Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- દુષ્કર્મ પીડિત સગીરાનો મામલો: સાત માસથી વધુનો ગર્ભ હોવાથી હાઈકોર્ટે ગર્ભપાત માટેની અરજી નકારી

- નારી સંરક્ષણ ગૃહ, સમાજ કલ્યાણ વિભાગ, બાળ તથા મહિલા વિકાસ વિભાગ પીડિતાને તમામ સુવિધા આપે - હાઈકોર્ટ

Gujarat: મોરબીની દુષ્કર્મ પીડિત સગીરાએ તેના સાત માસથી વધુના ગર્ભના ગર્ભપાત માટે કરેલી અરજીને હાઈકોર્ટે રાજકોટ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની પેનલના રિપોર્ટના આધારે નકારી દીધી છે. સુનાવણી દરમિયાન પીડિતાએ હાઈકોર્ટને જણાવેલુ કે બાળકનો જન્મ થાય ત્યાં સુધી તે રાજકોટના નારી સંરક્ષણ ગૃહમાં રહેવા માગ છે. આ પછી, હાઈકોર્ટે નારી ગૃહના સત્તાધીશ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગના સત્તાધીશોને નિર્દેશ આપ્યો છે કે પીડિતાને જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડો. આ ઉપરાંત, હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે કે આ કેસમાં સમયાંતરે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરે અને પીડિતા કે તેના પરિવારને કોઈ મુશ્કેલી પડે તો તે ગમે ત્યારે હાઈકોર્ટમાં રજૂઆત કરી શકે છે.

મહત્વનુ છે કે, ગયા સપ્તાહે હાઈકોર્ટે રાજકોટ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની પેનલના રિપોર્ટના આધારે આ ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટનુ અવલોકન હતુ કે સગીરાની પ્રેગનન્સી એડવાન્સ સ્ટેજમાં છે અને જો ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપવામાં આવે તો સગીરાના જીવને જોખમ છે અને ગર્ભમાં રહેલા શિશુને લઈ અનેક પ્રશ્નો સર્જાઈ શકે છે. હાઈકોર્ટના નિર્દેશ બાદ રાજ્યના સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ, નારી સંરક્ષણ ગૃહ અને અન્ય વિભાગના અધિકારીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. હાઈકોર્ટે તેમને પૂછેલુ કે આ સગીરા બાળકને જન્મ આપે તો ભવિષ્યમાં તેની દેખરેખ અને સારસંભાળ કેવી રીતે રાખવામાં આવશે. હાઈકોર્ટે સગીરાના પિતાને પણ સવાલ કરેલો કે તે સગીરાની સારવાર તેના ઘરે કરાવવા માગે છે કે પછી રાજકોટ સિવિલમાં કરાવવા માગે છે. આ સમયે સગીરાના પિતાએ કોર્ટને જણાવેલુ કે આ અંગે તે તેની દિકરીને પૂછીને કોર્ટને જાણ કરશે. બીજી તરફ, રાજકોટ સિવિલે હાઈકોર્ટને જાણ કરેલી કે તેઓ પીડિતાને તમામ પ્રકારની સારવાર આપવા માટે તૈયાર છે. તેના પરિવારજનો ગમે ત્યારે તેણીને ગમે ત્યારે મળી શકે છે.    

હાઈકોર્ટના નિર્દેશ બાદ, જેલ તંત્રએ આરોપીને હાઈકોર્ટ સમક્ષ રજૂ કરેલો. આ સમયે, હાઈકોર્ટને જાણ કરાયેલી કે આરોપી પરણેલો છે અને તેની પત્ની ગર્ભવતી છે. હાઈકોર્ટે આરોપીને ઝાટકતા કહેલુ કે તે પરણેલો છે, તો પણ દુષ્કર્મનો ગુનો આચરતા શરમ કેમ ન આવી? આ પછી, હાઈકોર્ટે આરોપીને જેલમાં પરત મોકલી આપેલો.

આ પહેલા સુનાવણી દરમિયાન, રાજકોટ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર્સની પેનલે સગીરાની મેડિકલ તપાસનો તેનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરેલો. જેમાં જણાવેલુ કે પીડિતાને 30થી 32 સપ્તાહથી વધુનો ગર્ભ છે, મતલબ કે તે સાત મહિનાથી વધુના સમયગાળાનો ગર્ભ છે અને તે એડવાન્સ સ્ટેજમાં છે. આ સ્થિતિમાં ગર્ભપાતને મંજૂરી આપવામાં આવે તો પીડિતા અને ગર્ભમાં રહેલા શિશુને લઈ અનેક પ્રકારના પ્રશ્નો સર્જાશે. જેથી, સગીરાને ગર્ભપાતની મંજૂરી આપવી યોગ્ય નથી.