Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- આદેશ બાદ હાજર રહેલા જૂનાગઢ ડીએસપી અને પીઆઈની હાઈકોર્ટે ઝાટકણી કાઢી

- કેસમાં ડીવાયએસપી પર આરોપ છે, તો આ કેસની તપાસ કોણ કરશે સરકાર જણાવે - હાઈકોર્ટ

અમદાવાદ: પોલીસ તંત્રમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં પિતા પર કથિત પોલીસ અત્યાચાર અને રહસ્યમય સંજોગોમાં તેમના મોતના મુદ્દે જૂનાગઢ પોલીસે કોઇ જ કાર્યવાહી ન કરતા, હાઈકોર્ટમાં થયેલી અરજીમાં જૂનાગઢમાં ઈન્ચાર્જમાં રહેલા તત્કાલીન ડીએસપી રવિ તેજા અને પીઆઈ એમ. એમ. વાઢેર હાઈકોર્ટના નિર્દેશ બાદ હાઈકોર્ટમાં રૂબરૂ હાજર રહેલા. સુનાવણી સમયે, હાઈકોર્ટે આ કેસમાં પોલીસની બેદરકારીના મુદ્દે બંને ઉચ્ચ પોલીસ અધિકારીઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે રાજ્યના ગૃહવિભાગને આદેશ આપ્યો છે કે, બંને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમની સત્તાવાર ફરજ નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે, તેથી તેમની વિરૂદ્ધ કાયદાનુસાર પગલા લેવામાં આવે. હાઈકોર્ટે આ આદેશની નકલ ગૃહવિભાગને મોકલી આપવાનો પણ આદેશ કર્યો છે.

હાઈકોર્ટના કડક વલણ બાદ, સરકારે રજૂઆત કરેલી કે આ કેસમાં મૃતકના અરજદાર પુત્રની એફઆઈઆર પોલીસ દ્વારા ઝડપથી નોંધી લેવામાં આવશે. અરજદારને તેની ફરિયાદમાં કોઈ બાબત ઉમેરવી હોય તો તે ઉમેરીને પોલીસ સમક્ષ રજૂઆત કરી શકે છે. આ સમયે, હાઈકોર્ટે સરકારને સવાલ કરેલો કે, એફઆઈઆર નોંધી લેશો તો પણ આ કેસમાં તપાસ કોણ કરશે? આ કેસમાં તો સ્થાનિક ડીવાયએસપી વિરૂધ્ધ ગંભીર આરોપ છે. આ સમયે, સરકારે હાઈકોર્ટને હૈયાધારણ આપી હતી કે, ડીવાયએસપી કક્ષાથી ઉપરના હોય તેવા અધિકારી મારફતે કેસની તપાસ કરાવાશે. આ પછી કોર્ટને યોગ્ય લાગે તે પ્રમાણે હુકમ કરી શકે છે. હાલ ડીએસપી અને પીઆઈ હાઈકોર્ટમાં હાજર છે. હાઈકોર્ટે બંને અધિકારીઓની ઝાટકણી કાઢતા સવાલ કરેલો કે, તમે માર્ચ મહિનાથી અત્યાર સુધી શું કર્યું? એક ડીએસપી અને જવાબદાર ઉચ્ચ અધિકારી તરીકે તમે શું પગલાં લીધા ? તમે મરનારના ફોટા જોયા છે ? શું તમારી ફરજ નહોતી કે તાત્કાલિક ફરિયાદ નોંધવી જોઈએ ? તમે ત્રણ મહિના સુધી શું કર્યું શું? આ મુદ્દે  ડીએસપી કોઈ જવાબ આપી શક્યા ન હતા. હાઈકોર્ટે ડીએસપીને એ પણ કહેલુ કે તમને સુપ્રીમ કોર્ટના લલિતાકુમારીને કેસના ચુકાદાની તમને ખબર છે તો પણ એફઆઈઆર નોંધી નથી, આ તો કોર્ટના તિરસ્કાર સમાન બાબત છે. તમે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પ્રક્રિયાનો સામનો કરો.

હાઇકોર્ટે પીઆઇને પણ ઝાટકતા સવાલ કરેલો કે, એફઆઇઆર દાખલ કરવાની જવાબદારી પોલીસ સ્ટેશનના તાબા હેઠળ આવે છે કે નહી ? તો તમે કેમ કંઇ કાર્યવાહી કેમ કરી નહીં ? તમે જુઓ તો ખરા તમારા ડિપાર્ટમેન્ટના માણસોને કેટલો માર માર્યો છે, એ ડ્રાઇવર છે કે અન્ય કોઇ એ ગૌણ બાબત છે પરંતુ એક પોલીસ કર્મી પર આટલો અત્યાચાર થયો હોય અને પોલીસ એફઆઇઆર પણ દાખલ ના કરે આ ખરેખર લાપરવાહી છે.