Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રાજકોટ-અમદાવાદ હાઈ-વેનાં ફોર લેનમાંથી સિક્સ લેનમાં રૂપાંતરણનો પ્રોજેક્ટ જાણે કદી પૂરો જ ન થવાનો હોય એમ લંબાતો જ ચાલ્યો છે. ઓક્ટોબર-2023માં સમગ્ર પ્રોજેક્ટ પાર પડી જવાનો દાવો ગત જુલાઈના અંતે કરાતો હતો પણ વધુ ચાર મહિના વિત્યા પછી હવે ડિસેમ્બરની સ્થિતિ જોતાં પણ હજુ કમ સે કમ 10% જેટલું કામ બાકી જ છે. નિયત ડેડલાઈન પછીના વધારાના 46 મહિના વિતી ગયા તે દરમિયાન પેસેન્જર બસો મોડી પડવાને લીધે એકલાં ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનને જ રૂ 21 કરોડથી વધુનું નુકસાન થવા પામ્યું છે અને પોતાનાં જ આ નિગમને હજુ પણ રોજેરોજ નાણાંકીય ફટકો પડી રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર સિક્સલેન પ્રોજેક્ટ પૂરો કરાવી શકતી નથી.

એસ.ટી. નિગમના સૂત્રોએ જણાવ્યું કે રાજકોટથી ગીતામંદિર-અમદાવાદ પહોંચવાનો એસ.ટી. બસનો સમય આમ તો 4 કલાક 20 મિનિટનો નિર્ધારિત કરાયો છે અને લેન કન્વર્ઝન શરુ થયું એ પહેલાં બસોનું આવાગમન ઘણુંખરું એ સમય મુજબ જ ચાલતું પણ હતું પરંતુ લેન કન્વર્ઝન પ્રોજેક્ટને લીધે રાજકોટથી ઈસ્કોન સર્કલ પહોંચતાં જ બસોને પાંચથી સવા પાંચ કલાક લાગી જાય છે. અડધો-પોણો કલાક મોડું થવા વિશે સત્તાવાર છૂટ જાન્યુઆરી-2018 આસપાસ જ અપાઈ હતી પરંતુ આ સ્થિતિ ત્યારથી લઈને હજુ આજ સુધી યથાવત્ત રહી છે. રાજકોટ અથવા ઊપરથી આવતી અને અમદાવાદ અથવા ત્યાંથી આગળ જતી એસ.ટી. બસોની સંખ્યા જ રોજીંદી 350 જેટલી છે, જેને વધારાના એક-એક કલાક લાગે તેનાથી પાંચ-પાંચ લિટર ડિઝલ વધુ વપરાઈ જતું હોવાનું પણ નિગમના જ ઓફિસરો જણાવી રહ્યા છે. સિમ્પલ ઈક્વેશન પ્રમાણે 46 મહિનામાં 24.15 લાખ લિટર ડિઝલનો નાહકનો ધૂંવાડો!

રાજ્ય સરકારનાં નેશનલ હાઈ-વે ડિવિઝને જાન્યુઆરી-2018માં સર્વે કરાવડાવ્યો ત્યારે ટોલબૂથ પરથી રોજીંદા 50 હજાર પેસેન્જર કાર યુનિટ પસાર થતાં હોવાનું નોંધાયું હતું જ્યારે તાજા સ્થિતિ અનુસાર એ સંખ્યા 85455 થઈ ગયાનું પણ આ ડિવિઝનના જ અફસરો જણાવી રહ્યા છે. તેમનાં ગણિત મુજબ એક ટ્રક બરાબર છ કાર અને ઉતારુ વાહનોના કિસ્સામાં પણ કઈંક એવું જ ગણાય છે.

રાજકોટ-અમદાવાદ હાઈ-વે પરથી કુલ મળીને રોજેરોજ 82 હજાર જેટલાં લોકો પસાર થાય છે અને તેમણે ક્યાંક ડાયવર્ઝન, ક્યાંક સ્પીડબ્રેકર્સ તો ક્યાંક સાંકડા માર્ગને લઈને મંદ ગતિ માટે મજબૂર બનવું પડે છે. પ્રોજેક્ટ સંપન્ન થઈ જાય પછી રાજકોટ-અમદાવાદ વચ્ચેનું અંતર હાલ કરતાં ઓછા સમયમાં કપાતું થઈ જશે એ સાચું, પણ અત્યારે તો ઉલટું તેમનો સમય વેડફાય છે. આ વિલંબિત પ્રોજેક્ટના અતિરિક્ત 46 મહિનામાં કુલ 11 કરોડ જેટલાં મનાવકલાકો વેડફાઈ ગયાનું ઠોસ અનુમાન છે. તાજેતરમાં જ રાજ્યના ગૃહ રાજ્ય મંત્રીએ દ્વારકા-ગાંધીનગર રુટની બસમાં આ માર્ગે પ્રવાસ કર્યો હતો. એ એસ.ટી. બસ રાતની હતી એટલે કે પછી અન્ય કોઈ કારણસર જાણે કે તેમને હજારો લોકોની તકલીફનો કોઈ અંદાજ જ આવ્યો નથી.

એક તરફ કેન્દ્ર સરકાર પી.એમ. ગતિશક્તિમાં સમાવિષ્ટ રાજકોટ જિલ્લાના ત્રણ પ્રોજેક્ટ-એઈમ્સ, રાજકોટ-કાનાલુસ રેલટ્રેક ડબલિંગ અને હિરાસર એરપોર્ટ જાન્યુઆરી સુધીમાં પાર પાડવા માટે ઉતાવળ કરાવી રહી છે તો બીજી બાજુ રાજકોટ-અમદાવાદ હાઈ-વેનાં લેન કન્વર્ઝનનો પ્રોજેક્ટ 24 મહિનાને બદલે 70 મહિનાથી ચાલી જ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર આ ધોરીમાર્ગ પર દરરોજ હેરાન થતા હજ્જારો લોકોની પરેશાની નિવારવા માટે બિલકુલ ચિંતિત નથી એવું ચિત્ર ઉપસે છે. અધૂરાંમાં પૂરું અગાઉ અહીં બે ટોલબૂથ હતાં તેને બદલે વર્ષ 2024માં ગમે ત્યારે ચાર ટોલપ્લાઝા કાર્યરત કરીને હેવી વ્હીકલ્સ પાસેથી અગાઉ કરતાં બમણો ટોલટેક્સ વસૂલાવા લાગશે. 

આ પણ વાંચો: સમગ્ર દેશમાં એકમાત્ર સેમી કંડકટર ગ્રેડ ડાયમંડનું ઉત્પાદન કરે છે યુવાન, જાણો કેવી રીતે બનાવે હીરા