાઢી, પ્રશ્નના ઉકેલ માટે નક્કર પગલા લો

- એએમસીના જવાબથી હાઈકોર્ટ અસંતુષ્ટ

- તંત્ર પગલા લે, નહીંતર અમે કડક આદેશ કરીશું - હાઈકોર્ટ

અમદાવાદ: ઔદ્યોગિક એકમો દ્વારા સાબરમતી નદીને પ્રદુષિત કરવા મુદ્દે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી સુઓમોટો જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જીપીસીબીની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે ટકોર કરી છે કે, તંત્ર દ્વારા આ મુદ્દે સંતાકુકડી રમવાનુ બંધ કરવામાં આવે. જો, તંત્ર આ પ્રકારનુ વલણ દાખવશે તો તેઓ કડક આદેશ કરશે, જે હાઈકોર્ટ ઈચ્છતુ નથી. હાઈકોર્ટે એ પણ આદેશ કર્યો છે કે, એએમસી અને જીપીસીબીની એક ટીમની રચના કરવામાં આવે, જે સાબરમતી નદીને પ્રદુષણ મુક્ત કરવા માટે કામ કરે.   

સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે એએમસી, જીપીસીબી અને અન્ય ઓથોરિટીને કડક પગલા લેવા આદેશ કરેલા છે. જેના પછી, એએમસીએ હાઈકોર્ટમાં તેનો એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરેલો. જો કે, તેનાથી હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કરેલો અને  અધિકારીઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા કહેલુ કે, તમારી જાતને બચાવવા માટે આ પ્રકારનો બચાવ કરવાનો કોઈ મતલબ નથી, તંત્ર સારી રીતે જાણે જ છે કે, કંઈ પણ યોગ્ય નથી. તંત્ર તેની જાતે જ કડક પગલા લે. હાઈકોર્ટ ઈચ્છતી નથી કે કોઈપણ પ્રકારના કડક પગલા લેવા માટે આદેશ કરવો પડે. હાઈકોર્ટને આવા કડક આદેશ કરવા પડે તેવી સ્થિતિ સર્જો નહીં.  તંત્ર દ્વારા જ કોઈ નક્કર પગલા લેવામાં આવે, નહીંતર પછી હાઈકોર્ટે પગલા લેવા પડશે.  

સાબરમતી નદીમાં ફેલાવવામાં આવતા પ્રદુષણને રોકવા માટે હાઈકોર્ટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરેલી. જેણે સમયાંતરે તેનો રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરેલો છે અને તંત્રને પગલા લેવા માટે ધ્યાન દોરેલુ છે. જો કે, નદીમાં પ્રદુષણનો પ્રશ્ન હજુ પણ યથાવત છે અને તંત્રએ કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. હાઈકોર્ટે એએમસીને આદેશ કર્યો છે કે, ભૂગર્ભમાં રહેલી પાઈપલાઈન કે જે સ્ટોર્મ વોટર લાઈન સાથે જોડાયેલી છે અને તેના દ્વારા પ્રદુષિત પાણીને સીધા નદીમાં છોડવામાં આવે છે, તે ભૂગર્ભ પાઈપલાઈનને કાપી નાખવામાં આવે, આ જાહેરહિતની અરજી લોકોના હિતાર્થે કરાયેલી છે. આ મુદ્દે કોઈ નિષ્કર્ષ આવવો જરૂરી છે. એએમસી, જીપીસીબી અને અન્ય ઓથોરિટીના અધિકારીઓ સંતાકુકડી રમવાનુ બંધ કરે. આ લાંબો સમય ચાલશે નહીં. તંત્ર એવુ કહી ન શકે કે આ કાર્ય શક્ય નથી. એએમસી અને જીપીસીબી એક ટીમની રચના કરે અને નદીમાં પ્રદુષણ ફેલાવનારા  સામે પગલા લેવામાં આવે. આ પ્રશ્નનો ઉકેલ જોઈએ છે, તે કેવી રીતે પ્રાપ્ત થશે, તે અંગે હાઈકોર્ટને માહિતી જોઈએ છે.

સુનાવણી દરમિયાન, કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા રાહત મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવેલી. તેમની રજૂઆત હતી કે પ્રદુષણ ઘટાડવા માટે તેમણે પગલા લીધેલા છે. જો કે, હાઈકોર્ટે તેમને કોઈપણ પ્રકારની રાહત આપવાની ના પાડી દીધી હતી.