Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

દિવાળી નવા વર્ષના તહેવારો પુરા થતા એકશનમાં આવેલા વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમે આજે વોર્ડ નંબર 11માં જૂના પાદરા રોડથી રાજવી ટાવર સુધીના રોડ રસ્તાની બંને બાજુ પર થયેલા હંગામી કાચા પાકા દબાણો સહિત ખાણી પીણી અને ફ્રુટવાળાઓના પથારા સહિત શેડ તોડીને કેટલોક માલ સામાન તથા લારીઓ મળીને બે ટ્રક જેટલો માલસામાન કબજે કર્યો હતો. જો કે પોલીસ બંદોબસ્ત હોવાના કારણે ખાસ કોઈ દબાણ કરનારાઓએ દબાણ શાખાની ટીમની કાર્યવાહીનો ખાસ કોઈ વિરોધ કર્યો ન હતો. છતાં પણ કેટલીક જગ્યાએ ઘર્ષણ થતાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે નવા વર્ષના પ્રારંભથી જ પાલિકા તંત્રની દબાણ શાખા એક્શનમાં આવી છે પણ શહેરમાં લહેરીપુરા-ન્યાય મંદિર સહિત આંતરીક અને જાહેર રોડ પર ગેરકાયદે લારી ગલ્લા પથારાના દબાણો કરનારા ખુલ્લેઆમ વેપાર ધંધો કરી રહ્યા છે જેમાં રાજકારણ અને હપ્તાખોરીને આક્ષેપ કાયમી ધોરણે થઈ રહ્યો છે. માથાના દુખાવા સમાન આવા દબાણોનો કાયમી ધોરણે નિકાલ થવાનો કોઈ ઉકેલ પણ નથી.

આજે પાલિકાની દબાણ શાખાની ટીમ જેસીબી મશીન સાથે રાખીને પોલીસ બંદોબસ્ત સાથે મળીને જુના પાદરા રોડથી રાજવી ટાવર સુધીના રોડ રસ્તાની બંને બાજુના ખાણીપીણી અને ફ્રુટની લારીઓ સહિત ગલ્લા પથારા શેડ બાંધીને વેપાર ધંધો કરનારા પર ત્રાટકી હતી.

જાહેર રોડ રસ્તા સહિત ફૂટપાથ અને આંતરિક રસ્તાઓ પરથી દબાણ શાખાની ટીમે દબાણો હટાવતા સમયે કેટલીક જગ્યાએ પથારાવાળા અને દબાણ શાખાની ટીમના કર્મચારીઓ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા સમગ્ર કામગીરી દરમિયાન કોર્પોરેશનને બે ટ્રક ભરીને માલ જપ્ત કર્યો હતો જ્યારે પચાસથી પણ વધુ કાચા પાકા અને હંગામી દબાણો હટાવ્યા હતા.

આ પણ વાંચો: વડોદરામાં પાસપોર્ટ ઓફિસની ઘોર બેદરકારી, મહિલાને મોરબીના પુરુષનો પાસપોર્ટ મળ્યો