Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

આણંદના આંકલાવમાં સુચારું શિક્ષણ વ્યવસ્થાના દાવાના લીરેલીરાં ઉડતા જોવા મળ્યા છે. વાત જાણે એમ છે કે આણંદના આંકલાવની ઝાલાપુરા પ્રાથમિક શાળામાં બાળકો ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર બન્યાં છે. આ પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત બની ગયા છે તો દિવાલો પરથી પ્લાસ્ટર ઉખડી ગયા છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? તો ચાલો જાણીએ વધુ માહિતી. 

રાજ્યમાં સુચારું શિક્ષણ વ્યવસ્થાના મોટા દાવાઓ કરવામાં આવ્યા છે. જોકે તેનાથી એકદમ વિપરીત આણંદના આંકલાવની ઝાલાપુરા પ્રાથમિક શાળાએ સુચારું શિક્ષણ વ્યવસ્થાના દાવાનો છેદ ઉડાડી દીધો છે. આણંદના ઝાલાપુરા પ્રાથમિક શાળામાં બાળકો પણ છે પરંતુ ત્યાં ઓરડો નથી. વાત જાણે એમ છે કે, આ પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત બની ગયા છે અને ઓરડાની દિવાલો પરથી પ્લાસ્ટર ઉખડી ગયા છે તો ઓરડાની છતના પતરા પણ તૂટેલી હાલતમાં છે.

કડકડતી ઠંડીમાં બાળકો ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર 

મળતી માહિતી મુજબ ઝાલાપુરાની પ્રાથમિક શાળામાં માત્ર એક જ ઓરડો સારી હાલતમાં છે. જેથી કડકડતી ઠંડીમાં બાળકો ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર બન્યાં છે. 1થી 5 ધોરણ વચ્ચે માત્ર એક જ વર્ગખંડ હોવાથી બાળકોને બહાર બેસાડવાની નોબત આવી છે. આ તરફ હવે ઓરડા વિના 111 બાળકોનું ભવિષ્ય અંધારામાં મુકાયું છે. 

અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય 

ગામના સ્થાનિકો અને શિક્ષકોનો આક્ષેપ છે કે શાળામાં ઓરડાનો અભાવ અને સમારકામ માટે અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો નથી. ત્યારે ગામની પ્રાથમિક શાળા જર્જરિત હોવાથી વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ કરાવવા મજબૂર બન્યાં છે. ત્યારે હવે આ શાળાને વહેલીતકે રિપેર કરવામાં આવે તેવી ગ્રામજનો માગ કરી રહ્યાં છે.

આ પણ વાંચો: ભાવનગર જિલ્લાના નવ સ્થળને આરટીઓએ બ્લેકસ્પોટ કર્યા જાહેર