Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- કોર્ટે દોષિતને રૂ. એક લાખનો દંડ ફટકાર્યો

- આવા કેસમાં આરોપીને સખત સજા કરવી જરૂરી, જેથી સમાજમાં દાખલો બેસે - સરકાર

અમદાવાદના રામોલ વિસ્તારમાંથી 14 વર્ષની સગીરાને ભગાડીને ચાંદલોડિયા બ્રીજ નીચે લઇ જઇ તેની સાથે દુષ્કર્મ ગુજારવાના કેસમાં પોકસો કોર્ટે આરોપી રામુસીંગ ઉર્ફે ભુરો રાજેન્દ્રસિંહ પરીહારને ગુનેગાર ઠરાવીને વીસ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે. કોર્ટે દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાને રૂ. એક લાખનું વળતર આપવાનો હુકમ કર્યો છે. 

પોક્સો કોર્ટનુ અવલોકન છે કે, આ ખૂબ ગંભીર પ્રકારનો કેસ છે, ફરિયાદપક્ષનો સમગ્ર કેસ નિશંકપણે પુરવાર થાય છે. આરોપીને સાક્ષીઓએ ઓળખી બતાવ્યો છે, ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને સખતમાં સખત સજા કરવી ન્યાયોચિત લેખાશે.

સુનાવણી દરમિયાન, સરકારી વકીલે 10 જેટલા સાક્ષીઓ અને 19 દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં રજૂ કરેલા. સરકારની રજૂઆત હતી કે, શહેરના રામોલ વિસ્તારમાં રહેતો 20 વર્ષીય રામુસિંહ ઉર્ફે ભુરો રાજેન્દ્રસિંહ પરીહાર તેના જ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાને ૫ ઓગષ્ટ ૨૦૨૧ના રોજ અપહરણ કરી ચાંદલોડિયા બ્રીજ નીચે લઇ ગયો હતો. જેણે સગીરા સાથે દુષ્કર્મ આચરેલુ છે. ત્યારબાદ આરોપીએ સગીરાના પિતાને વોટ્સ અપ કોલ કરી ધમકી આપી હતી કે, તારી છોકરીને મારી સાથે પરણાવી દે નહી, તો ફરીથી ભગાડી જઇશ. આ બનાવ અંગે ફરિયાદીના પિતાએ રામોલ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. સરકારની એ પણ રજૂઆત હતી કે, સમાજમાં નાની બાળકીઓ અને સગીરાઓના અપહરણ અને તેમની પર દુષ્કર્મની ગંભીર ઘટનાઓ વધી રહી છે. આ કેસમાં આરોપીને ફરિયાદી સહિત સાક્ષીઓએ ઓળખી બતાવ્યો છે અને તેની વિરૃધ્ધના પુરાવાઓ જોતાં ફરિયાદપક્ષનો કેસ પુરવાર થાય છે. સમાજમાં આવા ગુનેગારોમાં કાયદાનો ભય રહે તે પ્રકારે કોર્ટે આરોપીને સખતમાં સખત સજા ફટકારવી જોઇએ.