Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ શહેરના પૂર્વમાં આવેલા નરોડા વિધાનસભાના કુબેરનગરમાં છેલ્લા બે થી પાંચ તથા તેનાથી વધુ સમયથી મેઘાણીનગર ત્રિકમલાલ વકીલની ચાલીનાં લોકો ગટરનું મિક્સ પાણી પીવા મજબૂર બન્યા છે. કુબેરનગરમાં આવેલી મહાનગરપાલિકાની ઝોનલ ઓફિસ ઝવેરચંદ મેઘાણી ભવન ખાતે છેલ્લા બે વર્ષથી લેખિત તથા મૌખિક ત્યાંના સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે. છતાં વોટર વિભાગ દ્વારા આજે થઈ જશે કાલે થઈ જશે તેવા સતત વાયદાઓ આપવામાં આવી રહ્યા છે. પરંતુ હજુ ગંદા પાણીની સમસ્યા યથાવત છે.

મેઘાણીનગર ત્રિકમલાલ વકીલની ચાલીના રહીશો સતત ગંદુ પાણી પીને બીમાર પડી રહ્યા છે. જેનું સર્વે આજે NGN ન્યુઝે જઈને કર્યું હતું. તેમજ આ પ્રદૂષિત પાણી પીવાથી લઈને સ્થાનિકોને પડતી હાલાકી તેમજ બીમારી વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોએ અમારી સાથે વાત કરતા વેદના તથા આક્રોશ ઠાલવ્યો હતો. તેમજ ત્યાં પાણી માત્ર સવારે જ આવતું હોવાથી ગંદા પાણીની ડોલ તથા વાસણો ભરીને રાખ્યા હતા. જેને અમે NGN ન્યુઝમાં કેપ્ચર પણ કર્યા હતા. તેમજ તેમણે જણાવ્યું હતું કે આજે અમારા બાળકો નહીં પરંતુ વડીલો પણ ઘરમાં બીમાર હાલતમાં પડ્યા છે. અમે મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી નહીં પરંતુ ઝેર પી રહ્યા છીએ. જોકે કુબેરનગરના કોર્પોરેટરો પણ અધિકારીઓને વારંવાર રજૂઆત કરતા આવ્યા છે. જેમાં કુબેરનગરનાં સ્થાનિક કોર્પોરેટર નિકુલસિંહે આ બાબતે માહિતી આપતા કહ્યું હતું કે મેં ત્રણ થી દસ લાખ સુધીની ગ્રાન્ટ પાસ કરીને કુબેરનગરના મહાનગરપાલિકાની ઝોન ઓફિસ એટલે કે ઝવેરચંદ મેઘાણી ભવનનાં વોટર વિભાગને આપી દીધી છે. આ મામલે આસિસ્ટન્ટ સીટી એન્જિનિયર જીતેન્દ્ર પંચાલ સાથે પણ મેં ઘણીવાર વાતચીત કરી છે. છતાં ક્યાંકને ક્યાંક કામ અટકાવવામાં આવી રહ્યું છે. આ કામ અટકાવવાના મુખ્ય કારણો ઘણા હોઈ શકે જેમ કે તેમનું કોન્ટ્રાક્ટર સાથે સેટિંગ ન બેસતું હોય, અથવા ક્યાંક લાભ શોધવાની કોશિશ કરી રહ્યા હોય જેના કારણે હજુ સુધી મારી આ ગ્રાન્ટનો ઉપયોગ થયો નથી અને મારા જ વિસ્તારના સ્થાનિકો આ પ્રકારનું ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે તમામ મહાનગરપાલિકાના અધિકારીઓને બાબુગરી કરવાની આદત પડી ગઈ છે. જો આવું હશે તો અમે પણ કોર્પોરેટર તરીકે એમને જવાબ આપશું. તેમજ તેઓએ સ્થાનિકોને આશ્વાસન આપતા કહ્યું હતું કે જો હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ કામ નહીં કરે તો મહાનગરપાલિકા માટે આવનારા દિવસોમાં સારું નહીં રહે. કારણ કે અધિકારીઓ અને નેતાઓના સેટિંગમાં સામાન્ય માણસોના આરોગ્ય સાથે ખીલવાડ થઈ રહ્યો છે. જે અમે હવે નહીં ચલાવી લઈએ.


તેમજ આ સમગ્ર મામલે NGN ન્યુઝે કુબેરનગરમાં આવેલા ઝવેરચંદ મેઘાણી ભવનનાં વોટર વિભાગના મુખ્ય અધિકારી જીતેન્દ્ર પંચાલ સાથે વાત કરવાની કોશિશ કરી હતી. જેમાં તેમણે આશ્વાસન આપતા કહ્યું હતું કે લો પ્રેશરથી પાણી છોડવાના કારણે આ સમસ્યા ઉદભવી રહી છે. તેમજ ત્યાંની પાઇપો ઘણા સમયથી જૂની અને ખરાબ થઈ ગઈ છે. જેના કારણે ગંદુ પાણી આવી રહ્યું છે પરંતુ હવે અમે લોકો તમામ નવી પાઇપો નાખી દઈશું અને આ સમસ્યાને એક જ અઠવાડિયામાં પૂર્ણ કરી દઈશું. તેમજ આ મામલે સ્થાનિકો જણાવ્યું હતું કે છેલ્લા 45 વર્ષથી ત્રિકમલાલ વકીલની ચાલીની પાણીની પાઇપલાઇનનો બદલવામાં આવી નથી. જેના કારણે તે પાઇપલાઇનો ખૂબ જ નીચે ધસી જઈ ગટરની લાઈનો સાથે જોડાઈ ગઈ છે. અને ક્યાંક ગટરનું અને પીવાનું પાણી મિક્સ થઈ રહ્યું છે.

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહી કૌભાંડ મામલે NSUI આંકરા પાણીએ, ભીનુ સંકેલવાનો પ્રયાસ?