Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- પોલીસનો ઉલ્લેખ કરીને કોઈ આક્ષેપ નથી, અરજદારે જનરલ આરોપ લગાવ્યા - પોલીસ કર્મચારીઓ

- પાંચમાંથી ત્રણે આરોપ લગાવ્યા છે  

ખેડા જિલ્લાના માતર તાલુકામાં ગયા વર્ષે નવરાત્રિ દરમિયાન પત્થરમારો કરવાના કેસમાં અટકાયત કરાયેલા શંકાસ્પદ લોકોને પોલીસ દ્વારા જાહેરમાં મારવાના કેસમાં પોલીસ સામે થયેલી કન્ટેમ્પ્ટની અરજીમાં પોલીસ કર્મચારીઓ દ્વારા હાઈકોર્ટમાં જવાબ રજૂ કરાયો છે. જેમાં, તેમણે રજૂઆત કરી છે કે, તેમની સામેના આક્ષેપો ચોક્કસપણે સ્પષ્ટ થતા નથી. માત્ર ફોટોગ્રાફ્સના આધારે પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરી ન શકાય. આ માટે પુરાવા અને સક્ષમ કોર્ટના તારણો હોવા જરૂરી છે. અરજદારની અરજી ટકવા પાત્ર નથી.

સુનાવણી દરમિયાન, પોલીસ ઈન્સ્પેક્ટર સહિતના પોલીસ કર્મચારીઓએ રજૂઆત કરેલી કે પાંચ આરજદારોમાંથી ત્રણ જણાએ જ પોલીસ અત્યાચારની ફરિયાદ કરેલી છે. આ ઉપરાંત, એક નંબરના અરજદારના પુત્રએ કોઈપણ જાતની સત્તા વગર તમામ અરજદારો વતી સોગંદનામુ રજૂ કરેલુ છે. જે કાયદાની જોગવાઈઓ સાથે સુસંગત નથી. અરજદારે જે અરજી કરી છે, તેમાં ઘણી વિગતો ખુટી રહી છે. અરજદારે જે આક્ષેપો કરેલા છે, તે જનરલ છે તેમાં પોલીસ કર્મચારીઓનો ઉલ્લેખ કરીને કોઈ આક્ષેપ કરાયો નથી. આ અરજી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની જોગવાઈઓ અને હાઈકોર્ટ રૂલ્સની જોગવાઈઓને પરિપૂર્ણ કરતી નથી. જેથી આ અરજીને ફગાવો.

સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ભંગ કરાયો છે, તો તે અંગે જેએમએફસી કોર્ટ, સિવિલ કોર્ટ અને હાઈકોર્ટના ચોક્કસ તારણો હોવા જોઈએ. જો કે, આ કેસમાં આ બાબત નજરે પડતી નથી. અરજદારે ફોટાની ઝેરોક્ષ રજૂ કરેલી છે, જે પુરાવાનો એક ભાગ છે. તેનાથી કોઈ કેસ પુરવાર થતો નથી.

કેસની વિગત જોઈએ તો, ગત વર્ષે નવરાત્રિ દરમિયાન, માતર તાલુકાના એક ગામમાં નવરાત્રિ દરમિયાન પત્થરમારાની ઘટના બની હતી. આ ઘટના પછી સ્થાનિક પોલીસે કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત કરેલી. આ સમયે, પોલીસે તેમને જાહેરમાં થાંભલા પાસે હાથ પકડીને માર મારેલો. આ ઘટનાનો વિડીયો પણ ઉતારેલો. જે વિડીયો સોશિયલ મિડીયામાં પણ વાઈરલ થયેલો. પોલીસ દ્વારા આ શંકાસ્પદ લોકોને જાહેરમાં મારવાની આ ઘટના સામે હાઈકોર્ટે પોલીસ સામે કન્ટેમ્પ્ટની અરજી કરાયેલી છે. જેમાં, હાઈકોર્ટે સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવેલી છે.