Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગાંધીનગર શહેરમાં વાયબ્રન્ટ સમિટ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ સે-17 સ્થિત એક્ઝિબીશન સેન્ટર લોકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે ત્યારે તેની આસપાસ નોપાર્કીંગ ઝોન જાહેર કરાયેલા માર્ગો ઉપર મુલાકાતીઓ રોડ ઉપર જ વાહનો પાર્ક કરીને ટ્રેડ શોમાં જતાં રહયા હતા ત્યારે ટ્રાફિક પોલીસની દોડી રહેલી 35થી વધુ ટોઈંગ વાને 23 ફોર વ્હીલર અને 112 જેટલા ટુવ્હીલર ઉપાડી લીધા હતા અને સે-22ના મેદાનમાં લઈ જવાયા હતા.

ગાંધીનગરમાં 10મી ગ્લોબલ વાયબ્રન્ટ સમિટને અનુસંધાને દેશ વિદેશના મહાનુભાવો આવવાના હોવાથી શહેરના વિવિધ માર્ગોને નો પાર્કીંગ ઝોનમાં ફેરવી દેવામાં આવ્યા હતા. ખાસ કરીને મહાત્મા મંદિર અને સે-17ના ટ્રેડ શો આસપાસના વિસ્તારમાં વાહનો રોડ ઉપર પાર્ક ના થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવતું હતું. તેમ છતાં ઘણા વાહનચાલકો રસ્તા ઉપર જ પોતાનું વાહન મુકીને જતાં રહેતા હતા. આવા વાહનચાલકોને પકડવા માટે જ ટ્રાફિક પોલીસે 35થી વધુ ટોઈંગ વાન કામે લગાડી હતી. સમિટ ચાલી ત્યાં સુધી મહાત્મા મંદિર આસપાસથી નો પાર્કીંગ ઝોનમાં પાર્ક થયેલા વાહનો ઉપાડવામાં આવ્યા હતા.

આજે સે-17 ગ્લોબલ ટ્રેડ શો પ્રજા માટે ખુલ્લો મુકી દેવામાં આવતાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ ગાંધીનગર ઉમટી પડયા હતા અને માર્ગ ઉપર જ વાહનો પાર્ક કર્યા હતા. ટ્રાફિક પોલીસની આ ટોઈંગ વાનોએ નડતરરૂપ 235થી પણ વધુ વાહનો ટો કરી લીધા હતા. જેમાં 23 જેટલા ફોર વ્હીલર અને 112 જેટલા ટુ વ્હીલરનો સમાવેશ થાય છે જે વાહનો સે-22 સ્થિત રંગમંચ પાસેના મેદાનમાં લઈ જવામાં આવ્યા હતા. એટલું જ નહીં આવતીકાલે પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવનાર છે. હાલ ગાંધીનગરમાં અન્ય શહેરોમાંથી લોકો ટ્રેડ શો જોવા માટે પધારી રહયા છે ત્યારે માર્ગો ઉપર વાહન પાર્ક નહીં કરવા પોલીસે તાકિદ કરી છે.

આ પણ વાંચો: ઉત્તરાયણના પર્વને લઈ મેટ્રો ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર