Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- સાત ઓગષ્ટે કોર્ટમાં કેસ કમિટ થાય તેવી સંભાવના

- આરોપી તથ્યએ ગતિ મર્યાદાથી વધારે પૂરપાટ ઝડપે કાર ચલાવી - પોલીસ

Ahmedabad: સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનાર અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા હિટ એન્ડ રન કેસમાં અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા કોર્ટમાં ટ્રાફિક પોલીસે આરોપી તથ્ય પટેલ સામે 1684 પાનાની ચાર્જશીટ ફાઈલ કરેલી છે. જેમાં, થાર કારના કિશોર ચાલક સહિત આઠ નજરે જોનાર સાક્ષીઓ, 12 ઘાયલ લોકો, જેગુઆર કારના ત્રણ અધિકારીઓ,  કાફેથી ઈસ્કોન બ્રીજ સુધીના રસ્તા ઉપરના સીસીટીવી ફુટેજ,  રિકન્ટ્રકશન કરનાર  એફએસએલના અધિકારીઓ, ગુનાવાળી જગ્યાનો નકશો, સ્ટ્રીટ લાઈટનો અભિપ્રાય આપનાર અધિકારી, એસજીહાઈવે ઉપર સ્પીડ લિમિટના સાઈનેજીસ બોર્ડની માહિતી આપનાર કાર્યપાલક ઈજનેર, અકસ્માત વાળી જગ્યાનું નિરીક્ષણ કરીને અભિપ્રાય આપનાર રાષ્ટ્રીયધોરી માર્ગ વિભાગના અધિકારી, અકસ્માતની જગ્યાની સ્પીડ લિમિટ આપનાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગના અધિકારી, આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલના મોબાઈલની કોલ ડિટેઈલ સહિતના પુરાવા રજૂ કરાયા છે. આ ઉપરાંત, ચાર્જશીટમાં જેગુઆર કારના માલિક કિશ હર્ષદ વારીયા અને હર્ષદ વારિયાનું નિવેદન લેવાયુ છે. અમદાવાદ પોલીસે નબીરા તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે 191 સાક્ષીઓ સહિતના પુરાવા સાથેનું ચાર્જશીટ ફાઇલ કર્યુ હતુ. પોલીસે આ કેસમાં આઠ સાક્ષીઓના કલમ-164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષના નિવેદનો પણ ચાર્જશીટમાં રજૂ કર્યા છે. જો કે હાલ આ નિવેદનો સીલ બંધ કરવામાં કોર્ટ પાસે રહેલા છે

ચાર્જશીટમાં ઉલ્લેખ કરાયો છે કે, તથ્ય પટેલે જેગુઆર કારમાં તેની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડેલા હતા. જેમાં શ્રોયા વઘાસીયા, આર્યન પંચાલ, ધ્વનિ પંચાલ, શાન સાગર, માલવિકા પટેલનો સમાવેશ થાય છે. તથ્યએ એસજી હાઈવે કર્ણાવતી કલબ તરફથી 141.27 કિલોમીટરની ઝડપે કાર ચલાવી હતી. આ જેગુઆર કાર બેદરકારી રીતે જાણી જોઈને પુરપાટ ઝડપે ઈસ્કોન બ્રિજ પરથી ચલાવાઈ હતી. આ સમયે, ઈસ્કોન બ્રિજ પર થાર અને ડમ્પર વચ્ચે પહેલાથી જ અકસ્માત થયેલો અને પોલીસ તેની તપાસ કરતી હતી અને આ સમયે લોકોનુ ટોળુ પણ ત્યાં રહેલુ હતુ. જેને તથ્યની પૂરપાટ ઝડપે આવતી કારે કચડ્યા હતા અને હવામાં ફંગોળ્યા હતા. આ કારે કેટલાક લોકોને 120 ફુટ સુધી રોડ પર ઢસડેલા. જેમાં નવ લોકોના મોત થયા છે અને 12 જેટલા લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતની જાણ બાદ, તથ્યનો પિતા પ્રજ્ઞેશ પટેલ ઘટના સ્થળે આવેલો. આ સમયે, લોકો સાથે તેની બોલાચાલી થઈ હતી. જેમાં, તેણે લોકોને ધમકી આપીને તે તથ્યને લઈ ગયો હતો. તથ્યએ અમદાવાદ શહેર પોલીસ ટ્રાફીક પોલીસ દ્વારા 25મી માર્ચ 2021ના રોજ નક્કી કરેલ સ્પીડ લિમિટથી વધારે ઝડપે કાર ચલાવેલી છે.

થારના કાર ચાલકને સાક્ષી બનાવ્યો

તથ્ય પટેલે સર્જેલા અકસ્માત પહેલા ઇસ્કોન બ્રિજ પર ડમ્પરના પાછળના ભાગે થાર કાર અથડાયેલી. થારના ચાલક હાર્દિક મેલાજી વરસંગજી ઠાકોર અને તેના પિતા મેલાજી વરસંગજી ઠાકોરને ટ્રાફીક પોલીસે સાક્ષી બનાવ્યા છે.

જેગુઆર કારની માહિતી મેળવી

ટ્રાફીક પોલીસે જેગુઆર કાર કંપનીના સ્પેસિફિકેશન અને ફિચર્સની માહિતી સર્વિસ મેનેજર રાકેશ પંચાલ પાસેથી મેળવી હતી. અકસ્માત થયેલ જેગુઆર કારની જીપીએસ સ્પીડ અને સ્પેસ રિપોર્ટ  અશ્વિન નારાયણન પાસેથી અને અકસ્માત થયેલી કારની એક્સિડન્ટ હિસ્ટ્રી જેગુઆર કંપની પાસેથી મેળવી હતી..

કેસ 7મી ઓગષ્ટના રોજ કમિટ થવાની શકયતા

ટ્રાફિક પોલીસે કોર્ટની મંજૂરીથી આરોપીઓને ચાર્જશીટની નકલ સાબરમતી જેલમાં આપી છે. આ કેસની આગામી મુદત 7મી ઓગષ્ટના રોજ હોય તે દિવસે કેસ કમિટ કરવામાં આવી શકે છે. બીજી તરફ ટ્રાફિક પોલીસ દ્વારા ગૃહવિભાગ અને કાયદા વિભાગને સાથે રાખીને ગુજરાત હાઈકોર્ટ સાથે પરામર્શ કરીને કેસ ઝડપી ચલાવવા માટે સ્પેશ્યિલ કોર્ટની મંજૂરી મેળવવામાં આવી શકે છે.  

ચાર્જશીટના મહત્વના મુદ્દા

- ચાર્જશીટમાં કુલ ૧૯૧ સાક્ષીઓના નિવેદન

- 15 દસ્તાવેજી પુરાવા

- અકસ્માતમાં નવ લોકોના મોત

- પોસ્ટમોર્ટમ કરનાર સિવિલના ડોકટરોના નિવેદન

- ઈજાગ્રસ્તને સારવાર આપનાર ડોક્ટરની વિગત

- એફએસએલના અધિકારીઓ, ટ્રાફીકના અધિકારીઓની માહિતી

- અકસ્માતને નજરે જોનાર આઠ સાક્ષીઓના નિવેદન

- ઘાયલ થનાર 12 લોકો, તપાસનીશ અધિકારીની વિગત