Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: ગુજરાતીઓને ઠગ કહેવાના વિવાદીત નિવેદન મામલે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ (Tejaswi Yadav) સામે મેટ્રોપોલીટન કોર્ટ (Metropolitan Court) માં થયેલી બદનક્ષીની ફરિયાદના કેસમાં તેજસ્વીનો ઇન્ટરવ્યુ લેનાર ખાનગી ન્યુઝ ચેનલ તરફથી સીડીનો પુરાવો કોર્ટના રેકર્ડ પર રજૂ કરાયો હતો. જેને પગલે હવે આ કેસમાં અન્ય બાકીના જે સાક્ષીઓ છે, તેઓની જુબાની હાથ ધરાશે. આ કેસની વધુ સુનાવણી 23 જૂને યોજાશે.

કોર્ટના આદેશ અનુસાર ખાનગી ચેનલ તરફથી અધિકૃત વ્યક્તિ કોર્ટમાં સીલબંધ કવરમાં સીડી સાથે હાજર રહી હતી. જયાં કોર્ટ સમક્ષની જુબાનીમાં તેમણે જણાવ્યું હતું કે, આ સીડી યોગ્ય સોર્સથી લેવામાં આવી છે, તેમાં કોઇ ચેડા કરવામાં આવ્યા નથી, આ ઇન્ટરવ્યુ તેમની ચેનલના પત્રકાર દ્વારા કરવામાં આવ્યો હતો અને પુરાવાના ભાગરૂપે આ સીડી કોર્ટમાં રજૂ કરીએ છીએ. આ કેસમાં અગાઉ ત્રણ જેટલા સાક્ષીની જુબાની લેવાઇ હતી.

બદનક્ષીની ફરિયાદમાં એવા આક્ષેપ કરાયા છે કે, બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ દ્વારા પ્રેસ-મીડિયા સમક્ષ "જો ભી દો ઠગ હૈ ના, જો ઠગ હૈ, ઠગી કો અનુમતિ જો હૈ, આજ કે દેશ કે હાલાત મેં દેખા જાયે તો સિર્ફ ગુજરાતી હી ઠગ હો સકતે હૈ, ઔર ઉસકે ઠગ કો માફ કીયા જાયેગા" એલઆઇસી કા પૈસા, બેંક કા પૈસા દે દો, ફિર વો લોગ લેકે ભાગ જાયેંગે, તો કૌન જિમ્મેવાર હોગા એ મતલબના વિવાદીત નિવેદન કર્યા હતા, જેના કારણે ગુજરાતી પ્રજા અને ગુજરાતના સમગ્ર સમાજની બદનામી, માનહાનિ અને અપમાન થયુ છે. 

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ગુજરાતીઓનું જાહેરમાં ઘોર અપમાન થાય તેવા બદનક્ષીકારક નિવેદનો કરી ગુજરાતીઓને ઠગ કહ્યા છે. ઠગ શબ્દનો અર્થ બદમાશ, ધુતારા, લુચ્ચા, ગુન્હેગાર જેવો થાય છે ત્યારે એક જવાબદાર રાજકીય નેતા હોવાછતાં તેમણે બદનક્ષીકારક એવું ગુનાહિત કૃત્ય આચર્યુ હોઇ આઇપીસીની કલમ-499 અને 500 મુજબ, તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે.