Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

પોરબંદરમાં એક અબજના ખર્ચે બનેલા બે માળના સ્પ્લીટ ફ્લાય ઓવર બ્રીજની હાલત ખૂબ જર્જરીત બની ગઈ છે તથા અનેક જગ્યાએ તેના સાંધા, કમરના મણકાની ગાદીને નુકસાન પહોંચાડે તેટલી હદે જર્જરીત બની ગયા છે. મસમોટા ગાબડા પડયા હોવા છતાં તંત્ર સમારકામ માટે જાગતું જ નથી.

પોરબંદરમાં સ્પ્લીટ ફ્લાયર ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ ઓવરબ્રીજ ઘણા સમયથી જર્જરીત હાલતમાં ફેરવાઈ રહ્યો છે. તેમાં મોટાભાગના સાંધા ખુબ જ બીસ્માર બની ગયા હોવાથી વાહનચાલકો જ્યારે અહીંથી પસાર થાય છે ત્યારે મણકાની ગાદી ખસી જાય તેટલી હવે થડકા લાગે છે. દરેક સાંધાઓમાં લોખંડના એંગલ પરનો ડામર ખસી ગયો છે. તેના કારણે વારંવાર થડકા ખાઈને ટુ વ્હીલર ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે.

એટલું જ નહીં પણ આ ઓવરબ્રીજમાં સાંધા પાસેની દિવાલ પણ ખુબ જર્જરીત બની ગઈ છે અને તેમાં મોટી તિરાડો નજરે ચડી રહી છે. ઓવરબ્રીજ પોરબંદર થી રાજકોટ તરફ આવતો દ્વારકા સોમનાથ વચ્ચે બાયપાસ રોડ હોવાથી હેવી વાહનો આ ઓવરબ્રીજ પરથી પસાર થાય છે. કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો જવાબદારી કોની તેવા સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે. ઓવરબ્રીજ પર અનેક જગ્યાએ મસમોટા ગાબડા પડી ગયા છે. તેથી યુધ્ધના ધોરણે સમારકામ કરવું ખુબ જ જરૂરી બની ગયું છે.

પોરબંદર કર્લી પુલથી રોકડીયા હનુમાન મંદિર સુધીના બ્રીજ ઉપર અને માધવાણી કોલેજથી રોકડીયા હનુમાન સુધીના બીજા માળે સાફસફાઈના અભાવે ગંદકી જોવા મળી રહી છે. ઠેર-ઠેર પ્લાસ્ટીકની કોથળી, દારૂની બોટલો સહિત કચરો ચારેય તરફ ઉડી રહ્યો છે. ત્યારે બીજી બાજુ રોડ ઉપર કોંક્રીટ ઉખડી જવાથી તેની કાંકરીઓ પણ વાહનના ટાયરોમાં ખુંચી જાય છે. સતત ધુળ ઉડતી હોવાથી અનેક જગ્યાએ ધુળનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે. તેથી અહીંયા વ્યવસ્થિત સાફસફાઈની પણ જરૂર છે. 

આ પણ વાંચો: ફ્રાન્સમાં અટકાવેલ પ્લેનમાં 96 ગુજરાતી સાથે 303 પ્રવાસીઓ પકડાયા